World

પાકિસ્તાન નહીં સુધરે, UNSCનું પ્રમુખ પદ મળતા જ ભારત વિરુદ્ધ રમી આ ચાલ

પાકિસ્તાન જાન્યુઆરી 2025 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું અને હવે રોટેશન હેઠળ તેને મંગળવારે UNSC નું પ્રમુખપદ મળ્યું છે. તેનું પ્રમુખપદ UNSC ના પાંચ કાયમી સભ્યો (યુએસએ, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન) અને 10 અસ્થાયી સભ્યો એટલે કે પરિષદના 15 સભ્યો વચ્ચે ફરતું રહે છે. દરેક સભ્ય એક મહિના માટે પ્રમુખપદ ધરાવે છે અને પાકિસ્તાનને જુલાઈ મહિના માટે પ્રમુખપદ મળ્યું છે. પ્રમુખપદ મળતાની સાથે જ પાકિસ્તાને ભારત સામે મોરચો ખોલી દીધો છે અને ફરી એકવાર એ જ જૂનો કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે, જેના વિશે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે દ્વિપક્ષીય મુદ્દો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કહ્યું છે કે યુએનએસસીએ કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે જરૂરી પગલાં લેવા જોઈએ. પાકિસ્તાની રાજદૂતે દ્વિપક્ષીય મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે કાશ્મીરનો વિવાદિત મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે ગંભીર તણાવનો મુદ્દો છે.

ન્યૂયોર્કમાં યુએન મુખ્યાલયમાં બોલતા પાકિસ્તાની રાજદૂતે કહ્યું, દુનિયાને હવે આ મુદ્દા પર કામ કરવાની જરૂર છે. આ સમય કાશ્મીર મુદ્દા પર વાત કરવાનો છે અને હું કહીશ કે તે ફક્ત પાકિસ્તાનની જવાબદારી નથી. અમે અહીં કામચલાઉ છીએ. બે વર્ષ માટે કામચલાઉ સભ્ય છીએ. મારું માનવું છે કે આ સુરક્ષા પરિષદનો પણ મુદ્દો છે, ખાસ કરીને પરિષદના સ્થાયી સભ્યોનો, કે તેઓ એવા પગલાં લે કે જેથી આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની જોગવાઈઓ અનુસાર ઉકેલી શકાય. આ એકમાત્ર રસ્તો છે.

શિમલા કરાર રદ અને કાશ્મીર પર પાકિસ્તાનના રોકકળ
ગઈ તા. 22 એપ્રિલના રોજ પહેલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી અને પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસનું યુદ્ધ શરૂ થયું.

ભારત સાથેના સંઘર્ષમાં ખરાબ રીતે હાર્યા બાદ હતાશ પાકિસ્તાને ભારત સાથેનો શિમલા કરાર રદ કર્યો. આ કરાર હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશો તેમના પરસ્પર મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલશે. એ બીજી વાત છે કે પાકિસ્તાને કરારમાં હોવા છતાં પણ વૈશ્વિક મંચો પર ઘણી વખત કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો.

શિમલા કરાર રદ થયા પછી તેને હવે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ ઉઠાવવાની છૂટ મળી ગઈ છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રની નબળી સ્થિતિને જોતાં, એવું લાગે છે કે પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં ખૂબ સફળ થશે નહીં. ગમે તે હોય વિશ્વના બે મુખ્ય દેશો અમેરિકા અને રશિયા જેઓ UNSC ના કાયમી સભ્ય પણ છે ભારતની નજીક છે.

ભારત હંમેશા કહેતું આવ્યું છે કે કાશ્મીર મુદ્દો તેનો આંતરિક મામલો છે અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને તેના પર કોઈ ચર્ચા થવી જોઈએ નહીં. ભારત સ્પષ્ટપણે કહે છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે, તો તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા કાશ્મીરને ભારતને પરત કરવા પર થશે. આવી સ્થિતિમાં એવું લાગતું નથી કે પાકિસ્તાન ભારત સામેના તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ શકશે.

Most Popular

To Top