વડોદરા: ડભોઇના કડિયાવાડમાં રહેતી મહિલાએ પડોશી સબંધી યુવકને ઉછીના નાણાં આપવાની ના પાડતા બે મહિલા સહિત ચાર હુમલાખોરોએ ઢોરમાર મારીને પથ્થરમારો કરતા છોડાવવા આવેલી મહિલાને પણ ઇજાઓ પહોંચી હતી. મારી નાખવાની ધમકી આપી હોવાથી મામલો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ કડિયા વાડમાં જુની ગાદી પાસે રહેતા 39 વર્ષીય સઇદાબાનું ઈમ્તિયાઝ પ્યારાજીવાલા પાસે પાડોશમાં રહેતા તેમના સબંધી અબ્દુલ રસુલ પ્યારજીવાલાએ હાથ ઉછીના પૈસા માગ્યા હતા. વાતચિત દરમિયાન નાણા આપવાની સઇદાબાનુંએ ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલો અબ્દુલ ઉગ્ર સ્વરે ઝઘડો કરવા લાગ્યો, તો દરમિયાન તેની પત્ની જાહેરાબેન સાથે પરિચીત ઝુલેખાબેનસૌકતભાઈ આમીનવાલા, મહંમદરાજા મહેબુબભાઈ પ્યારજીવાલા અબ્દુલની મદદે આવી ગયા હતા અને ભેગા મળીને સઈદાબાનું પર હુમલો કર્યો હતો ને ઢોર માર માર્યો હતો. ચીસાચીસ અને શોર બકોર સાંભળીને સઇદાબાનુંને છોડાવવા પડોશી મરિયમબેન ગુલામભાઈ ધાબાવાલા દોડી આવ્યા હતા. મહંમદરાજાએ એકાએક પથ્થરમારો કરતા પડોશી મહિલાનું માથું ફૂટી ગયું હતું જેના કારણે લોહી લુહાણ થઈ ગયા હતા ઇજાગ્રસ્ત સઈદાબાનુંને મારી નાખવાની ધમકી આપી ચારેય હુમલાખોરો જતા રહ્યા હતા. ચાર હુમલાખોરો સામે સઇદાબાનુએ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.