Vadodara

ઓછા મતદાનથી રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં ગત ચૂંટણી કરતા 6 ટકા ઓછું એટલે કે માત્ર 42.82 ટકા જ મતદાન થતાં રાજકીય પક્ષો મતદાનનો ઝોક કઈ તરફ હશે તેની મુંઝવણમાં પડી ગયા છે. સામાન્ય રીતે મતદાન ઓછું થાય તો કોંગ્રેસને ફાયદો થતો હોય છે. પરંતુ આ વખતે આપ પણ મેદાનમાં હોવાથી તેણે ભાજપના મત તોડ્યા કે કોંગ્રેસના તે સ્પષ્ટ નથી. મતદાનમાં નાનકડો સ્વિંગ પણ આશ્ચર્યજનક પરિણામો આપી શકે એમ છે. કેટલાક વોર્ડમાં સિંગલ ઉમેદવારને જીતાડવા માટે મતદાન થયું હોવાનું પણ મનાઈ રહ્યું છે. આને કારણે કેટલાક વોર્ડમાં પેનલો તૂટે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે.

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થયું છે. આ અંગે વિગતો આપતા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં 42.82 ટકા મતદાન થયું છે.

જેમાં કુલ ૬,૧૯,૩૦૦ લોકોએ મતદાન કર્યું હતું.  તે સમયે મતદાન પ્રક્રિયામાં ૨,૮૧,૧૨૨ સ્ત્રી મતદાતાઓ અને ૩,૩૮,૧૮૮ પુરુષ મતદાતાઓએ ભાગ લીધો હતો. તેમજ રાજ્ય ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ સમગ્ર મતદાન મથકો ઉપર ચુસ્ત રીતે કોવીડ-19 ગાઈડલાઈન સાથે મતદાન કરવામાં આવ્યું છે.

   વડોદરા મહાનગરપાલિકામાં મતદાન માટે 1295 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં હતાં. જેમાં કુલ 12 મતદાન મથકો ઉપર 3 કન્ટ્રોલ યુનિટ અને 15 બેલેટ યુનિટમાં ટેકનિકલ ખામીના કારણે તાત્કાલિક બદલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખામી સર્જાયેલા ઈવીએમને પણ ચૂંટણીપંચની માર્ગદર્શિકા ત્વરિત રિપ્લેસ કરવામાં આવ્યા હતા. તેમજ આચારસંહિતા ભંગની નાની-મોટી ફરિયાદો નોંધાઈ તેની રિટર્નિંગ અને ઝોનલ ઓફિસર દ્વારા તપાસ કરીને ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. તેમ અગ્રવાલે ઉમેર્યું હતુ.

દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો અને સગર્ભા મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. આ નાગરિકો સુગમતાથી મતદાન કરી શકે તે માટે 155 વ્હિલ ચેર સાથે 155 સ્વયં સેવકો આ નાગરિકોની સેવામાં જોડાયા હતા. તેમજ મતદાનના અંતિત આંકડા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, કુલ ૧૯ વોર્ડમાં ૧૨૯૫ મતદાન મથકો આવેલા હતા. ચૂંટણી પ્રક્રિયામાં ૭૬ સીટ માટે ૨૭૯ હરીફ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાયેલી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન સાંજના પ વાગ્યા સુધીમાં વોર્ડ નંબર ૧ માં સૌથી વધુ ૫૦.૩૪ ટકા મતદાન થયું હતું. જેમાંથી ૫૭.૭૨ ટકા સ્ત્રીઓ અને ૫૨.૭૭ ટકા પુરુષોએ ભાગ લીધો હતો. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નં-17માં ૩૮.૦૧ ટકા થયું હતું, જેમાં ૩૦.૦૧ ટકા સ્ત્રીઓ અને ૪૧.૧૧ ટકા પુરુષોએ ભાગ લીધો હતો.

આ વખતે મતદાન ઓછું થવા પાછળ ઘણાં બધા કારણો ભાગ ભજવી ગયા છે. ખાસ કરીને કોરોનાને કારણે લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હોય તેવું મનાઈ રહ્યું છે. શહેરના પોશ વિસ્તારમાં પણ ઓછું મતદાન થયું છે.

પહેલા જે રીતે સંગઠનના કાર્યકરો લોકોને સમજાવીને મતદાન માટે બહાર કાઢતા હતા તે પણ આ વખતે જોવા મળ્યું નથી. મતદાન એજન્ટોના ટેબલ ઉપર પણ કાગડા ઊડતાં જોવા મળ્યા હતા. 23મીએ ઈવીએમ પેટીમાંથી શું નીકળે છે તેના પર બધાની નજર મંડાઈ છે.

ભાજપના પેજપ્રમુખો તેમના પેજનું મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગાઈ-વગાડીને જેને પોતાનો માસ્ટર સ્ટોક ગણાવતા હતા તે પેજપ્રમુખની વ્યવસ્થાના વડોદરામાં ધજ્જીયા ઊડી જતાં જોવા મળ્યા હતા. જે રીતે શહેરમાં 42.82 ટકા મતદાન થયું તે જોતાં મોટાભાગના પેજ પ્રમુખોએ તેમની જવાબદારી નિભાવી નથી તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપે હવે આ વ્યવસ્થા અંગે ફરીથી વિચાર કરવો પડે તેવી નોબત આવીને ઊભી રહી ગઈ છે.

ભાજપના પ્રમુખ સીઆર પાટીલે આ વખતની મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઘણા બધા જોખમો લીધા હતા. તેઓ પોતાની સંગઠનની તાકાત અને પેજપ્રમુખની વ્યવસ્થા પર મુસ્તાક હતા. પરંતુ જે રીતે અત્યંત કંગાળ મતદાન થયું છે તે જોતાં સીઆર પાટીલની આ વ્યવસ્થા નિષ્ફળ થતી હોવા મળી રહી છે.

શહેરમાં ઠેકઠેકાણે પેજપ્રમુખોના સંમેલનો બોલાવવામાં આવ્યા હતા અને તેમની બિરદાવલીઓ થઈ હતી. પણ આ બધુ જ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. દર વખતે ભાજપના સંગઠનના આગેવાનો જે મતદારો મતદાન કરવા બહાર ન આવ્યા હોય તેમને સમજાવવા માટે બહાર નીકળતાં હોય છે. આ વખતે એવું પણ ક્યાંય જોવા ન મળ્યું. ઘણી જગ્યાએ અનુભવ વગરના લોકોને પેજપ્રમુખબનાવી દેવાતાં લોકોને બહાર કાઢવામાં નિષ્ફળ ગયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top