વડોદરા: સમગ્ર રાજ્યભરમાં ધો 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ ધો. 6 થી 8ના વર્ગો પણ શરૂ થયા છે. જ્યારે વડોદરામાં ગુજરાતમિત્રે સરસ્વતી સ્કૂલ, અક્ષર પબ્લિક સ્કૂલ અને જીવન ભારતી વિદ્યાલયની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને પ્રિન્સીપાલ દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સેફટી માટે સેનિટાઇઝર અને માસ્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ ને એક બેન્ચ એક જ વિદ્યાર્થી બેસે એ રીતની વ્યવસ્થા કરાઈ છે.
ત્યારે સરસ્વતી સ્કૂલ અને અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સીપાલ હેતલ મહેતાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે 15 ટકા વિદ્યાર્થીઓ ની હાજરી જોવા મળી હતી. માસ્ક પણ કોઈ વિદ્યાર્થી ભૂલી જાય તો આપવામાં આવે. બાળકોને વારે વારે સેનિતાઇઝર નો ઉપયોગ પણ કરવાની સૂચના અપાય છે.
ઘણા મહિના પછી શાળા ફરી બાળકોથી ગુંજતી હતી અમને પણ ઘણી માજા આવી વિદ્યાર્થીઓને જોઈને. જીવન ભારતી સ્કૂલની વિદ્યાર્થીની કૃપા ભરવાડે કહ્યું કે, સ્કૂલમાં આવીને ઘણી ખુશી થઈ હવે ક્યારેય સ્કૂલ બંધ ના થવી જોઈએ. મેં મારા બધા મિત્રોને કહી રાખ્યું હતું કે આપણે સ્કૂલ ખુલે એટલે પહેલા દિવસેજ જઈશું. ઘરે અભ્યાસ કરવા કરતાં સ્કૂલમાં ભણવાની બહુજ માજા આવે છે.
કોરોનાનો ડર તો લાગે છે પણ સેફટી રાખીએ તો કઈ નહીં થાય.ધોરણ 6ના વીરેન રાવલે જણાવ્યું હતું કે, ઘણા સમય પછી સ્કૂલમાં ભણવાની માજા અલગ જ હતી. અહીં શાળામાં સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ દિવસે વિધ્યાર્થીઓ ઓછા છે પણ ભણવાની માજા આવી. હું મારા મિત્રો ને પણ કહીશ કે સેફટી સાથે સ્કૂલમાં આવે અને અહીજ અભ્યાસ કરે. સ્કૂલ જેવી મજા ઘરે નહીં આવતી.
પ્રિન્સીપાલ વ્યાસ સાવિત્રીબેને જણાવ્યું હતું કે, અમે બાળકોને કોઈ ફોર્સ નથી કર્યો 15 બાળકો એમની જાતેજ આવ્યા છે તેમના વાલીઓના સંમતી પત્ર સાથે લઈને આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને એક બેન્ચ પર એક જ બેસાડ્યા છે અને જે વિદ્યાર્થી આજે જે બેન્ચ પર બેઠો હોય હવે તેની જગ્યા બદલાય નહીં એજ બેન્ચ પર એ બેસશે.
થુવાવીમાં ધોરણ ૬ થી ૮નું શિક્ષણ ફરીથી કાર્યરત કરાયું
ડભોઈ: ગુરૂવારના દિવસે શ્રી. થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.ડી પટેલ પ્રાથમિક વિદ્યાલય થુવાવી ખાતે સરકારી ગાઇડલાઇન મુજબ ધોરણ ૬ થી ૮ ના વર્ગો ને ફરીથી સક્રિય કરાયા.
કોરોના ની મહામારી ના ચાલતે તેમજ કોરોના નો કેર વર્તાતા કોરોના સંક્રમણ ના ભય ના કારણે સરકાર શ્રી દ્વારા સ્કૂલ-કોલેજો સંપૂર્ણ બંધ રાખવા જાહેર કરાયું હતું પરંતુ હાલની સ્થિતિમાં કોરોના નો ભય ઓછો થતાં અને કોરોના ના કેસો નિયંત્રીત થતા સરકાર દ્વારા શાળા-કોલેજો પુનઃ ચાલુ કરવા દિશાનિર્દેશ જાહેર કરતા કેટલાક મહિનાઓની પ્રતિક્ષા પછી શિક્ષણ મેળવવા સ્કૂલ તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા હતાશાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રીફળ વધેરી શિક્ષણ કાર્ય ની શરૂઆત કરાઈ હતી.
છોટાઉદેપુરમાં ધોરણ ૬ થી ૮નાં વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદ
છોટાઉદેપુર: સરકાર દ્વારા આજથી ધોરણ ૬ થી ૮ નું શિક્ષણકાર્ય ફિઝિકલ શરૂ કરવામાં આવતા છોટાઉદેપુર ખાતે ની શાળાઓમાં પણ ધોરણ-૬થી ૮માં લગભગ ૩૦થી ૪૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.
કોરોનાને કારણે છેલ્લા અગિયાર મહિનાથી વિદ્યાર્થીઓ વગરની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ નાં વર્ગો શરૂ કર્યા પછી આજથી ધોરણ ૬ થી ૮ ના વર્ગો પણ શરૂ કરાતા આજે છોટાઉદેપુર ની એસ.એફ. હાઈસ્કૂલ, ડોન બોસ્કો શાળા, કન્યા વિદ્યાલય, સનરાઈઝ શાળા, નારાયણ શાળા તેમજ ઇકબાલ હાઈસ્કૂલ સહિતની ધોરણ ૬ થી ૮ નાં વર્ગો ધરાવતી શાળાઓ માં શિક્ષણકાર્ય શરૂ થતા લગભગ ૩૦થી ૪૦ ટકા વિદ્યાર્થીઓ શાળામાં માસ્ક પહેરીને વાલીઓની સંમતિ પત્ર સાથે આવતા વર્ગોમાં શિક્ષણકાર્ય શરૂ થયું હતું.
છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ અને નેટ ની તકલીફો ને લઇ શિક્ષણકાર્યથી વંચિત રહેતા હતા વર્ગો શરૂ થતા ફિઝિકલ રીતે શિક્ષણ કાર્ય શરૂ થયુ હોય ૧૧ મહિના પછી પોતાના સહપાઠીઓ સાથે ઉત્સાહ જોવા મળ્યા હતા.