દાહોદ: ઝાલોદ બાયપાસ પર બુધવારની સવારે દારૂ ભરેલી કાર અને ઉભેલી પિક અપ વચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી કાર સળગી જતા, તેમાં સવાર બે જેટલા ઈસમો ભડથું થઇ જતા મોતને ભેટ્યા હતા. તેમાના એક મૃતક મહેશના પરિવારજનોએ મહેશને પોલીસે ગોળી મારી કાર સળગાવી દીધી હોવાના આક્ષેપ સાથે ગુરુવારે હોબાળો મચાવ્યો હતો.
પોલીસે કાર સળગ્યા બાદ મોબાઈલ દ્વારા તપાસ કરતા એક વ્યક્તિની ઓળખ ૩૨ વર્ષીય મહેશ કાનજી સંગાડા, (રહે. ગોવાળી તા. મેઘનગર જી. ઝાબુઆ, મધ્ય પ્રદેશ) તરીકે ની થઈ હતી. જે પંદર દિવસ પહેલા છૂટક મજૂરીકામ અર્થે સુરત ગયો હતો.
પોલીસ દ્વારા આ ઘટના અંગેની જાણ કરતા જ પરિવારજનો ઝાલોદ ખાતે દોડી આવ્યા હતા અને લાશ જોતા જ પરિવારજનોએ મહેશને ગોળી મારી હોવાનો આક્ષેપ કર્યો હતો. લાશ સ્વીકારવાની સાથે લાશનું પી. એમ કરાવવા માટે ઇનકાર કરી દીધો હતો.
જેને લઇને પોલીસ તથા પરિવારજનો વચ્ચે ચકમક પણ ઝરી હતી. તેમજ અન્ય એક ઈસમ શ્યામ કિશનભાઇ રહે. કામરેજ સુરતની થતાં પોલિસે મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.