ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમના બે અનુભવી ખેલાડીઓએ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ રોહિત શર્માએ 7 મે (બુધવાર) ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ત્યારબાદ 12 મે (સોમવાર) ના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત ભારતીય ટીમને આ પ્રવાસમાં ચોથા નંબરે કોહલી જેવા અનુભવી બેટ્સમેનની ખોટ પણ અનુભવાશે.
શું રોહિતના ટેસ્ટમાંથી નિવૃત્તિનું કારણ આ હતું?
રોહિત શર્મા અને વિરાટ કોહલીના નિવૃત્તિ સાથે જોડાયેલી એક મોટી વાત પ્રકાશમાં આવી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રોહિત શર્માની પસંદગી અંગે મૂંઝવણમાં હતા, જેના કારણે આ દિગ્ગજ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. રિપોર્ટ અનુસાર, પસંદગીકારોએ રોહિત શર્માને કહ્યું હતું કે તે ટેસ્ટ શ્રેણીમાં ફક્ત થોડી જ મેચ રમી શકશે અને ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.
સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા દબાણમાં હતો કારણ કે પસંદગીકારોને તેના સ્થાન વિશે ખાતરી નહોતી. પસંદગીકારોએ રોહિતને કહ્યું કે તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફક્ત બે ટેસ્ટ રમશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિરાટ કોહલીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે મનાવવાની જવાબદારી એક ભૂતપૂર્વ ક્રિકેટરને સોંપી છે. જોકે, સૂત્રએ દાવો કર્યો છે કે BCCI એ આવું કોઈ પગલું ભર્યું નથી અને વિરાટ કોહલીનો અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય તેનો પોતાનો નિર્ણય હતો.
વિરાટની નિવૃત્તિનું શું કારણ?
સૂત્રએ કહ્યું, વિરાટ કોહલીના કિસ્સામાં તે તેનો પોતાનો નિર્ણય હતો. અમે કોઈ ભૂતપૂર્વ ક્રિકેટરને વિરાટને પોતાનો નિર્ણય બદલવા માટે મનાવવા કહ્યું નથી. વિરાટ કોહલી અને રોહિત શર્માનો ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી પણ ચાલુ રહેશે. બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, ભલે બંનેએ ટી20 અને ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હોય, તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટનો ભાગ છે, તેમને ગ્રેડ A+ ની બધી સુવિધાઓ મળશે.