કાળાં માથાંનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવાની ડંફાસો મારે છે, પણ યુરોપના દેશોમાં વીજળી ગુલ થયાના ૨૪ કલાક પછી પણ તેનું કારણ શોધી શકતો નથી. વીજળીના આધારે અત્યારે જીવનની તમામ ગતિવિધિઓ ચાલે છે. વીજળી ગુલ થાય ત્યારે લાઇટ, પંખા, એસી, ટી.વી., ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે ઘરેલું ઉપકરણો બંધ થઈ જાય છે. લાઇટ જાય ત્યારે ટ્રેનો બંધ થઈ જાય છે અને રસ્તા પર ટ્રાફિક સિગ્નલો બંધ થઈ જતાં ટ્રાફિક ખોરવાઈ જાય છે. લાઈટ જાય ત્યારે પેટ્રોલ પંપ પર ઇંધણ આપતાં મશીનો ખોરવાઈ જાય છે, કારણ કે તેઓ વીજળી પર ચાલતાં હોય છે. લાઈટ જાય ત્યારે ફ્લાઇટો પણ બંધ થઈ જાય છે, કારણ કે તેના સંચાલન માટે વીજળીની જરૂર પડે છે. બહુમાળી મકાનોમાં રહેતાં લોકો લિફ્ટ બંધ થઈ જવાને કારણે અવરજવર કરી શકતાં નથી. હોસ્પિટલોની અને કોલેજોની કાર્યવાહી પણ ખોરવાઈ જાય છે. લાઈટ જાય ત્યારે મોબાઈલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંધ થઈ જાય છે. ઈન્ટરનેટ ઉપર તો જાણે આપણી જિંદગી ચાલે છે. મોબાઇલ અને સોશ્યલ મિડિયા કામ કરતાં બંધ થઈ જાય છે. બેન્કિંગ સેવાઓ ખોરવાઈ જાય છે. એટીએમ બંધ થઈ જાય છે.
બેન્કમાં આપણા લાખો રૂપિયા પડ્યા હોય તો પણ આપણે એક રૂપિયો કાઢી શકતાં નથી. જેમને કેશલેસ રહેવાની અને ઓનલાઈન પેમેન્ટ કરવાની આદત પડી હોય છે તેઓ ઇન્ટરનેટ બંધ થતાં પાંગળાં બની જાય છે. જેમને વર્ક ફ્રોમ હોમ કરવાની આદત પડી ગઈ છે તેઓ ઇન્ટરનેટ વગર કોઈ કામ કરી શકતાં નથી. લાઇટ ગુલ થાય ત્યારે રોકેટ યુગમાં પથ્થર યુગનો અનુભવ થાય છે. લાઇટ જવાનાં અનેક કારણો હોઈ શકે છે. મોટો ધરતીકંપ આવે, પૂર આવે કે સુનામી આવે ત્યારે લાઇટ જાય તે સમજી શકાય તેવું છે. યુરોપના જે દેશોમાં લાઈટ ગઈ ત્યાં આવી કોઈ કુદરતી આફત આવી નથી. સાયબર હુમલાને કારણે પણ લાઈટ જઈ શકે છે. પોર્ટુગીઝ સરકારે સાયબર હુમલાની શક્યતાને નકારી કાઢી છે. સ્પેનિશ સરકારનું કહેવું છે કે તેઓ આ પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાઈટના જવા પાછળ યુરોપના વિકસિત દેશોની સરકારો હજુ અંધારામાં છે. વિચાર કરો કે ભારત, ચીન કે અમેરિકા જેવા દેશોમાં લાઇટ જાય તો પ્રજાની હાલત કેવી થઈ શકે છે?
આ અંધકારે માત્ર રોજિંદા જીવનને જ અસર કરી નહીં, પરંતુ ઘણી મહત્ત્વપૂર્ણ સેવાઓ અને સંસ્થાઓને પણ ઠપ કરી દીધી હતી. ચાલતી મેટ્રોથી લઈને ચાલતી લિફ્ટ સુધી, બધું જ ઠપ થઈ ગયું. આખો દેશ પ્રકાશમાંથી અચાનક અંધકારમાં ડૂબી ગયો. આ કોઈ સામાન્ય વાત નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ખરેખર ભૂલ છે કે કોઈનું કાવતરું છે. જો કોઈ આતંકવાદીઓ કાવતરું કરીને વીજળી ગુલ કરી નાખે તો કેટલું મોટું નુકસાન કરી શકે છે. યુરોપના અધિકારીઓ કહે છે કે આ બ્લેકઆઉટ પાછળનાં કારણોની તપાસ ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના યુરોપિયન પાવર ગ્રીડમાં અસંતુલનને કારણે બની હતી. આતંકવાદીઓ સાયબર હુમલો કરીને પણ કોઈ દેશના અર્થતંત્રને ખોરવી શકે છે. જો કે, સાયબર હુમલાની શક્યતા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી નથી. આપણી સરકાર એક બાજુ તમામ આર્થિક વહેવારો કેશલેસ કરવાની વાતો કરી રહી છે. જમીનના દસ્તાવેજોથી માંડીને શેર સર્ટિફિકેટો પણ ડિજિટલ રૂપમાં રાખવાની ફરજ પાડવામાં આવી રહી છે. સરકાર ટૂંક સમયમાં ડિજિટલ કરન્સી લાવી રહી છે. ત્યાર પછી પેપર કરન્સી પર પ્રતિબંધ લાવવામાં આવશે. આવી પરિસ્થિતિમાં જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો બેન્કમાં પડેલા આપણા કરોડો રૂપિયા નકામા થઈ જાય તેવો ડર રહે છે. ઊર્જા નેટવર્કની ખામીઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સ્પેનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યકરો કહે છે કે તેમણે ભૂગર્ભ ટ્રેનો અને મેટ્રોમાં ફસાયેલાં લગભગ ૩૫,૦૦૦ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યાં છે. ઘણાં લોકોએ ટ્રેન, સ્ટેશનો અને એરપોર્ટ પર રાત વિતાવી હતી. બ્લેકઆઉટ દરમિયાન શેરીઓ અને બજારો ખાલી રહ્યાં. પોર્ટુગલમાં પણ આવી જ પરિસ્થિતિ હતી. મોબાઈલ ફોન બંધ થવાને કારણે બેટરીથી ચાલતા રેડિયોની માંગ વધી ગઈ છે. મોટી સંખ્યામાં લોકો બેકઅપ જનરેટર ખરીદતાં જોવા મળ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણાં લોકોએ ખાવાપીવાનો સ્ટોક કરી લીધો હતો. વીજળીના અભાવે બેંકિંગ પ્રવૃત્તિઓ પર પણ ખરાબ અસર પડી હતી. ઘણા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા, હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. બ્લેકઆઉટની તબીબી ક્ષેત્ર પર પણ ગંભીર અસર પડી છે.
પોર્ટુગલની હોસ્પિટલોએ બધી સર્જરીઓ રદ કરી દીધી છે અને ફક્ત તે જ સર્જરીઓ કરી રહી છે જે પહેલાંથી ચાલી રહી હતી. હોસ્પિટલોમાં જનરેટરનો ઉપયોગ થઈ રહ્યો છે, જે ચારથી છ કલાક કામ કરવા સક્ષમ છે. શસ્ત્રક્રિયાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને અન્ય તમામ પ્રક્રિયાઓ મુલતવી રાખવામાં આવી છે. પોર્ટુગલની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ઇમર્જન્સીઝએ પણ કટોકટી યોજનાઓના ભાગ રૂપે જનરેટર દ્વારા તેના ટેલિફોન અને કમ્પ્યુટર સિસ્ટમ્સ ચલાવવાનું શરૂ કર્યું છે. એરપોર્ટ પર આવશ્યક કામગીરી ચાલુ રાખવા માટે જનરેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વીજળી વેરણ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
આ બ્લેકઆઉટને કારણે ઇબેરિયન દ્વીપકલ્પના લોકોના રોજિંદા જીવન પર ભારે અસર પડી હતી. મેડ્રિડમાં ટ્રાફિક લાઇટ કામ કરતી બંધ થઈ ગઈ, જેના કારણે મોટા પાયે ટ્રાફિક જામ થયો હતો. જાહેર પરિવહન અંધાધૂંધીમાં ફસાઈ ગયું, મેટ્રો સેવાઓ બંધ થઈ ગઈ અને લોકોને ટનલ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં. લિસ્બન અને પોર્ટોમાં સબ વે બંધ હતા અને ટ્રેનો દોડી રહી ન હતી. લિસ્બનમાં કાર્ડ પેમેન્ટ નિષ્ફળ ગયા હતા, જેના કારણે લોકો પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કેશ મશીનો પર લાંબી કતારો લાગી હતી. મેડ્રિડ ઓપનમાં અરન્ટક્સા સાંચેઝ સ્ટેડિયમમાં વીજળી ગુલ થઈ જતાં રમત સ્થગિત કરવામાં આવી હતી. બંને દેશોમાં હોસ્પિટલો, કોર્ટ અને કટોકટી સેવાઓને બેકઅપ જનરેટર પર સ્વિચ કરવી પડી હતી. કેટલાક મોબાઇલ નેટવર્ક નિષ્ફળ ગયા, જેના કારણે લોકો માટે કોલ કરવાનું અશક્ય બન્યું હતું.
લોકો જનરેટર ખરીદવા માટે હાર્ડવેર સ્ટોર્સ પર પણ દોડી ગયાં હતાં. બાર્સેલોના નજીકના ટેરાસા શહેરની દુકાનોમાં માંગ વધુ હોવાથી જનરેટર ખતમ થઈ ગયાં હતાં. અધિકારીઓએ લોકોને ધીરજ રાખવા અને કટોકટીની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. રસપ્રદ વાત એ છે કે પોર્ટુગલની રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક કંપની REN એ સૂચવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં અલારિક માઉન્ટેન પર લાગેલી આગના કારણે એક મોટી હાઇ-વોલ્ટેજ પાવર લાઇનને નુકસાન થયું હતું તે પણ આ અંધાધૂંધી પાછળનું કારણ હોઈ શકે છે. પોર્ટુગીઝ વિતરક E-Redes એ ઉમેર્યું હતું કે બ્લેકઆઉટ યુરોપિયન વીજળી પ્રણાલીમાં સમસ્યાને કારણે થયું હતું, જેના કારણે તેમને નેટવર્કને સ્થિર કરવા માટે ચોક્કસ વિસ્તારોમાં વીજળી કાપવાની ફરજ પડી હતી.
આ વાત પરથી ખ્યાલ આવે છે કે કેટલાક વિસ્તારોમાં તો જાણી જોઈને વીજળી કાપવામાં આવી હતી. આજના કાળમાં વીજળી, હવા અને પાણી કરતાં પણ વધુ જીવનાવશ્યક ચીજ બની ગઈ છે. જો કોઈ માણસને હવા અને પાણી આપવાનું બંધ કરી દેવામાં આવે તો તે કેટલા કલાક જીવી શકે? તેવી રીતે આજનો માનવી વીજળી વગર જીવી શકતો નથી. આ સંયોગોમાં વીજળી વિતરણ કરતી કંપની જાણી જોઈને વીજળી પુરવઠો બંધ કરે તો તેને સજા કરવી જોઈએ. જો કંપનીની બેદરકારીના કારણે વીજળી ગુલ થઈ ગઈ હોય તો પણ તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.
વીજળીની શોધ થઈ તે પછી આપણે જીવનની તમામ આવશ્યક ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ વીજળી આધારિત કરી દીધી તે આપણી મોટી ભૂલ છે. વીજળી આપણી સ્વતંત્રતા ઝૂંટવી લે છે અને આપણને વીજળીનું વિતરણ કરતી કંપનીઓના ગુલામ બનાવે છે તે વાત યુરોપના નાનકડા અનુભવે સમજાઈ ગઈ છે. જાણકારો કહે છે કે આ તો ટ્રેઇલર છે. એશિયા, યુરોપ અને અમેરિકાના દેશોમાં આના કરતાં પણ વધુ મોટા પાયે વીજળી જઈ શકે છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા આપણાં ઘરમાં ફાનસ અને લાકડાંના ચૂલા ઉપરાંત પાણીનું ટાંકું પણ કરાવી રાખવું પડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.