Vadodara

વડોદરા કોંગ્રેસમાં આંતરિક ખટપટ બહાર આવી, અમી રાવત અને ઋત્વિજ જોશીના વિરોધી કાર્યક્રમો ચર્ચામાં

ભૂખી કાંસ મુદ્દે વિરોધમાં અમી રાવત એકલા પડ્યા, જ્યારે શહેરી ધારણા કાર્યક્રમમાંથી તેમની ગેરહાજરી ઉકાળાનું કારણ બની

વડોદરા શહેર કોંગ્રેસમાં આંતરિક ખટપટ ફરી એક વખત ખુલ્લી પડી છે. ભૂખી કાંસ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં વિરોધ નોંધાવાનો નિર્ણય લીધો હતો. આજે ભૂખી કાંસના વિરોધ કાર્યક્રમમાં અમી રાવતે ભાગ લીધો હતો, પણ તેમના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અન્ય કોર્પોરેટરોની ગેરહાજરી ચમકતી રહી. જેને લઈ અનેક અટકળો ઊભી થઈ છે. બીજી તરફ, આજના જ દિવસે શહેર કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ ચાર્જશીટના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણા યોજવામાં આવ્યા હતા. આ ધારણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા, પરંતુ પક્ષના મહત્વના ચહેરા તરીકે ઓળખાતા અમી રાવત અહીં ગેરહાજર રહ્યા.

પક્ષની અંદરથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સૂચિત કાર્યક્રમ હોવા છતાં અમી રાવતની ગેરહાજરી પાર્ટી માટે અનિચ્છનીય બની છે. વધુમાં, તેમણે પોતાનો અલગ કાર્યક્રમ રાખતાં ચર્ચાઓને વધુ તીવ્રતા આપી છે. ગુજરાતમાં રાહુલ ગાંધી કોંગ્રેસમાં નવા ઉર્જાનો સંચાર કરવા પ્રયત્નશીલ છે ત્યારે શહેર સ્તરે આ પ્રકારના સંકેતો પાર્ટીના સંઘર્ષને વધુ ઉકેરતા જોવા મળે છે. આમ, પાર્ટી બેનર હેઠળ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આ વિરોધાભાસ ગુજરાત કોંગ્રેસ માટે સંકેતરૂપ છે કે સ્થાનિક સ્તરે એકતા સુનિશ્ચિત કરવી હવે જરૂરી બની ગઈ છે.

Most Popular

To Top