13 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી
પાલિકાની જાણ બહાર આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે થયું તેનું રહસ્ય અકબંધ

તાજેતરમાં પ્રખ્યાત કોમેડિયન સમય રૈનાના જુના શોના વિવાદિત ક્લિપ્સ વાયરલ થયા હતા. એક જાણીતા યુટ્યુબરના વિવાદાસ્પદ નિવેદન બાદ આ ક્લિપ્સ સામે આવતા, રૈનાના અગાઉના શોમાં આપવામાં આવેલી કેટલીક અશોભનીય ટિપ્પણીઓ ફરી ચર્ચામાં આવી હતી. સમાજના વિવિધ વર્ગોમાં આ મુદ્દે નારાજગી વ્યક્ત થઈ હતી, જેના પગલે ગુજરાતના અનેક શહેરોમાં તેના શો રદ્દ કરવામાં આવ્યા હતા.
વડોદરાના પંડિત દિનદયાલ નગરગૃહ ખાતે 18 ફેબ્રુઆરીએ સમય રૈનાનો શો યોજાવાનો હતો. ‘બુક માય શો’ એપ્લિકેશન પર ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું હતું. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં ખુલ્યું કે પાલિકા દ્વારા આ કાર્યક્રમ માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી, જે બાદ શો રદ્દ કરવામાં આવ્યો હતો.
મામલાની ગંભીરતા જોતા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટુરિઝમ વિભાગે 13 ફેબ્રુઆરીએ ‘બુક માય શો’ સહિત અન્ય સંબંધિત એપ્લિકેશનને નોટિસ ફટકારી હતી. નોટિસમાં શો માટે બુકિંગ કરાવનારની સંપૂર્ણ વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, નોટિસ જારી થયા બાદ પણ બુક માય શો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી.
શો રદ્દ થયા બાદ ટિકિટ ખરીદનારાઓને રિફંડ મળ્યું કે કેમ તે અંગે હજુ પણ અસસ્પષ્ટતા છે. વધુમાં, પાલિકાની જાણ બહાર આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે થયું તે અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ મામલાના તમામ પાસાઓની તપાસ ચાલુ છે અને આગામી સમયમાં આ મામલે વધુ કાર્યવાહી થવાની શક્યતા છે. સમગ્ર વિવાદને ધ્યાનમાં રાખીને, હવે સવાલ એ ઉઠે છે કે બુક માય શો નોટિસનો જવાબ ક્યારે આપશે અને પાલિકા આ મુદ્દે શું પગલાં લેશે તે જોવું રહ્યું.