Sports

Champions Trophy 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું ઉપ-કેપ્ટન

ચેમ્પિયન્સ ટ્રોફી માટે અને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શુભમન ગિલ ઉપ-કેપ્ટન રહેશે. ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા મહિને એટલે કે 19 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન હાઇબ્રિડ મોડેલ પર રમાશે જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો દુબઈમાં બાંગ્લાદેશ સામે થશે. આ પછી ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનનો સામનો કરશે. આ શાનદાર મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાની ત્રીજી અને છેલ્લી મેચ 2 માર્ચે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે રમશે.

ટીમની કમાન રોહિતના હાથમાં
રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતની 15 સભ્યોની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયો હતો અને છેલ્લી ટેસ્ટની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો, ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે, પરંતુ હવે ટીમની જાહેરાત પછી તે સ્પષ્ટ થઈ ગયું છે. શમી 14 મહિના પછી ભારતીય વનડે ટીમમાં પાછો ફર્યો છે. શમીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપમાં રમી હતી. શમીની જેમ બુમરાહ પણ 14 મહિના પછી વનડે ટીમમાં પાછો ફર્યો છે.

8 માંથી 7 ટીમોની જાહેરાત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત પહેલા 6 દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી છે અને હવે ટીમ ઈન્ડિયા પોતાની ટીમની જાહેરાત કરનાર 7મી ટીમ બની ગઈ છે. હવે ટુર્નામેન્ટ માટે એકમાત્ર ટીમ યજમાન પાકિસ્તાન બાકી છે, જેણે હજુ સુધી તેના 15 ખેલાડીઓની જાહેરાત કરી નથી. પાકિસ્તાન ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ આ મુજબ છે: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.

Most Popular

To Top