ક્રિતી સેનોન પોતાનાંથી નારાજ હશે અને ન હોય તો આપણે અફસોસ કરવો જોઇએ, કે કેમ નથી? તેની પાસે અત્યારે એક જ ફિલ્મ છે. ભેડીયા-2. 2024ના વર્ષમાં તેની ત્રણ ફિલ્મો આવી છતાં તેની આ દશા છે. કારણ કે તે તેની પાસે અપેક્ષાયેલી સફળતા આપી શકતી નથી. 2024ની ત્રણ ફિલ્મમાં દો પત્તી છે જેની નિર્માત્રી તે સ્વયં હતી અને તે તેણે પોતાની કારકિર્દી આગળ ધપે એ માટે બનાવેલી પણ તે ફિલ્મ થિયેટરમાં રજૂ ન થઇ અને નેટફ્લિક્સ પર આવી. જે ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રજૂ થાય તેના વિશે લોકો તરત જ ઇમેજ બાંધી લે છે કે તે નિષ્ફળ છે. થિયેટર માટે યોગ્ય નહોતી એટલે OTT પ્લેટફોર્મ શોધવું પડ્યું છે. ક્રિતિ માટે પ્રથમ નિર્માણ જ આ તો મોઢામાં માખી આવી ગઇ કહેવાય. ક્રિતીની કારકિર્દી માત્ર 10 વર્ષની છે અને હીરોપંતીથી શરૂઆત કર્યા પછી દિલવાલે મળેલી ત્યારે બધાને હતું કે તે શાહરૂખની હીરોઇન હશે પણ કાજોલ હોય તો એ ચાન્સ ક્રિતીને ન મળે. બાકી એ ફિલ્મ રોહિત શેટ્ટીની હતી. ક્રિતી સારી એકટ્રેસ છે ને ગ્લેમરસ લુક પણ ધરાવે છે. તે ઉંચાઇ ધરાવે છે તો પણ તેની ઉંચાઇએ પહોંચી નથી. રાબતા વખતે તે ચર્ચામાં આવેલી પણ સુશાંત સીંઘ સાથેની નિડરતાને કારણે. સ્ત્રી એક સફળ ફિલ્મ હતી પણ તેમાં તો તેણે આઇટમ સોંગ પર ડાનસ કરેલો. જે પોતાનો જ ગ્રેડ અને ગ્રેસ ન જાળવે તેને બીજા કઇ રીતે સાચવે. તે નીચે જવા માંડી અને પાનીપતમાં પાણી બતાવવાની આશા હતી પણ પાનીપત સ્વયં પાણીમાં ડૂબી ગઇ. પોતાની કારકિર્દી જે યોગ્ય રીતે મેનેજ નથી કરી શકતા તે પાછળ પડતા જાય છે. નસીબ કા ચક્કર ભી બડા હૈ. મીમી તેની સારી ફિલ્મ હતી પણ લોકપ્રિય બને તેવી ન હતી અને આદિપુરુષમાં સીતા બની તો તેને વિવાદ નડી ગયા. ક્રિતી અત્યારે હાંફી ગઇ છે. જોકે અત્યારે તેની સાથેની કોઇ અભિનેત્રી ટોપ પર નથી એટલે તે આશ્વાસન મેળવી શકે કે હું સફળ નથી તો ય નિષ્ફળ તો નથી. ખિસીયાની બિલ્લી ખંભા નોંચે તેવા આ હાલ કહેવાય. તકલીફ એવી ય થઇ છે કે શરૂઆત તેણે તેલુગુ ફિલ્મથી કરેલી અને તેલુગુમાં તેની પાસે કોઇ ફિલ્મ નથી. તો શું હવે તે પરણી જશે? તે સાવ એવું કરે એવી નથી તેથી ફરી ફિલ્મો સાથે પંજા લડાવશે. તેને જરૂર છે કે કોઇ એવા નિર્માતા-દિગ્દર્શકની કે જે તેને પર્ફેક્ટ ફિલ્મ અને પાત્ર આપે. કોઇ તારણહાર વિના અત્યારે રસ્તો મુશ્કેલ છે. બલ્કી કબીર દહીયા નામના બિઝનેસમેન સાથે ડેટિંગ કરતી હોવાનું લોકો કહે છે. કબીર યુકેમાં રહે છે. •
‘ક્રિતી’ની કિર્તી પર બ્રેક લાગી
By
Posted on