ભારતનાં રાજકારણમાં એક સમયે કોંગ્રેસ સામે અન્યો હતાં. હાલ ભાજપ અને અન્યો છે. કોંગ્રેસની એકહથ્થુ હાક વાગતી હતી ત્યારે બીજા પક્ષોમાં હતાશા ફેલાતી, તેમાંના ઘણા પક્ષોનાં સ્થાપક અને આગેવાનો સમય જતાં કોંગ્રેસમાં દાખલ થયા હતા. સ્વતંત્ર પક્ષનાં એન.જી.રંગા, સમાજવાદી નેતા અશોક મહેતા, સામ્યવાદી એચ.એલ.બહુગુણા… તે સિવાયનાં પણ અનેક આગેવાનો કોંગ્રેસમાં દાખલ થયા. પણ જનસંઘ અને તેનો નવો અવતાર ભાજપ પ્રમાણમાં આ રીતનાં પક્ષ ત્યાગનો શિકાર ઓછા બન્યા છે. ભાજપ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફક્ત બે બેઠક મેળવે અને તેનાં બાજપેઇજી જેવા કે અડવાણી જેવા નેતા પણ બેઠકો ગુમાવે, તેમને ફરી બેઠા થવા માટે કે જીત પછી ભવિષ્યની ચૂંટણીઓ માટે વધુ મજબૂત થવા માટે નીચલી કક્ષાથી તરત જ મંડી પડવા માટે કોઈ પરિસ્થિતી રોકી શકી નથી.
જ્યારે વિપક્ષી ગઠબંધન થોડી બેઠક અગાઉ કરતાં વધુ મેળવીને મિથ્યા આત્મવિશ્વાસમાં રાચતો થઈ ગયો હતો. હરિયાણા, મહારાષ્ટ્રની સામાન્ય અને પેટા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરતા જ જાણે વિઘટનની શરુઆત થઈ હોય તેમ અંદર અંદર લડવા લાગ્યો. આ પત્ર લેખકનું માનવું છે, કે જ્યાં સુધી કોંગ્રેસ, ગાંધી અને વાડ્રા કુટુંબથી મુક્ત નહીં થાય અને અન્ય આગેવાનને નેતા તરીકે સ્થાપિત નહીં કરે ત્યાં સુધી તેનાં સારા દિવસો આવવા અશક્ય છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષની જરૂર ચોક્કસ છે પણ ભાંગફોડિયા નહીં.
સુરત – પિયુષ મહેતા
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.