ગાંધીનગર: કચ્છ ગાંધીધામ સામખ્યાળી હાઇવે પર મઢી ત્રણ રસ્તા પાસેથી એક હરિયાણા પાસિંગની કારમાંથી કચ્છ એસોજીએ 1.47 કરોડના કોકેઈનના જથ્થા સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છ સરહદેથી સામાન્ય રીતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોય છે, વારંવાર જુદી જુદી એજન્સીઓ દ્વારા ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં આવતો હોય છે. ગઈકાલે કચ્છ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સીધી સૂચનાથી કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શનમાં એસઓજી ટીમે સામખીયારી હાઇવે પર લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઢી ત્રણ રસ્તા પાસે એક કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકીને તપાસ કરી હતી. કારમાં ચાર શખ્સો બેઠેલા હતા. કારની તપાસ કરતાં બોનેટના ભાગે એરફિલ્ટર નીચેના ભાગે 147.67 ગ્રામ અંદાજે કિંમત રૂપિયા 1.47 કરોડના કોકેઈનનો સંતાડેલો જથ્થો મળી આવ્યો હતો.
આ સાથે કારમાં બેઠેલા હનીસિંગ બિન્દરસિંગ શીખ (ઉં.વ. 27 રહે., લહેરાદુર કોટ, ભટિંડા પંજાબ), સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉં.વ.25 રહે., રામપુરા, ભટિંડા પંજાબ), જસપાલકૌર ઉર્ફે સુમન ગુલવંતસિંગ ઉર્ફે સનીભાઈ શીખ (ઉં.વ.29 રહે., પટીકાલા, ભટિંડા, પંજાબ) અને અર્શદીપકૌર સંદીપસિંગ શીખ (ઉં.વ. 21 રહે., રામપુરા, ભટિંડા, પંજાબ)ની ધરપકડ કરી હતી. જ્યારે વોન્ટેડ આરોપી ગુલવંતસિંગ ઉર્ફે સન્નીસિંગ હજુરાસિંગ શીખ શોધખોળ શરૂ કરી છે. કચ્છ એસઓજી ટીમ દ્વારા 147.67 કિલોગ્રામ, કિંમત રૂપિયા 1,47,67000ના કોકેઈન, છ મોબાઈલ ફોન, એક આધારકાર્ડ, એક પાનકાર્ડ અને એક કાર મળી 1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.