સુરતઃ સુરત મહાનગર પાલિકાનું તંત્ર શ્વાન પર કાબુ મેળવવા માટે પગલાં લેવાયા હોવાના આંકડાઓ રજૂ કરી મોટા મોટા દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હજુ પણ શહેરમાં રખડું શ્વાનનો આતંક ઓછો થયો નથી. આજે શહેરમાં એક માસૂમ 2 વર્ષીય બાળકીને રખડતાં શ્વાને ચૂંથી નાંખી છે. બાળકીના ચહેરાં પર બાચકાં ભર્યા છે.
શહેરમાં શ્વાનનો ફરી આતંક જોવા મળ્યો છે. ઘર આંગણે રમતી બે વર્ષની બાળકીને શ્વાને શિકાર બનાવી છે. બાળકીના કપાળના ભાગે શ્વાને બચકું ભરી લીધું છે. બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. બાળકીને 3 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શ્વાનના હુમલાના પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુમાં મળતી માહિતી અનુસાર પાંડેસરામાં આવેલી કૈલાશ ચોકડી ખાતે આવેલી શાંતિનિતેચન નગરમાં રહેતા રાહુલ મોર્યાની બે વર્ષી દીકરી પર રખડું શ્વાને હુમલો કર્યો છે. બાળકી હાથમાં બિસ્કિટ લઈ ઘર બહાર દાદર પરથી નીચે જ ઉતરી રહી હતી. તે દરમિયાન જ શ્વાને હુમલો કર્યો હતો. મોઢા પર આંખની પાપણની ઉપર કપાળ પર બચકાં ભર્યા હતાં. જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
બાળકીના પિતા રાહુલ મોર્યાએ કહ્યું કે, મારી દીકરી ઘર આંગણે રમતી હતી ત્યારે રખડતાં શ્વાને તેની પર હુમલો કર્યો છે. બાળકીને કપાળ પર ઈજા થઈ છે. તેને ત્રણ ટાંકા આવ્યા છે. અમારા વિસ્તારમાં લાંબા સમયથી રખડતાં શ્વાનોનો ત્રાસ છે. ફરિયાદો કરવા છતાં પાલિકામાંથી કોઈ આવતું નથી.
જો શ્વાન પકડ્યા હોય તો પણ તેને પાછા આસપાસના વિસ્તારમાં છોડી દેવામાં આવે છે. પાછલા થોડા દિવસમાં અમારા વિસ્તારમાં ત્રણેક લોકો પર શ્વાને હુમલો કર્યો છે. શ્વાનનું રસીકરણ પણ કરાતું નથી. જો તંત્ર દ્વારા શ્વાનને અંકુશમાં લેવા કોઈ કાર્યવાહી નહીં કરશે તો ડર છે કે આવા હુમલાના બનાવ વધશે.