વડોદરા: વડોદરા-વાઘોડિયા રોડ પર ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો બુક કરાવનાર 22 લોકો પાસેથી 1.54 કરોડ ખંખેર્યા બાદ છેતરપિંડી કરાઇ હોવાના આરોપ સાથે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નિવૃત્ત સરકારી કર્મચારી પ્રબોધચન્દ્ર માણેકલાલ દવેએ વાઘોડિયા પોલીસમાં બિલ્ડર સંજય રમેશચન્દ્ર શાહ (સુર બંગ્લોઝ, નડિયાદ), રાગેશ દ્વારકાદાસ શાહ (કમલાપુરા, વાઘોડિયા) અને અજય જશવંતલાલ શાહ (અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં પાંચ વર્ષ પહેલાં કમલાપુરા પાસે સંસ્કાર નગર રહેણાક મકાનની સ્કીમ જોઇ તે ત્યાં ગયા હતા, જ્યાં ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મકાન બુક કરાવાતાં હતાં.
તેમને સંજય રમેશચન્દ્ર શાહ, રાગેશ શાહ અને અજય શાહ સહિતના લોકો મળ્યા હતા. તેમણે 4 મકાન બુક કરાવી તબક્કાવાર રૂા. 12.34 લાખ આપ્યા હતા. તેમણે જે મકાન બુક કરાવ્યાં હતાં તેમાં 1 માળ સુધીનું કામ થયા બાદ આગળ કામ થતું ન હતું.ત્યારબાદ સાઇટ પર માણસો આવવાનું પણ બંધ થઇ ગયું હતું.
સંજય શાહનો ફોન પણ બંધ આવતો હતો. ત્યારબાદ તેમને જાણ થઇ હતી કે, બિલ્ડરે તેમના જેવા ઘણા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે. મકાન બુક કરાવનારા 50 જેટલા ગ્રાહકો એકત્ર થયા હતા અને તે પૈકી 22 લોકો સાથે બિલ્ડરે રૂા. 1.54 કરોડની છેતરપિંડી કરાઇ હોવાનું જણાતાં તમામે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સંસ્કાર નગર સ્કીમ મૂકીને રૂા. 1.54 કરોડની છેતરપિંડી કરનારા બિલ્ડરો સામે ગુનો નોંધાયા બાદ કેસની તપાસ એલસીબી પીઆઇ ડી.બી.વાળાને સોંપાઇ છે. એલસીબીએ બિલ્ડર સંજય શાહને ઝડપી પાડ્યો હતો.
અત્યાર સુધી 122 લોકો ઠગાયા છે, જેથી પોલીસે મકાનો બુક કરાવનારાના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જ્યારે ફરાર બિલ્ડરોને શોધખોળ પણ શરૂ કરાઇ છે. 50થી વધુ લોકો અત્યાર સુધી પોલીસ સમક્ષ આવ્યા છે, આ ફરિયાદ નોંધાયા બાદ હજુ ઘણા લોકો નિવેદન નોંધાવશે.