SURAT

જીયાવ બુડિયા ચોકડીના ટ્રાફિકથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, ઉકેલ માટે કરાઈ રજૂઆત

સુરતઃ ઔદ્યોગિક શહેર સુરતના છેડે આવેલા સચીન વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં રોજ લાખોની સંખ્યામાં ઉદ્યોગકારો અને કારીગરોની અવરજવર રહેતી હોય છે. સચીન મગદલ્લાનો આ માર્ગ વાયા પલસાણા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને જોડે છે, તેથી પણ આ રોડ પર દિવસભર ભારે ટ્રાફિક રહેતો હોય છે. આ ટ્રાફિક રાત્રે કારખાના છૂટવાના સમયે પીક અવર્સમાં વધી જતો હોય છે, તેના લીધે સચીન મગદલ્લા રોડ પર આવેલી જીયાવ બુડિયા ચોકડી પર લાંબો જામ સર્જાય છે અને માનવકલાકોનો બગાડ થાય છે.

હજીરા મગદલ્લા નેશનલ હાઈવે નં. 53 પર સચીન જીઆઈડીસીથી આગળ જતા જીયાવ બુડિયા ચોકડી આવેલી અહીં છે. અહીં પેટ્રોલ પમ્પ નજીક પીકઅવર્સ દરમિયાન ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે, તેના નિરાકરણ માટે સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર અને સુરત શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

સોસાયટીના સેક્રેટરી મયૂર ગોળવાલાએ પોતાની રજૂઆતમાં ટ્રાફિકના કારણો અને તેના ઉકેલ તરફ પણ નિર્દેશ કર્યો છે. ગોળવાલાએ કહ્યું કે, પેટ્રોલ પમ્પ સામે હાઈવે ઉપર ડિવાઈડરમાં મોટો કટ આપ્યો હોવાના લીધે તે કટમાંથી ભારે વાહનો યુટર્ન મારી ઉન તરફ જતા હોય છે. અહીં 3 બમ્પર બનાવ્યા છે, તેના લીધે વાહનોની ગતિ ધીમી થાય છે. ભારે વાહનો પાછળ ફોરવ્હીલની લાંબી કતાર લાગી જાય છે, તેથી પીકઅવર્સમાં ટ્રાફિક જામ થાય છે.

આ ઉપરાંત પેટ્રોલ પમ્પની પાસે હાઈવેના સાઈડ સોલ્ડર જર્જરીત થયા છે. ત્યાં કાદવ જમા થાય છે. પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. તેના લીધે વાહનો ઝડપથી જઈ શકતા નથી. તે ઉપરાંત પેટ્રોલ પમ્પની બહાર અને તેની સામે આવેલા કોમ્પલેક્સ પાસે ટ્રક, કન્ટેનર સહિતના ભારે વાહનો પાર્ક કરાયા હોય છે, જે ટ્રાફિકને નડે છે.

આ ત્રણેય સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો જીયાવ બુડિયા ચોકડી પરનો ટ્રાફિક હળવો થઈ શકે છે. જો પીક અવર્સ દરમિયાન અહીં પોલીસ કોન્સ્ટેબલને ફરજ પર મુકવામાં આવે તો પણ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.

Most Popular

To Top