Editorial

ખૌમેનીની ઇસ્લામિક દેશોને એક થવાની અપીલની સુન્ની બહુમતી ધરાવતા દેશોને કોઇ અસર થવાની નથી

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ગયા અઠવાડિયે હિઝબુલ્લાહ સંગઠનના નેતા હસન નસરલ્લાહ ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા. અત્યાર સુધી ઈરાનના ટોચના નેતા આયાતુલ્લાહ અલી ખૌમેની જાહેરમાં જોવા મળતા નહોતા. હાલમાં જ જુમ્માની નમાઝ વખતે કરેલા સંબોધનમાં તેમણે ઇસ્લામિક દેશોને એક થવાની અપીલ કરી છે. આ અગાઉ વર્ષ ૨૦૨૦માં તેમણે જુમ્માની નમાઝ વખતે સંબોધન કર્યું હતું.

તેમણે ઈરાનના ‘દુશ્મનો’ પર ઇસ્લામિક વિશ્વમાં વિભાજનનાં બીજ રોપવાનો આરોપ લગાવીને તેની ટીકા કરી હતી. તેમણે ઇઝરાયલ પર ઈરાનના બૅલિસ્ટિક મિસાઇલ હુમલાને પણ યોગ્ય ઠેરવ્યો હતો. પોતાના સંબોધનમાં ખૌમેનીએ કહ્યું કે ઈરાનના દુશ્મનો એ છે જે પેલેસ્ટાઈન પ્રશાસન અને લેબનોન સહિત અન્ય મુસ્લિમ દેશોના પણ દુશ્મનો છે. ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ સંગઠનના નેતા હસન નસરલ્લાહને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, નસરલ્લાહ મારા ભાઈ હતા. તેમના પર મને ગર્વ હતો. તેઓ લેબનોનનો ચમકતો સિતારો હતા. ઇસ્લામિક જગતની મનપસંદ વ્યક્તિ હતા. એક ઑક્ટોબરે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. ખૌમેનીએ કહ્યું હતું કે, ઈરાની સેનાએ ઇઝરાયલ પર કરેલા હુમલા વાજબી હતા. જરૂર પડશે તો ઇઝરાયલ પર પહેલાં જેવી કાર્યવાહી કરવામાં આવશે.

આ આખા એપિસોડની શરૂઆત હમાસે કરી હતી. હમાસે ઇઝરાયેલ પર હુમલો કરીને અનેક યહુદીઓને બંધક બનાવ્યા હતાં. આ હુમલા બાદ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેત્નયાહુએ કહ્યું હતું કે, ‘અમે ગાઝાનો નકશો બદલી નાંખીશું’ તેમણે જે કહ્યું તે કરીને બતાવ્યું. ઇઝરાયેલ જ્યારે હમાસને તહસનહસ કરી રહ્યું હતું ત્યારે આ આતંકવાદી સંગઠનને યમનનું હુતી અને લેબેનોનનું હિજબુલ્લાહ ઇઝરાયેલ પર વારંવાર હુમલા કરી ચૂક્યું છે અને હવે ગાઝામાં હમાસનો મોટાભાગે સફાયો કર્યા બાદ ઇઝરાયેલે લેબેનોન ઉપર નજર દોડાવી છે. હિજબુલ્લાહના ટોચના નેતા નરસલ્લાહની કબર ઇઝરાયેલે તેના જ ગઢમાં બનાવી દીધી છે.

તેના વળતા જવાબમાં ઇરાને તેના ઉપર સીધો હુમલો કર્યો છે પરંતુ હવે ઇઝરાયેલ વધુ આક્રમક બની ગયું છે. ઇઝરાયલ લેબનોનમાં તેનું ઑપરેશન ધીમું પાડવા તૈયાર નથી. લેબનોનના સિવિલ ડિફેન્સ – નાગરિક સંરક્ષણ વિભાગે દાવો કર્યો છે કે તેણે એવા વિસ્તારોમાં જઈ રહેલા રાહત કર્મચારીઓને ચેતવણી આપી છે જ્યાં મોટા પાયે વિનાશ થયો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં નાશ પામેલી ઇમારતોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા જઈ રહેલા લોકોને ઇઝરાયલે ચેતવણી આપી છે. લેબનોનના નાગરિક સંરક્ષણ વિભાગે કહ્યું છે કે ઇઝરાયલની સેનાએ આવું કરનારાઓ પર હુમલો કરવાની ધમકી આપી છે.

દહિયાના રહેણાક વિસ્તારોમાં થયેલા હુમલા બાદ નાગરિક સંરક્ષણ વિભાગને ચેતવણી મળી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 72 કલાક દરમિયાન જે પણ ટીમ આ વિસ્તારમાં જશે તેના પર હુમલો કરવામાં આવશે. ઇઝરાયલે સમગ્ર દક્ષિણ લેબનોન અને બૈરુતમાં આરોગ્ય કર્મચારીઓ અને બચાવ ટીમો પર હુમલો કર્યો છે. જેમાં ડઝનેક લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા છે. લેબનોનના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે ઇઝરાયલના હુમલામાં 97 લોકોનાં મોત થયાં છે અને 188 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા લોકો હિઝબુલ્લાહ સંબંધિત ઇસ્લામિક હેલ્થ ઑર્ગનાઇઝેશન સાથે સંકળાયેલા હતા. તે વિસ્થાપિત લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.

તે રાહત અને બચાવ કામગીરીમાં પણ મદદ કરી રહ્યાં છે. હવે વાત કરીએ શિયા સુન્ની દેશોની અને ઇરાનની તાકાતની. તો જ્યારે 1948માં ઇઝરાયેલની રચના થઇ ત્યારે તમામ ઇસ્લામિક દેશો તેના વિરોધમાં હતાં. સૌથી પહેલા તેને તુર્કીએ એ માન્યતા આપી હતી અને તેને બીજી માન્યતા આપવા વાળો દેશ ઇરાન હતો. ત્યારથી જ ઇરાક, સઉદી અરેબિયા, યુએઇ કુવૈત જેવા અનેક દેશને ઇરાન આંખોમાં કણાની જેમ ખુંચતું હતું. અને જો ઇરાનની વાત કરીએ તો તેણે પડોશી દેશ ઇરાક સાથે નવ નવ વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું પરંતુ તેને માત આપી શક્યું ન હતું તો ઇરાકની સરખામણીમાં તો ઇઝરાયેલ ખૂબ જ મજબૂત દેશ છે.

ખૌમેનીના કારણે કોઇપણ મુસ્લિમ દેશ ઇરાનના સમર્થનમાં સીધા ઉતરી આવે તે વાતમાં કોઇ જ દમ નથી. એક તરફ ઇઝરાયેલ એક પછી એક આતંકવાદી સંગઠનના ટોચના નેતાને મારી ચૂક્યું છે. જેમાં સૌથી મોટો ફટકો નસરલ્લાહને ગણી શકાય તેમ છે. એક તરફ ઇઝરાયેલ તેના દ્વારા મારી નાંખવામાં આવેલા નેતાની યાદી બનાવી રહ્યું છે ત્યારે ઇરાન કોને કોને મારીશું તેની તો હજી યાદી તૈયાર કરી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે એક વાત ખૂબ જ મહત્વની એ છે કે, દરેક મુસ્લિમ દેશ યહુદીઓનો વિરોધી છે તે સ્પષ્ટ હોવા છતાં શિયા મુસ્લિમો માટે તે ઇઝરાયેલ સાથે સીધા યુદ્ધમાં ઉતરે તેવું કોઇ કાળે બને તેમ નથી.

ઇરાન ગમે તેટલી મોટી વાત કરે પણ સાચી વાત તો એ છે કે, નસરલ્લાહ પર હુમલા બાદ ઇરાન એટલી હદે ફફડી ગયું છે કે, તેમના સર્વોચ્ચ નેતા ખૌમેનીને અજ્ઞાતવાસમાં રાખવા પડ્યાં છે. બીજી વાત એ પણ છે કે, ઇરાનના કારણે કોઇ પણ ઇસ્લામિક દેશ ઇઝરાયેલ સાથે સીધી દુશ્મની લેવા તૈયાર નથી એટલે ખૌમેનીની અપીલ ઉપર એક પણ ઇસ્લામિક દેશને કોઇ અસર થવાની નથી તે નક્કી છે એટલે જ હજી સુધી ખૌમેનીની અપીલ બાદ એક પણ ઇસ્લામિક દેશની પ્રતિક્રિયા આવી નથી.

Most Popular

To Top