Sports

ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરનો ભાઈ કાર એક્સિડેન્ટનો ભોગ બન્યોઃ 6 અઠવાડિયા નહીં રમી શકે ક્રિકેટ

નવી દિલ્હીઃ બે અઢી વર્ષ પહેલાં ભારતીય ટીમના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતનું જેવું એક્સિડેન્ટ થયું હતું તેવો જ ભયાનક કાર અકસ્માત વધુ એક ભારતીય ક્રિકેટરનું થયું છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનનો નાનો ભાઈ જે મુંબઈ તરફથી ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે અને તાજેતરમાં દુલીપ ટ્રોફીમાં ડેપ્યુ કરી બેટથી ધમાલ મચાવી હતી તે બેટ્સમેન અકસ્માતનો ભોગ બન્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. મુશીર ખાનની ગરદન પર ગંભીર ઈજા થઈ છે. મુશીર તેના પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો. મુશીર તેના પિતા અને અન્ય બે સાથે મુસાફરી કરી રહ્યો હતો જ્યારે તેમની SUV ટોયોટા ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યો હતો.

મુશીર 1 ઓક્ટોબરથી શરૂ થતા ઈરાની કપ માટે તેના વતન આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો. અકસ્માત થતાં મુશીર રણજી ટ્રોફીના પ્રથમ કેટલાક રાઉન્ડમાંથી બહાર થઈ જાય તેવી શક્યતા છે. અકસ્માતનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે રોડ પર કાર 4-5 વખત પલટી ગઈ, જેના કારણે મુશીરને ગંભીર ઈજાઓ થઈ છે.

મુશીરને મુંબઈ ખસેડવામાં આવશે
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મુશીરને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા અનુસાર મુશીરને વહેલામાં વહેલી તકે મુંબઈ ખસેડવામાં આવશે, જ્યાં બીસીસીઆઈ દ્વારા તેની સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બીસીસીઆઈ અને એનસીએની મેડિકલ પેનલને તેના કેસ અંગે ઝડપથી જાણ કરવામાં આવી છે.

મુશીર 6 અઠવાડિયા ક્રિકેટ રમી શકશે નહીં
હવે મુશીર ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી ક્રિકેટ એક્શનથી દૂર રહે તેવી શક્યતા છે. મુશીરને પરત ફરવામાં પણ 3 મહિનાનો સમય લાગી શકે છે. આ ઈજાના કારણે મુશીરનું ઈરાની ટ્રોફીમાંથી બહાર થવું નિશ્ચિત છે. સરફરાઝ ખાનનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો છે. તેમનું ગામ અહીંના સાગધી તાલુકામાં બાસુપર છે.

રણજી ટ્રોફી માટે પણ મુશીર તૈયારી કરતો હતો
મુશીર રણજી ટ્રોફી ચેમ્પિયનમાં મુંબઈ તરફથી ફર્સ્ટ ક્લાસની મેચની તૈયારી કરી રહ્યો હતો. ઈરાની ટ્રોફી બાદ મુંબઈ 11 ઓક્ટોબરે બરોડા સામે રણજી અભિયાનની શરૂઆત કરશે. તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની ધમાકેદાર શરૂઆત બાદ મુશીર માટે આ ઈજા એક આંચકા તરીકે સામે છે. તેણે તેની પહેલી નવ ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે.

ગઈ સિઝનની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં બેવડી સદી, સેમિફાઇનલમાં અડધી સદી અને વિદર્ભ સામે ફાઇનલમાં મેચ વિનિંગ સદીનો સમાવેશ થાય છે. આ મહિનાની શરૂઆતમાં તેણે નવી ડોમેસ્ટિક સિઝનની શરૂઆત દુલીપ ટ્રોફીમાં આકાશ દીપ, અવેશ ખાન, ખલીલ અહેમદ અને કુલદીપ યાદવ ધરાવતા મજબૂત ભારત A હુમલા સામે શાનદાર 181 રન સાથે કરી હતી.

દુલીપ ટ્રોફીમાં જબરદસ્ત પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું હતું
મુશીર ખાને દુલીપ ટ્રોફી 2024માં બેટથી આતંક મચાવ્યો હતો. પોતાની ડેબ્યૂ મેચમાં જ મુશીરે ઈન્ડિયા-બી માટે ઈન્ડિયા-એ વિરુદ્ધ 181 રનની ઈનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 373 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા ઉપરાંત 5 છગ્ગા ફટકાર્યા. દુલીપ ટ્રોફીમાં પદાર્પણ વખતે ટીનેજર (20 વર્ષથી ઓછી ઉંમરના) દ્વારા આ ત્રીજો સૌથી વધુ સ્કોર હતો.

મુશીરે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો હતો, જેણે 1991માં તેની દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં 159 રન બનાવ્યા હતા. આ મામલે બાબા અપરાજિત ટોપ પર છે, જેમણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂમાં 212 રન બનાવ્યા હતા. બીજા સ્થાને યશ ધૂલ છે, જેણે 193 રન બનાવ્યા હતા.

અંડર-19 વર્લ્ડ કપમાં પણ જબરદસ્ત ઈનિંગ્સ રમી હતી
મુશીર ખાને અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. 7 મેચમાં તેણે 60ની એવરેજથી 360 રન બનાવ્યા. આ સાથે જ તેણે 7 વિકેટ પણ લીધી હતી. 19 વર્ષના મુશીરને ભવિષ્યનો મોટો ભારતીય સ્ટાર માનવામાં આવે છે. મુશીર આવનારા સમયમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં ફિટ થઈ શકે છે.

મુશીર ખાન મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે
મુશીર ખાન મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 1 અડધી સદી સામેલ છે. મુશીરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 203 રન અણનમ રહ્યો છે. મુશીરે બોલ સાથે પણ અજાયબીઓ કરી છે અને કુલ 8 વિકેટ લીધી છે. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ બાંગ્લાદેશ સામે ચાલી રહેલી કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે, જોકે તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો.

મુશીરના મોટા ભાઈને ઈરાની કપ માટે ઈન્ડિયન ટીમમાંથી રિલિઝ કરાયો
દરમિયાન મુશીરના મોટા ભાઈ અને ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનને કાનપુરમાં ઈરાની કપમાં ભાગ લેવા માટે ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. સરફરાઝની ઉપલબ્ધતા તેને બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની XIમાં પસંદ ન કરવાને આધીન હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ હજુ સુધી અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમમાં મુશીરના સ્થાને કોઈનું નામ નક્કી કર્યું નથી.

Most Popular

To Top