Vadodara

ભાયલી, વડસર, વાધોડિયા રોડ, કેલનપુર , મકરપુરા, જાંબુવા સ્થિત રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ઉપર વિશ્વામિત્રી – ઢાઢરના પુર ફરી વળ્યા, ભાવમાં કડાકો



વિશ્વામિત્રીનાં બન્ને કાંઠે થયેલા દબાણોએ શહેરની માઠી દશા કરી , એ મહાપાપ ના ભાગીદાર શાસક પક્ષના હોદ્દેદારો અને મળતીયા બિલ્ડરો.

મનપાના તંત્ર કે શાસક પક્ષના હોદ્દેદારો પાસે વિશ્વામિત્રી કે ઢાઢર નદીને નાથવાનું આયોજન કે દ્રષ્ટિકોણનો અભાવ

હવે પ્રજાજનો એ ઉંચા વેરા ભરવાના અને હાડમારી વેઠવાની એ જ વિકલ્પ


(પ્રતિનિધિ) વડોદરા તા.
તાજેતરમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પુરે વિનાશ સર્જી દર્શાવી દીધું કે જો મારી સાથે અટકચાળા કરશો તો તેનું દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. વિશ્વામિત્રીએ શાસકોના બીડાયેલા ચક્ષુ ખોલી નાંખ્યાં. પહેરેલાં ગાભા કાઢી નાંખી દિગંબર કરી નાંખ્યા. વામણા કરી દીધા. ત્રણ ત્રણ દાયકાઓથી જે પ્રજા એ વિશ્વાસ મૂકી શાસનની ધૂરા સોંપી, એ વિશ્વાસ પૂરમાં તણાઈ ગયો. મૂછે તાવ દેતાં નેતાઓનાં પાણી ઉતારી દીઘાં. લોકોના ફાટી નીકળેલા રોષનું શમન કરવા શાસકો આશ્વાસનના થીંગડા મારવા મંડ્યા. પણ બુંદ સે ગઈ, હોજ સે નહીં આતી , એ કહેવત સાર્થક થઈ . ખેર એ તો આગામી ચૂંટણી એ ખબર પડશે. અત્યારે તો લોકો પોતાનું જીવન થાળે પાડવામાં વ્યસ્ત છે. ત્યાં વળી ગણપતિ ઉત્સવ આવ્યો એટલે લોકોનું મન એ બાજુ ફર્યું. પણ સરવાળે વિનાશક પુરે ધંધા રોજગારના કોઈ એક ક્ષેત્રને નહીં પણ મોટાભાગના દરેક ક્ષેત્રને અડફેટમાં લીધા છે. ખાસ કરીને રીયલ એસ્ટેટ ને પારાવાર નુંકશાન થયું છે, જેનું પુરાણ કરવું અધરૂં થઈ પડશે.
પુર પહેલાં શહેર આસપાસના વિસ્તારોમાં રીયલ એસ્ટેટના ભાવ આસમાને હતાં. તે ગગડીને તળીયે આવી ગયા. ભાયલી, વડસર, વડોદરા થી વાધોડિયા વચ્ચેનો સમગ્ર વિસ્તાર, કેલનપુર વિસ્તાર, મકરપુરા થી જાંબુવા- રતનપુર સુધી, મળી શહેરની આસપાસ ના તમામ વિસ્તારો માં કે જ્યાં આડેધડ બાંધકામો થયા છે, બહુમાળી ઈમારતો નીચે એક એક માથોડુ પણી ભરાયા હતાં. આજે એ તમામ મિલકતોના ભાવ તળીએ બેસી ગયા છે. જે રોકાણકારો એ કરોડો ખર્ચી આ વિસ્તારમાં જમીનો, બાંધકામ સ્કીમોમાં રોકાણ કર્યું છે, એમને રાતે પણીએ રોવાનો વારો આવ્યો છે. પુર પછી જમીનો, પ્લોટો, ફ્લેટના ભાવ તળીયે ગયા હોવા છતાં કોઈ લેવાલ નથી. જે લોકો રહે છે એમણે હવે શું કરવું , તેનો સુજકો પડતો નથી. રોકાણકારો ને એવી આશા હતી કે દિવાળી ઉપર મોટી ધરાકી નીકળશે અને આપણે માલામાલ થઈ જશું , પણ એમના અરમાનો ઉપર વિશ્વામિત્રી અને ઢાઢરના ઘોડાપુર ફરી વળ્યા. શહેરમાં જે કુદરતી કાંસ હતાં તેનું પુરાણ કરી ઉપર દુકાનો અને શોપીંગ સેન્ટરો ઉભા કરી મલાઈ ખાઈ ગયા. એટલે શહેરમાં પાણી ભરાવા મંડ્યા. ભરાયેલા પાણી ઓસરતા નથી.

વિશ્વામિત્રી નદી ના પુરના પાણી શહેર સહિત આસપાસના દરેક વિસ્તારોના બેઝમેન્ટ, રહેણાંકના મકાનો, ઉચાણ કે નીચાણ વાળા વિસ્તારો માં રહેતાં માલેતુજારો કે ગરીબોના સ્લમ વિસ્તારોને ધમરાળી નાંખ્યા. શહેરનો કોઈ વિસ્તાર એવો બાકી નથી જ્યાં પુરે વિનાશ સર્જ્યો નો હોય.

વિશ્વામિત્રી અને ઢાઢરને નાથવા આપેલા અહેવાલો માળિયે ચડી ગયા

ભૂતકાળમાં અનેક નિષ્ણાતોએ વિશ્વામિત્રી અને ઢાઢર નદીને નાથવા માટે લેખીતમાં, સવિસ્તાર અહેવાલો સેવાસદન અને સરકારને સુપ્રત કરેલા છે. સ્વ. તૃપ્તી શાહ નામના મહિલા એક્ટીવિસ્ટ તો જીવનના અંતિમ શ્વાસ સુધી વિશ્વામિત્રીના દબાણો દુર કરવા, પર્યાવરણની સુરક્ષા માટે તંત્ર સામે ઝઝુમ્યા હતાં, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ,ગ્રીન ટ્રીબ્યુનલના ચૂકાદા લઈ આવ્યા, પણ તંત્ર એ ચૂકાદાઓને ધોળી ને પી ગયું. સ્વ.તૃપ્તી શાહના પતિ રોહીત પ્રજાપતિ પોતે દીવ્યાંગ હોવા છતાં આજે પણ વિશ્વામિત્રી માટે અને પર્યાવરણની સુરક્ષા કાજે ઝઝૂમી રહ્યાં છે, પણ તંત્ર એમની રજુઆતો કાને ધરતું નથી. બીજા એક એક્ટીવીસ્ટ છે એવોકેટ શૈલેષ અમીન, એમણે પણ વિશ્વામિત્રી માટે જરૂરી અહેવાલો રજૂ કર્યા છે, અફસોસ છે કે, ઈ બધા અહેવાલો ફાઈલોમાં બંધ કરી દેવામાં આવ્યા. ફોઈલો અભરાઈ ઉપર ચડાવી દીધી.
કરોડો ના ખર્ચ પછી વિશ્વામિત્રી રીવર ફરન્ટ પ્રોજેક્ટ પર ધૂળના થર બાજી ગયા. દબાણોની પાપલીલાના કારણે વિશ્વામિત્રી હતી તેના કરતાં પણ વધુ સાંકડી થઈ. આવું ને આવું ચાલશે તો વિશ્વામિત્રી નીની નહેરમાં ફેરવાઈ જશે. બન્ને કિનારાઓ ઉપર બીલ્ડરો દબાણ કરશે જ, એમને કોઈ રોકી શકસે નહી. દબાણો શાસક પક્ષના હોદ્દેદારો માટે દુઝણી ગાય સમાન છે. જે દબાણો થયા છે તે તંત્રની મીઠી નજર હેઠળ થયા છે. અધિકારીઓ અને શાસક પક્ષના હોદ્દેદારો એ પોત પોતાનો સ્વાર્થ સાધી લીધો છે. પ્રજાજનો ની દરકાર કરી નથી. પરિણામે ઉંચા વેરા ભરતી પ્રજા એ અતિ હાડમારી વેઠવી પડે છે, ભવિષ્યમાં પણ વેઠવી પડશે. આગામી ચોમાસે પણ જો વરસાદ વધુ પડશે તો આવી જ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે.કારણ કે આટ આટલી ટેકનોલોજી હોવા છતાં વિશ્વામિત્રી અને ઢાઢર નદીને નાથવા નું કોઈ આયોજન તંત્ર પાસે નથી. કે શાસક પક્ષના હોદ્દેદારો પાસે દ્રષ્ટીકોણ નથી. એટલે પ્રજાએ સહન કર્યા વગર છૂટકો નથી.

Most Popular

To Top