વલસાડ: વલસાડના ઉમરગામમાં 3 બાળકો સાથે એકલી રહેતી માતા જ્યારે નોકરી પર ગઇ ત્યારે તેનું 10 વર્ષનું બાળક કશે જતું રહ્યું હતું. જ્યારે માતા ફેક્ટરીમાંથી રાત્રે ઘરે આવી ત્યારે તેણીને બાળક ગુમ થયાની જાણ થઇ અને તેણીએ આ અંગે રાત્રે પોલીસને જાણ કરતાં પોલીસે આકાશ પાતાળ એક કરી સવાર સુધીમાં બાળકને શોધી કાઢ્યું હતુ. ટ્રેનમાં બેસીને માસીના ઘરે પહોંચી ગયું હતું એટલું જ નહીં બોઇસરથી આઠ કિલોમીટર દૂર માસીના ઘર સુધી પણ પહોંચ્યું તે પણ આશ્ચર્યજનક બાબત છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઉમરગામમાં એક મહિલા 3 બાળકો સાથે પતિથી જુદી થઇ થોડે દૂર રહેતી હતી. શુક્રવારે બપોર પછીની પાળીમાં તે નોકરીએ ગઇ ત્યારે તેનું સૌથી નાનું બાળક કશે જતું રહ્યું હતું. તેના બે ભાઇ બહેને તેને શોધ્યું પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. મહિલા જ્યારે રાત્રે આવી ત્યારે ત્યારે 12 વાગ્યે તેણે પોલીસને તેની જાણ કરી હતી. ત્યારે વલસાડ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટની ટીમ તેમજ ઉમરગામ પોલીસે તેના ઘરની આજુ બાજુના સીસી ટીવી અને સ્ટેશનના સીસી ટીવી ચેક કરી મહિલાના પુત્રને બોઇસરની ટ્રેનમાં બેસતો દેખાયો હતો અને બોઇસર ઉતરતો જોવા મળ્યો હતો. પોલીસે ત્યાં જઇને તપાસ કરતા તે પોતાની માસીના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસને કેટલાક સીસી ટીવી કેમેરામાં તે એકલો દેખાયો હતો, પરંતુ તેની પાછળ તેના પિતાનો કે અન્ય કોઇનો દોરી સંચાર છે કે નહીં, તેની તપાસ ચાલી રહી છે. આ અંગે તેઓ ચાઇલ્ડ વેલફેરના કાઉન્સિલરની મદદથી બાળકની પુછચાછ કરશે. ત્યારબાદ જો કોઇ દોષિત હશે તો તેની સામે પગલાં ભરશે.