SURAT

જોજો.. ક્યાંક વિદેશમાં તમારી હાલત પણ વરાછાના યુવક જેવી નહીં થાય, કેનેડા પહોંચ્યા બાદ ખબર પડી કે..

સુરતઃ વરાછાના એ.કે. રોડ પર રહેતા વેપારીના ભત્રીજાને કેનેડાની યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. કેનેડાની યુનિવર્સિટીમાં ફી ભરવા માટે વેપારીને મિત્ર હસ્તે ફી ભરવાનું કામ કરતા યુવક સાથે ઓળખ થઈ હતી. યુવકે વેપારીને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધો હતો. બાદમાં ફી ભરવાનું કહી યુવકે વેપારી પાસે 13.50 લાખ પડાવી લઈ ફરાર થઈ ગયો હતો. વેપારીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  • યુવક કેનેડા પહોંચ્યો ત્યારે ખબર પડી કે ફી જ નથી ભરાઈ, વરાછાના વેપારીને ધૂતારો ઠગી ગયો
  • ભત્રીજાને વિદેશ ભણવા મોકલવાની લ્હાયમાં વરાછાના વેપારીએ લાખો રૂપિયા ગુમાવ્યા
  • ભત્રીજાને કેનેડામાં ફી પણ ભરી આપશે અને રહેવાની સગવડ પણ કરી આપશે તેવી મોટી મોટી વાતો કરી હાર્દિક બદફિયાએ કેનેડાની યુનિવર્સિટીમાં ફી ભરવાના બહાને ઠગે 13.50 લાખ પડાવી લીધા
  • કાકાને વિશ્વાસમાં લેવા ઠગે વોટ્સએપ પર પીઆર ફી ભર્યાની બોગસ રસીદ પણ મોકલી હતી

ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી મુજબ વરાછાના એ.કે રોડની મણીનગર સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢના 48 વર્ષ જીતેન્દ્રકુમાર ધનજીભાઈ પટેલ અમર સેલ્સ એજન્સી નામે એકે રોડ પર વેપાર કરે છે. તેમના ભત્રીજા સાહિલને કેનેડાની હમબ્રી કોલેજમાં એડમિશન મળ્યું હતું.

જે એડમિશનની ફી કેનેડાની હમ્બ્રી કોલેજમાં ભરવાની હોય જીતેન્દ્રકુમારે તેના મિત્ર હસ્તે ફી ભરવાનું કામ કરતા હાર્દિક દામજીભાઈ બદફિયા (રહે.,મંત્ર, મોટા વરાછા)સાથે સંપર્ક થયો હતો. હાર્દિકે કેનેડાની ઘણી બધી કોલેજોમાં સીધો સંપર્ક હોય અને ત્યાં બધી જ સગવડો કરી આપતો હોવાની મોટી મોટી વાતો કરી જીતેન્દ્રકુમારને વિશ્વાસમાં લીધા હતા.

હાર્દિકે જીતેન્દ્રકુમારનાં ભત્રીજા સાહીલની ફી પણ ભરી આપવાનું અને તેને કેનેડામાં રહેવાની પણ વ્યવસ્થા કરી આપવાની લાલચ આપી હતી. જેથી જીતેન્દ્રકુમાર હાર્દિકની લલચામણી વાતોમાં આવી ફી ભરવાનું કામ હાર્દિકને સોંપ્યું હતું. હાર્દિકે ફી ભરવા માટે જીતેન્દ્રકુમાર પાસે વર્ષ 2023માં તા.1 નવેમ્બર થી 14 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ટ્રાન્સફરથી અને રોકડા ટુકડે ટુકડે 13.50 લાખ લઈ લીધા હતા. બાદમાં જીતેન્દ્રકુમારને ફી ભરાઈ ગઈ હોવાની રસીદ પણ વોટ્સઅપ પર મોકલી આપી હતી.

ભત્રીજો સાહીલ કેનેડા પહોંચી ગયો હતો. કેનેડાની યુનિવર્સિટી જતાં સાહિલને તેના નામથી કોઈ ફી નહીં ભરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સહિલે કાકાને તેની કોલેજની ફી હાર્દિકે નહીં ભર્યાનું જણાવ્યું હતું. જીતેન્દ્રકુમારે હાર્દિકનો સંપર્ક કરતા હાર્દિકે ટેકનિકલ ખામીને કારણે ફી નહીં ભરાઈ હોવાનું બહાનું બતાવ્યું હતું.

બાદમાં હાર્દિકે ફરી ફી ભરી આપવાની વાત કરી હતી. હાર્દિક ફી ભરવા માટે અવાર નવાર જીતેન્દ્રકુમારને વાયદાઓ કરતો હતો. બાદમાં હાર્દિકે ફી પણ નહીં ભરી અને 13.50 લાખ પણ પરત નહીં આપી ઘર ખાલી કરી ફરાર થઈ ગયો હતો. ઉત્રાણ પોલીસે હાર્દિક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top