Vadodara

વડોદરા જી. પંચાયત અને તા. પંચાયત વચ્ચે ભાડા માટે માથાકૂટ




જિલ્લા પંચાયતે આઠ-આઠ પત્રો લખી ભાડાની માંગણી કરી પણ તાલુકા પંચાયતના શાસકો ગાંઠતા નથી

લાઇટ બિલ તેમજ માસિક ભાડું 31 હજાર નક્કી કરવામાં આવ્યું હતું, ભાડાની એક પાઈ ચૂકવાઇ નથી


વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વચ્ચે મકાન માલિક અને ભાડુઆતનો ઝઘડો પાંચ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતનું રાજમહેલ રોડ ખાતે બહુમાળી સરદાર ભવન બનાવવામાં આવ્યું છે.જેમાં નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર અગાઉ સરકારી કંપનીને ભાડે આપવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વર્ષોથી આ ફ્લોર ખાલી કરાયો હતો. બીજીતરફ પાણીગેટ ભદ્ર કચેરી ખાતે વડોદરા તાલુકા પંચાયતની કચેરી આવેલી હતી. પરંતુ આ કચેરીમાં જગ્યા ઓછી હતી તેમજ મકાન પણ જર્જરિત બની ગયું હતું. જેથી તાલુકા પંચાયતની કચેરી શિફ્ટ કરવા માટે બિલ્ડિંગની શોધ ચાલી રહી હતી. વડોદરા જિલ્લા પંચાયતનો ગ્રાઉન્ડ ફ્લોર ખાલી પડતાં વડોદરા તાલુકા પંચાયતે દસ વર્ષ પહેલાં આ જગ્યાની માંગણી કરી હતી. જેથી જિલ્લા પંચાયતે ભાડેથી જગ્યા આપવા માટે તૈયારી બતાવી હતી. જો કે આ અંગે કોઈ લેખિત કરાર થયો નહતો. પરંતુ જિલ્લા પંચાયતે ઠરાવ કરીને ગ્રાઉન્ડ ફ્લોર તાલુકા પંચાયતને આપી દીધો હતો. જેનું લાઇટ બિલ તેમજ માસિક ભાડું રૂ.૩૧ હજાર નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તાલુકા પંચાયત દ્વારા ભાડાની એક પાઈ ચૂકવાઈ નથી.જેથી જિલ્લા પંચાયત દ્વારા ઊઘરાણી ચાલુ કરાઈ છે.જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગે આઠ જેટલા પત્રો લખી રૂપિયાની માંગણી કરી છે.પરંતુ તાલુકા પંચાયતના શાસકો તેના પત્રને ગણકારતા જ નથી.જેથી અગામી સમયમાં આ મુદ્દે શું થાય છે તે જોવું રહ્યું.

Most Popular

To Top