નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (SC) આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ આગામી આદેશો સુધી કેન્દ્રના વિવાદિત કૃષિ કાયદા (Farm Bill 2020) પર સ્ટે (stay) મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. પરંતુ ખેડૂત સંગઠનો SCના આ નિર્ણયથી ખુશ હોય એવુ લાગતું નથી. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે, દેશના ખેડુતો કોર્ટના નિર્ણયથી નિરાશ છે.અશોક ગુલાટીની અધ્યક્ષતા હેઠળની સમિતિએ કૃષિ કાયદાઓની ભલામણ કરી હતી.
રાકેશ ટીકૈતે ટ્વિટ કર્યું હતું કે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના તમામ સભ્યો ખુલ્લા બજાર વ્યવસ્થા અથવા નવા કૃષિ કાયદાના સમર્થક છે. અશોક ગુલાટીની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ આ કાયદા લાવવાની ભલામણ કરી હતી. દેશના ખેડૂત આ નિર્ણયથી નિરાશ છે. રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગ કાયદો રદ કરવા અને લઘુતમ ટેકાના ભાવને (Minimum support Price-MSP) કાયદો બનાવવાની છે. આ માગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. માનનીય સુપ્રીમ કોર્ટના આદેશની તપાસ કર્યા બાદ યુનાઇટેડ મોરચો આવતીકાલે વધુ રણનીતિ જાહેર કરશે.
રાકેશ ટીકૈતે કહ્યું કે, અમને સમિતિની રચના સામે વાંધો નથી, સમિતિમાં લોકો કોણ છે, તેમની વિચારધારા શું છે, તેની સામે વાંધો છે. ટિકૈતે ભૂપેન્દ્રસિંહ માનના નામ પર પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ‘છેલ્લા 25 વર્ષથી અમેરિકન મલ્ટિનેશનલ કંપનીઓની હિમાયત કરી રહેલા ભૂપિન્દર સિંહ માન ભારતના ખેડુતોનું ભાવિ નક્કી કરશે. આ લોકો કોણ છે?
ખેડૂત સંગઠનોની જેમ કોંગ્રેસે પણ સમિતિના સભ્યો સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી ચિંતાનું સ્વાગત કરીએ છીએ. પરંતુ જે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી તે આઘાતજનક છે. આ ચાર સભ્યો કાળા કાયદાની તરફેણમાં મત આપી ચૂક્યા છે. તેઓ કેવી રીતે ખેડૂતોને ન્યાય આપી શકશે? ચારેય મોદી સરકારની સાથે ઉભા છે. તેઓ શું ન્યાય કરશે? કોઈએ લેખ લખ્યો, કોઈએ મેમોરેન્ડમ લખ્યું, કોઈએ પત્ર લખ્યો, એક અરજકર્તા છે.’.
આ વિવાદના સમાધાન માટે સુપ્રીમ કોર્ટે રચિત ચાર સભ્યોની સમિતિમાં ભૂપિંદરસિંહ માન (અધ્યક્ષ બેકયૂ), ડૉ. પ્રમોદકુમાર જોશી (આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થા), અશોક ગુલાટી (કૃષિ અર્થશાસ્ત્ર) અને અનિલ ધનવત (શિવકેરી સંસ્થા, મહારાષ્ટ્ર). જણાવી દઇએ કે ખેડૂત આંદોલનનો આજે 48મો દિવસ છે, અને સુધી કુલ 57 જેટલા ખેડૂતોના મોત થઇ ચૂક્યા છે.