દ્રશ્ય પહેલું : એક ૭૦ વર્ષના આજી, અથાણાં બનાવવામાં હોશિયાર. એટલાં સરસ અથાણાં બનાવે કે જે ચાખે તે હાથ ચાટતાં રહી જાય અને માત્ર કાચી કેરી અને ગુંદા કે લીંબુ જ નહિ, જાતજાતના અને ભાતભાતનાં અથાણાં તેઓ બનાવે.તેમની પૌત્રીએ એક દિવસ આજીને કહ્યું, ‘હવે તો બધું ઓનલાઈન વેચાય છે.
ચાલો, તમારાં અથાણાં ઓનલાઈન વેચીએ. થોડા જ વખતમાં ‘આજીનાં અથાણાં’ ઓનલાઈન વેચાવા લાગ્યાં અને આજી અને તેમનાં અથાણાં માટે ઘણા ઓર્ડર આવવા લાગ્યા.૭૦ વર્ષે આજી ‘બિઝનેસ વુમન’ બન્યાં.તેમના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને આજી બધા માટે પ્રેરણારૂપ થયાં કે જો આવડત હોય તો ઉંમર કોઈ પણ હોય, સફળતા મળે છે.
દ્રશ્ય બીજું : એક ૬૫ વર્ષના લેડી ઇન્દુમેડમ પોતાનો કેક અને ચોકલેટનો સફળ બિઝનેસ કરતાં હતાં.તેમની બ્રાન્ડ ‘સ્વીટ સ્ટાઈલ’ ફેમસ હતી.૬૦ વર્ષ થયા બાદ ઘરના બધા કહેવા લાગ્યા કે ‘બહુ કામ કરી લીધું.હવે થોડો આરામ કર.બિઝનેસ બાળકોને સોંપી દે.’ પણ તેઓ અટકવા માંગતાં ન હતાં.
તેમનું કહેવું હતું કે મારું કામ મને ગમે છે,મારું કામ મને પ્રવૃત્ત રાખે છે અને મારું શરીર સ્વસ્થ છે ત્યાં સુધી હું મારો બિઝનેસ સંભાળીશ.પછી બાળકોને રસ હોય તો સંભાળે. ઇન્દુમેડમ રોજ સવારે સરસ તૈયાર થઈને શોપ પર જતાં.આખો દિવસ કામ કરતાં.તેને કારણે તેમનાં તન અને મન ખુશ અને સ્વસ્થ હતાં.કરી શકો ત્યાં સુધી પોતાને આનંદ મળે તે કામ કરતાં રહો.
દ્રશ્ય ત્રીજું : એક ૬૦ વર્ષનાં લેડી ઓફિસર વત્સલાબહેન પોતાની ૪૦ વર્ષની ગવર્નમેન્ટ સર્વિસ બાદ રીટાયર થયાં.તેમણે જણાવ્યું મારી ફેરવેલ પાર્ટીમાં માત્ર ભાષણો, મારા વખાણ અને ગીફ્ટ નહિ હોય.હું પાર્ટી આપીશ …હું કોઈની ગીફ્ટ લેવાની નથી પણ બધાને યાદગીરીરૂપે ગીફ્ટ આપીશ.
તમારી મનની ભાવના તમે મને લાંબા ભાષણોમાં નહિ પણ પત્રમાં લખીને આપજો જેને હું હંમેશા જાળવીશ અને પાર્ટી તો થશે જેમાં હશે મ્યુઝિક ડાન્સ અને મસ્તી….તેમણે સૌથી જુદી ફેરવેલ પાર્ટી આપી અને મસ્તીથી રીટાયરમેન્ટ સ્વીકાર્યું.કોઈ પણ ઉંમરે પોતાની મસ્તીથી જીવી શકાય છે.
દ્રશ્ય ચોથું: દીકરા દીકરી કોલેજમાં આવી ગયા બાદ ૫૩ વર્ષનાં ઇલાબહેને અચાનક ઘરમાં કહ્યું તેઓ દસ દિવસના વેકેશન પર જવાના છે.ઘરમાં બધાં રાજી થયાં કે ચાલો વેકેશન પર મજા આવશે.ઇલાબહેને ત્યારે ભાર દઈને જણાવ્યું કે તેઓ એકલાં તેમની કોલેજની અને શાળાની બહેનપણીઓ સાથે ઓલ ગર્લ્સ વેકેશન પર જવાના છે.
બધાને નવાઈ લાગી.દીકરાએ કહ્યું, ‘મમ્મી તું કંઈ થોડી કોલેજમાં છે કે આમ ફ્રેન્ડસ સાથે ફરવા જઈ શકે?’ ઇલાએ હસીને કહ્યું, ‘કોલેજમાં નથી, પણ મારા ફ્રેન્ડસ તો છે ને…શું માત્ર કોલેજમાં હોઈએ ત્યારે જ ફરવા જઈ શકાય એવો કોઈ નિયમ તો નથી ને…’ મનના શોખ પૂરા કરવાની કોઈ ઉંમર હોતી નથી.
ઉપરનાં દ્રશ્યોમાં સામ્ય છે. એક સ્ત્રીની મનની ઈચ્છા,આપણા સમાજમાં સ્ત્રી લગ્ન બાદ પોતાની જાતને ભુલાવીને ઘર, વર અને બાળકો પાછળ ખર્ચાઈ જાય છે.પોતાની આવડત, શોખ, ઇચ્છાઓને મારીને તે જીવે છે અને એમ જ જવાબદારીઓના ભાર હેઠળ જ જીવન પૂરું કરે છે.એમ ન કરતાં દરેક સ્ત્રીએ પોતાના શોખ,આવડત ,સપના માટે જીવવું જરૂરી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.