Sports

સ્મિથની સદી પછી ગીલના પ્રભાવથી ભારતની મજબૂત શરૂઆત

અનુભવી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની સદી અને માર્નસ લાબુશેનની 91 રનની ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ અહીં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં 338 રનનો સ્કોર બનાવ્યા પછી ભારતીય ટીમે શુભમન ગીલની પહેલી ટેસ્ટ અર્ધસદીની મદદથી ભારતીય ટીમે મજબૂત કહી શકાય તેવી શરૂઆત કરી હતી અને બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 2 વિકેટે 96 રનનો સ્કોર બનાવ્યો હતો, ભારતીય ટીમ હજુ ઓસ્ટ્રેલિયાના સ્કોર કરતાં 242 રન પાછળ છે. સ્ટમ્પના સમયે ચેતેશ્વર પુજારા 9 અને કેપ્ટન અજિંકેય રહાણે 5 રને રમતમાં હતા.

બીજા દિવસે સવારના સત્રમાં બે વાર વરસાદી વિઘ્ન આવ્યું હતું, પહેલીવાર વરસાદ પડ્યો તે પછી રમત શરૂ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ લાબુશેનની વિકેટ ગુમાવી હતી, તે 91 રને આઉટ થયો હતો. તેણે સ્મિથ સાથે ત્રીજી વિકેટની 100 રનની ભાગીદારી કરી હતી. સ્મિથે એક છેડો સાચવી રાખ્યો હતો ત્યારે બીજા છેડેથી એક પછી એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ભારતીય બોલરોએ પેવેલિયન ભેગા કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ઇનિંગનું આકર્ષણ સ્મિથની સદી રહી હતી. તેણે 226 બોલનો સામનો કરીને 16 ચોગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ 62 રન આપીને 4 જ્યારે જસપ્રીત બુમરાહે 66 રન આપીને બે વિકેટ ઉપાડી હતી. આ સિવાય નવદીપ સૈનીએ 2 અને મહંમદ સિરાજે 1 વિકેટ ખેરવી હતી. જાડેજાએ એક ડાયરેક્ટ થ્રો વડે સ્મિથને રન આઉટ કરતાં ઓસ્ટ્રેલિયન ઇનિંગનો અંત આવ્યો હતો.

ભારતને રોહિત શર્મા અને શુભમન ગીલની જોડીએ સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 70 રન ઉમેર્યા હતા. શુભમન ગીલે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના અનુભવી બોલિંગ આક્રમણ સામે તે સહજતાથી રમ્યો હતો અને તેણે કેટલાક દર્શનીય ફટકાઓ માર્યા હતા.

રોહિત શર્મા જોશ હેઝલવુડના બોલે તેને વળતો કેચ આપી બેઠો અને તેની થોડી જ વારમાં ગીલ પણ પોતાની પહેલી અર્ધસદી પુરી કર્યા પછી કમિન્સના બોલે ગલીમાં કેમરૂન ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. આ બંને આઉટ થયા પછી પુજારા અને રહાણેએ વધુ પડતો સંરક્ષણાત્મક અભિગમ અપનાવ્યો હતો અને 12.5 ઓવરમાં માત્ર 11 રન ઉમેર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top