વિશ્વનો સૌથી મોટો શિયાળુ ઉત્સવ આજથી ચીનના હેઇલોંગજીઆંગ પ્રાંતના હાર્બીન શહેરમાં શરૂ થઇ ગયો છે.
ઉત્તર ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે યોજાતો આ શિયાળુ મહોત્સવ તેના આઇસ એન્ડ સ્નો ફેસ્ટીવલ તરીકે જાણીતો છે અને તેમાં રશિયાની સરહદ નજીક આવેલા આ શહેરમાં એક આઇસ સિટી તૈયાર કરવામાં આવે છે.
આ વખતે ૩૭મો વાર્ષિક શિયાળુ ઉત્સવ છે અને તેમાં પણ હાર્બીનમાં આઇસ સિટી તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બરફના મકાનો, ઇમારતો અને શિલ્પો વડે આખું શહેર તૈયાર કરવામાં આવ્યું છે. આ આઇસ સિટી આમ તો થોડા દિવસ પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું હતું પરંતુ ખરેખરા શિયાળુ ઉત્સવનો આરંભ આજથી થયો છે.
આ આઇસ સિટીમાં સાંજે જ્યારે રંગબેરંગી નિયોન લાઇટો સળગાવવામાં આવી ત્યારે અત્યંત મનોહર દ્રશ્ય સર્જાયું હતું અને તેની કેટલીક મુગ્ધ કરી દેતી તસવીરો અને વીડિયોઝ બહાર આવ્યા છે.