Columns

સરકારે રસીકરણ માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે?

ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે જવાબ મળે છે કે બજેટ નથી. પરંતુ કોરોનાના સંકટને સરકારે એટલી બધી ગંભીરતાથી લીધું છે કે તેની રસી માટે સરકારે આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. ભારતના દરેક નાગરિકને કોરોનાની રસી આપવાનો ખર્ચ લગભગ ૫૦૦ રૂપિયા આવશે. આ હિસાબે જો ૧૩૦ કરોડ નાગરિકોને રસી આપવી હોય તો લગભગ ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડે. જો કે ભારત સરકાર તેના દરેક નાગરિકને કોરોનાની રસી મફતમાં આપવાની નથી. પ્રારંભમાં ત્રણ કરોડ હેલ્થ વર્કરોને રસી મફતમાં આપવામાં આવશે.

ત્યાર બાદ ૨૭ કરોડ સિનિયર નાગરિકોને રસી નજીવી કિંમતે આપવામાં આવશે. બાકીના ૧૦૦ કરોડ લોકો માટે ટોકન કિંમત નક્કી કરવામાં આવશે. સરકાર પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી રસીનો એક ડોઝ ૨૦૦ રૂપિયાની કિંમતે ખરીદવાના ભાવતાલ કરી રહી છે. આ ભાવતાલની ભાંજગડને કારણે રસીની ઝુંબેશ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ કિંમતે રસીના આશરે ૧૦ કરોડ ડોઝ ખરીદવામાં આવશે.

આ ૧૦ કરોડ ડોઝનો ઉપયોગ પાંચ કરોડ નાગરિકો ઉપર કરવામાં આવશે. સિરમ ઇન્સ્ટિટયુટને સરકાર ૨,૦૦૦ કરોડ રૂપિયાનો વકરો કરાવશે. સરકાર બીજા ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ પાંચ કરોડ લોકો સુધી રસીના ડોઝ પહોંચાડવા માટે કરશે. આ રીતે પાંચ કરોડ લોકોને રસી આપવા પાછળ ૨,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ૩૦ કરોડ નાગરિકો પાછળ આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. દેશના ૧૩૦ કરોડ નાગરિકોને રસીના બે ડોઝ આપવામાં આશરે બે વર્ષનો સમય લાગશે. ત્યાં સુધી જો વાયરસની નવી જાત આવી હશે તો આ રસી નકામી પુરવાર થઈ જશે. સામાન્ય સંયોગોમાં પણ દર વર્ષે રસી લેવી જરૂરી માનવામાં આવે છે.

ભારત સરકારે સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડને અને ભારત બાયોટેકની કોવેક્સિનને કટોકટીના કાળમાં મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી તેનો પણ વિવાદ પેદા થયો છે. ભારત બાયોટેકની ત્રીજા તબક્કાની ટ્રાયલ બાકી છે, કારણ કે તેના માટે સ્વયંસેવકો મળતા નથી.

તેમ છતાં તેને મંજૂરી આપી દેવામાં આવી તેની પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની જીદ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોવિશીલ્ડ શુદ્ધ ભારતીય રસી નથી, કારણ કે તેની ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરી છે અને તેનું માર્કેટિંગ એસ્ટ્રાઝેનેકા નામની વિદેશી કંપની કરવાની છે. સિરમ ઇન્સ્ટ્ટ્યૂટ તેની ભાગીદાર છે. ભારત બાયોટેક સ્વદેશી કંપની છે.

તેણે જે કોવેક્સિન તૈયાર કરી છે તે સરકારી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગમાં તૈયાર કરી છે. કોઈ વિદેશી કંપનીની રસીને મંજૂરી આપતી વેળાએ સમતુલા રાખવા ભારતીય કંપનીની વેક્સિનને પણ સરકારે મંજૂરી આપી હતી. જો કે ભારત બાયોટેક સ્વદેશી કંપની છે તો પણ તેના નિર્માણમાં વિદેશી સંસ્થાઓનો મોટો ફાળો છે. હૈદરાબાદમાં ફેક્ટરીની સ્થાપના માટે બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશને મોટું દાન આપ્યું હતું.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ તેની કોવિશીલ્ડનું યુરોપના દેશોમાં પણ વેચાણ કરવાની છે. ત્યાં તેનો ભાવ ચારથી પાંચ ડોલર રાખવામાં આવશે. ભારતમાં તેથી અડધી કિંમતે સરકાર રસી ખરીદશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ સરકારને ૨૦૦ રૂપિયાના ભાવે રસીનો ડોઝ વેચશે, પણ તે ખુલ્લા બજારમાં તેની કિંમત ૧,૦૦૦ રૂપિયા રાખશે.

તેણે સરકાર પાસે તેની પરવાનગી પણ માગી છે. અહીં સવાલ એ થાય કે જ્યારે સરકાર મફતમાં કે ટોકન કિંમત લઈને રસી આપવાની હોય તો ૧,૦૦૦ રૂપિયાનો ડોઝ કોણ ખરીદશે? અહીં ભારતના શ્રીમંતોની માનસિકતા કામ કરશે. તેઓ માને છે કે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતી કોઈ પણ ચીજ હલકી હોય છે. માટે મફતમાં સરકારી રસી લેવાને બદલે તેઓ ખાનગી હોસ્પિટલોમાં ઊંચી કિંમત ચૂકવીને રસી લેવા દોડશે.

વળી સરકાર પહેલા તબક્કામાં ૩૦ કરોડ નાગરિકોને જ અગ્રિમતાના ધોરણે રસી આપવાની છે. તેમાં જેઓ રહી જતા હશે તેઓ તાત્કાલિક રસી લેવા પ્રાઈવેટ હોસ્પિટલો તરફ દોટ મૂકશે. તેમાં રસી બનાવતી કંપનીઓને અઢળક કમાણી કરવાની તક મળી જશે.

ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સિવાય બીજી પાંચ ખાનગી કંપનીઓ પણ કોરોનાની રસી બનાવી રહી છે. ભારત સરકાર જો ૧૩૦ કરોડ નાગરિકોને ૨૬૦ કરોડ ડોઝ આપવા માગતી હશે તો તેણે આ દરેક કંપનીઓ પાસેથી રસીના કરોડો ડોઝ ખરીદવા જ પડશે.

સરકાર દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિનને ઉતાવળે મંજૂરી આપી દેવામાં આવી તેને કારણે ડોક્ટરો અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરો રસીની સલામતી બાબતમાં આશંકિત બની ગયા છે. એક અંગ્રેજી અખબાર દ્વારા જ્યારે બેંગ્લોરના ડોક્ટરોનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે બે તૃતિયાંશ ડોક્ટરોએ કહ્યું કે તેઓ રસી લેતાં પહેલાં સલામતી બાબતના રિપોર્ટની રાહ જોશે.

કોવેક્સિનને જે મંજૂરી આપવામાં આવી છે તે ક્લિનિકલ ટ્રાયલ તરીકે આપવામાં આવી છે. જે નાગરિકો ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેતા હોય છે તેમનો કંપની દ્વારા વીમો ઉતરાવવામાં આવે છે. તો શું જેઓ કોવેક્સિન લેશે તેમનો પણ વીમો ઉતારવામાં આવશે? જો તેમને વેક્સિનથી કોઈ નુકસાન થશે તો વળતર મળશે? તેવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. સરકાર દ્વારા કોવેક્સિન લેનારાનું ટ્રેકિંગ કરવામાં આવશે. આ ટ્રેકિંગ કઈ રીતે કરવામાં આવશે? શું ટ્રેકિંગ માટે વેક્સિન લેનારાના શરીરમાં કોઈ ચીપ બેસાડવામાં આવશે?

શું સ્માર્ટ ફોન દ્વારા તેનું ટ્રેકિંગ કરવામાં આવશે? જેનું ટ્રેકિંગ કરવામાં આવશે તેનો પ્રાઇવસીનો અધિકાર પણ ખતરામાં આવી જવાનો ડર પેદા થશે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તો જાહેર કર્યું છે કે તેમને વેક્સિન લેવાની ઉતાવળ નથી. જો રાજ્યના મુખ્ય પ્રધાન પોતે વેક્સિન લેવા ન માગતા હોય તો તેની જનતા કેવી રીતે વેક્સિન લેવા તૈયાર થાય?

ભારતમાં ફાઇઝર જેવી કંપની દ્વારા એમ.આર.એન.એ. પ્રકારની વેક્સિન માટે પણ પરવાનગી માગવામાં આવી છે. ફાઇઝર કંપનીને બ્રિટનમાં અને અમેરિકામાં કટોકટીમાં ઉપયોગના કાયદા હેઠળ પરવાનગી મળી ગઇ છે, પણ ભારતમાં પરવાનગી મળી નથી.

જો ફાઇઝર કંપનીને ભારતમાં વેક્સિન વેચવાની પરવાનગી મળશે તો ભારત સરકાર તે વેક્સિન ખરીદે તેવી સંભાવના ઓછી છે, કારણ કે તેની કિંમત વધુ હશે. ભારતમાં ફાઇઝરની વેક્સિનની કિંમત બે હજારથી પાંચ હજાર રૂપિયા રહેશે. આ કિંમત શ્રીમંતોને જ પરવડશે તેવી હશે. શક્ય છે કે ફાઇઝરની રસીને જ્યારે પણ પરવાનગી આપવામાં આવે ત્યારે તે શ્રીમંતો માટે સ્ટેટસ સિમ્બોલ બની જશે.

રસી પાછળ ભારત સરકાર ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરશે. બીજા લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો જનતા કરશે. હવે લાખ કરોડ રૂપિયાનો સવાલ એ છે કે રસી લીધા પછી પણ કોરોનાના આક્રમણથી પ્રજા મુક્ત થશે ખરી? જો રસી લીધા પછી પણ કોરોનાનો ખતરો કાયમ રહેવાનો હોય અને આપણે કાયમ માટે માસ્ક પહેરી રાખવાનો હોય તો રસી લેવાનો મતલબ શું? ૧૩૦ કરોડની જનતાને કોરોનાની રસી આપવા પાછળ સરકારનું ખરું પ્રયોજન જ સમજાતું નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top