Business

ચૂંટણી પરિણામના ટ્રેન્ડ શેરબજારને ન ગમ્યા, રોકાણકારો કાલે જેટલું કમાયા હતા તેનાથી વધું આજે ગુમાવ્યું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ આજે તા. 4 જૂનની સવારે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ શેરબજારને મત ગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ ગમ્યા નથી અને શેરબજાર ખરાબ રીતે ભોંય ભેગું થયું છે.

આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1700 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. અગાઉ એક્ઝિટ પોલના અંદાજો બાદ સોમવારે બજારમાં બંને સૂચકાંકોમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો.

પ્રી-ઓપન માર્કેટમાં BSE સેન્સેક્સ 647.75 પોઈન્ટ વધીને 77,116.53 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી ઈન્ડેક્સ 172.55 પોઈન્ટના વધારા સાથે 23,436.45 ના સ્તર પર ખુલ્યો હતો. પરંતુ થોડી જ વારમાં તે લપસી ગયો અને સેન્સેક્સ 183 પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ લપસી ગયો હતો.

આજે જ્યારે શેરબજાર સવારે 9.15 વાગ્યે ખુલ્યું તો સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ તૂટ્યા હતા. સેન્સેક્સ 1708.54 અથવા 2.23 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 404 પોઈન્ટ ઘટીને 22,859 પર ખુલ્યો હતો, ટ્રેડિંગની 15 મિનિટ દરમિયાન આ ઘટાડો વધુ ઝડપી બન્યો હતો અને સમાચાર લખાય છે ત્યાં સુધી સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 2700 પોઈન્ટ્સ ગબડ્યો હતો.

ચૂંટણીના પરિણામો પહેલા સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરનો સેન્સેક્સ 2000 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 76,738.89 ના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 2507.47 પોઈન્ટ્સ અથવા 3.39 ટકાના ઉછાળા સાથે 76,468.78 ના સ્તર પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં 23,338.70ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, બજાર બંધ સમયે નિફ્ટી 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકાના વધારા સાથે 23,263.90 પર બંધ થયો હતો. માર્કેટમાં આવેલી તેજીને કારણે ગઈકાલે રોકાણકારોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Most Popular

To Top