અમદાવાદ: લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં ગઈ તા. 6 મેના રોજ અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાના ધમકીભર્યા ઈ-મેઈલ આવ્યા હતા, જેના લીધે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. આ ધમકીભર્યા ઈ-મેઈલ પાકિસ્તાનથી કરાયા હોવાનો દાવો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે.
થોડા સમય પહેલાં સુરતના વીઆર મોલ ત્યાર બાદ દિલ્હીની સ્કૂલો અને ગઈ તા. 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમીક ઈ-મેઈલ દ્વારા અપાઈ હતી. ઈ-મેઈલ મળ્યા બાદ અમદાવાદ પોલીસે તમામ સ્કૂલો પર ચેકિંગ કર્યું હતું, પરંતુ ક્યાંય બોમ્બ મળ્યા નહોતો. ત્યાર બાદ બીજે દિવસે તા. 7 મેના રોજ ગુજરાતમાં ચૂંટણી હોય પોલીસ તેના બંદોબસ્તમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
ચૂંટણી પુરી થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી છે. પોલીસે એ શોધી કાઢ્યું છે કે આ ધમકીભર્યા ઈ-મેઈલ પાકિસ્તામાંથી આવ્યા હતા. પહેલાં પોલીસે કહ્યું હતું કે, આ ઈ-મેઈલ રશિયન ડોમેઈન પરથી આવ્યા છે, પરંતુ હવે ક્રાઈમ બ્રાન્ચ તે ઈ-મેઈલ પાકિસ્તાનથી આવ્યા હોવાનો દાવો કરે છે. એક જ અઠવાડિયામાં કેસની તપાસ રશિયાથી પાકિસ્તાન તરફ ફંટાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદ લે તેવી શક્યતા છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ ધમકીમાં આઈએસનો હાથ હોય તેવું લાગતું નથી. જોકે, દિલ્હી અને ત્યાર બાદ ગુજરાતની સ્કૂલોને એક જ ડોમેઈનથી ધમકીભર્યા ઈ-મેઈલ કરાયા હતા. આમ, બંને શહેરોને ધમકી પાકિસ્તાનથી જ મળી હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
શું લખ્યું હતું ઈ-મેઈલમાં?
આ ઈ-મેઈલ તૌહીદ વોરીઓરના નામથી આવ્યો હતો. સવારે 7 વાગ્યે એક સ્કૂલને મેઈલ આવ્યો ત્યાર બાદ એક બાદ એક આખા શહેરમાં 28થી વધુ સ્કુલોને આવા ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. મેઈલમાં લખ્યું હતું કે, ઈસ્તીશાદી આખા શહેરમાં ફેલાઈ ગઈ છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ પ્રતિકાર કરનારા તમામને મારી નાંખશે. અમારું ધ્યેય ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારે શરણે થાવ અથવા મરી જાઓ. અમે તમારા જીવનને લોહિયાળ નદીમાં ફેરવી નાંખીશું.