SURAT

સુરતમાં નવસારી બેઠકના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન, કહ્યું અમે ભલે ચાલી ન શકીએ..

સુરત: કોઈ ગરમી તો કોઈ આળસનું બહાનું કરીને વોટિંગ કરવાનું ટાળતા હોય છે ત્યારે નવસારી લોકસભા બેઠકના સુરતના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ લાકડી કે વ્હીલચેરની મદદથી મતદાન મથકો સુધી પહોંચી મતદાન કરી અન્યોને પ્રેરણા આપી છે. આ દિવ્યાંગ અને વૃદ્ધોની ચૂંટણી તંત્રના સ્ટાફ અને પોલીસે ખૂબ મદદ કરી હતી. આ અશક્ત મતદારોએ કહ્યું કે, ભલે અમે ચાલી ન શકતા હોય પરંતુ અમને એ વાતનું ગર્વ છે કે દોડતી સરકાર રચવામાં અમારો એક મત ઉપયોગી નિવડશે.

લોકશાહીનું પર્વ એટલે મતદાન. સરકારને ચૂંટવા માટેની લોકશાહીની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે. ત્યારે આજે લોકસભાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાનમાં દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દિવ્યાંગ મતદાતાઓએ કહ્યું કે, અમે ભલે ટેકે ચાલતાં હોઈએ પરંતુ અમે ચૂંટણી સરકાર સતત દોડતી રહશે. તેના માટે જ અમે મતદાન કર્યું છે.

દેવાંગી ચાવડાએ કહ્યું કે, હું છેલ્લા ચારેક ચૂંટણીથી મતદાન કરુ છું. હું દેશ માટે મત આપી રહી છું. ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે કે, આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણો અમૂલ્ય મત આપવો જોઈએ. કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે. આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવણી આપણો અબાધિત અધિકાર છે.

મતદાન મથકો પર દિવ્યાંગો માટે વ્હીલચેરની ખાસ વ્યવસ્થા
દિવ્યાંગો માટે મતદાન મથક પર વ્હીલચેર મુકવામાં આવી છે. દિવ્યાંગોની વ્હિલચેર છેક મતદાન બૂથ સુધી પહોંચી જાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મતદાન બૂથ પર દિવ્યાંગોને માન સન્માન સાથે સુરક્ષાકર્મીઓ પણ મદદરૂપ બનતાં હોવાનું સામે આવી રહ્યું છે.

Most Popular

To Top