નવી દિલ્હી: છત્તીસગઢના (Chhattisgarh) બેમેટારા જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road accident) થયો હતો. જેમાં એક પીકઅપ વાન (Pickup Van) અને મિની ટ્રક (Mini Truck) વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા. જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે જાણકારી આપતા પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા ગામમાં પેટ્રોલ પંપ પાસે થયો હતો. જેમાં રોડ કિનારે પાર્ક કરેલી મીની ટ્રક સાથે પીકઅપ વાન અથડાતા આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
અગાઉ મૃત્યુઆંક 10 જણાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં જાણકારી સાંપડી હતી કે અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. તેમજ આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાયું હતું. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા હતા. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ, બેમટારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
રસ્તાની બાજુમાં એક ટ્રક ઉભી હતી, જેને લોકોથી ભરેલા પીકઅપે ટક્કર મારી હતી. તમામ લોકો એક કેમીલી ફંગશનમાં હાજરી આપીને તિરૈયા ગામથી તેમના ગામ પાથરા પરત ફરી રહ્યા હતા. હાલ કલેક્ટર એસપી અને એસડીએમ પ્રશાસન ઘટના સ્થળે હાજર રહ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત રવિવારે મોડી રાત્રે કાઠિયા ગામ નજીક થયો હતો, જ્યારે પીડિતો પરિવારના છઠ્ઠી કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમજ મૃતકોની ઓળખ ભૂરી નિષાદ (50), નીરા સાહુ (55), ગીતા સાહુ (60), અગાનિયા સાહુ (60), ખુશ્બુ સાહુ (39), મધુ સાહુ (5), રિકેશ નિષાદ (6) અને ટ્વિંકલ નિષાદ (6) તરીકે થઈ છે. તેમજ એકની ઓળખ થવાની બાકી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 11 ઘાયલોને બેમેતરા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 8 મૃતકો અને 12 ઘાયલોને સિમગા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. તેમજ ઘણાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.