તા નામની આ જમાત આજકાલ ભારતનાં વિવિધ રાજ્યોનાં શહેરોથી લઈને નાનાં ગામડાંઓની શેરીઓમાં પણ જોવા મળી રહી છે. એવું કહેવાય છે કે, દર પાંચ વર્ષે આ જમાત, આ સમયે અચાનક પ્રગટ થઈ જાય છે. એવું કહેવાય છે કે, એની ચામડી જાડી હોય છે, સ્વમાન જેવું કાંઈ હોતું નથી અને અત્યારે લોકો સામે દરેક પ્રકારના ડ્રામા કરી શકે છે. છેલ્લા થોડા દિવસોથી આ જમાતના અનેક રંગરૂપ જોવા મળી રહ્યાં છે! રંગરૂપ પણ કેવાં – કોઈ ઘઉંનાં ખેતરોમાં થઈ રહેલી કાપણીમાં જોતરાયેલું જોવા મળે છે તો કોઈ ગલીના નાકે સમોસા તળી રહ્યું છે! કોઈ ઘાસ કાપી રહ્યું છે તો કોઈ ચાઇનીસ ચાઉમિન બનાવી રહ્યું છે! અલબત્ત, આટલું જ નહીં, આ જમાત એટલી નીચી ઊતરી ગઈ છે કે, તમે કહો તો તમારી દાઢી પણ બનાવી આપવા તૈયાર છે! એવું થયું પણ છે! એક નેતા મતદારની દાઢી બનાવતાં પ્રચાર કરી રહેલા જોવા મળ્યા છે!
ચૂંટણી આવતા જ નેતાઓને જનતા યાદ આવવા લાગે છે. પછી નેતાનું વાહન શહેરોથી ગામડાંઓમાં ફરે છે. ચૂંટણી રેલીઓ, નિવેદનો, આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરૂ થાય છે. આ વખતે પણ ઉમેદવારો દ્વારા ચૂંટણીપ્રચાર માટે અનોખી પદ્ધતિઓ અજમાવવામાં આવી રહી છે. જનતા સાથે ભાવનાત્મક રીતે જોડાવા માટે, નેતાઓ તેમને આકર્ષવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી વિવિધ નાટકો ભજવી રહ્યા છે. એક નેતા તો વાળંદ બનીને વાળ કાપતા પણ જોવા મળ્યા હતા!ચાલો એક લટાર આપણે પણ મારીએ આ નેતાઓના પ્રચાર ડ્રામાની ગલીઓમાં. સૌથી પહેલી વાત રાહુલ ગાંધીની. હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના શહડોલમાં રાત વિતાવી હતી. અહીં તેણે એક ઢાબા પર ભોજન લીધું હતું.
બીજા દિવસે, તેઓ ઉમરિયા તરફ આગળ વધ્યા હતા ત્યારે તેણે કેટલીક આદિવાસી મહિલાઓને મહુઆનાં ફૂલો વીણતી જોઈ હતી. રાહુલ ગાંધી કારમાંથી નીચે ઊતર્યા હતા અને મહિલાઓ સાથે ફૂલ વીણવા લાગ્યા હતા. તેમણે મહિલાઓ સાથે તેમના જીવન વિશે ચર્ચા કરી હતી અને તેમની સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરી હતી. આ એક પ્રકારે લોકસભા ચૂંટણી આવી રહી હોવાથી લોકોની ચિંતા નેતાઓને થવા લાગી છે.
આગળનો કિસ્સો વાંચશો તો આશ્ચર્ય જરૂર થશે! બિહારના દિગ્ગજ BJP નેતા અને સારણ લોકસભા સીટના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડી પણ આ યાદીમાં સામેલ છે. તેણે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ચૂંટણીપ્રચાર દરમિયાન એક ગામમાં એક લારીમાં લોકોને ચાઉમીન બનાવીને ખવડાવતાં જોવા મળે છે! આ નેતાજીએ કદાચ તેમના ઘરે પાણીનો પ્યાલો પણ ક્યારેય નહીં ભર્યો હોય પણ અહીં ચાઉમીન બનાવવાનો ડોળ કર્યો હતો!
રાજીવ પ્રતાપ રૂડીને છોડો સમાજવાદી પક્ષના આ નેતાની વાત કરીએ. અન્ય ઉમેદવારોની જેમ સમાજવાદી પાર્ટીના ઈટાવા લોકસભા સીટના ઉમેદવાર જીતેન્દ્ર દોહરા પણ જનતાની વચ્ચે જઈને વોટ માગી રહ્યા છે. તેમણે સામાન્ય લોકોની રોજિંદી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેમની સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં સપાના નેતા ચૂંટણીપ્રચાર દરમિયાન એક ગામમાં મહિલાઓ સાથે ઘાસચારો કાપતા જોવા મળ્યા હતા. જીતેન્દ્ર દોહરા મતની અપીલ કરવા વહેલી સવારે ગામડાના પ્રવાસે નીકળ્યા હતા અને ત્યાં એવો પ્રયાસ પણ કરી જોયો હતો. આ વાત તો સામાન્ય નેતાઓની થઈ. હવે તમને એક ઉદાહરણ એવા નેતાનું આપીએ છીએ જેણે ગોલ્ડન સ્પૂન (સોનાની ચમચી) સાથે જન્મ લીધો હતો એવા રાજઘરાનાના એક યુવરાજે તો ભારે કરી હતી! ઉમેદવારોની સાથે તેમનાં બાળકો પણ ચૂંટણીપ્રચારમાં જોતરાઈ રહ્યાં છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયા લોકો વચ્ચે પોતાના પિતા માટે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન રાજઘરાનાના આ યુવરાજ સમોસા તળતા અને ભજન ગાતા જોવા મળ્યા હતા! અલબત્ત, અહીં પણ મહાઆર્યમન પિતા માટે સામાન્ય મતદારોમાં તેમના જેવા દેખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ખરેખર આ યુવરાજ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સના ગ્રેજ્યુએટ છે! BJPના એક ઉમેદવારે તો ઘઉંના પાકની કાપણીમાં જોતરાઇને મતદારોના દિલ જીતવાની કોશિશ કરી હતી. કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર ભૂપેન્દ્ર યાદવ ચૂંટણીપ્રચાર દરમિયાન મુંડાવર પહોંચ્યા હતા. ત્યાં ખરેટા ગામમાં તે અચાનક ખેતરમાં પહોંચી ગયા હતા અને મહિલાઓની મદદ કરવા લાગ્યા હતા! હાલમાં અલવર અને આસપાસના વિસ્તારોમાં ઘઉંના પાકની કાપણી ચાલી રહી છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવતા ભૂપેન્દ્ર યાદવે મહિલાઓની સાથે ખેતરમાં ઘઉંની કાપણી કરવાનું શરૂ કર્યું હતું. આકરા તાપમાં ભૂપેન્દ્ર યાદવને ખેતરોમાં કામ કરતા જોઈને લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. મહિલાઓએ ભૂપેન્દ્ર યાદવ ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
આ ભૂમિકામાં મામાએ હદ કરી નાખી હતી! નહીં સમજ્યા!? મામા એટલે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ. મામાએ જે કામ કર્યું એ તમને હસાવશે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણીપ્રચારના સંદર્ભમાં રાયસેન જિલ્લામાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે આદિવાસી ગામ પ્રતાપગઢમાં તેમની ‘લાડલી બહેનો’ સાથે બેસીને સ્થાનિક ભાષામાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું! અલબત્ત, મામા આટલેથી અટક્યા ન હતા, વાજિંત્રો પણ તેમણે જાતે વગાડ્યાં હતાં! BJPએ વિદિશાથી શિવરાજ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. BJPના ઉમેદવારો વિવિધ નાટક કરી શકતાં હોય તો કોંગ્રેસ કેમ પાછળ રહે, કોંગ્રેસ તો દેશની જૂની પાર્ટી છે, તેના નેતાઓને તો આવા નાટકો કરવાનો બહોળો અનુભવ છે. મથુરાના નૌગાંવ પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ધનગરે અચાનક ઘાસના પૂળા ઉઠાવતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેને લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેઓએ દાવો કર્યો હતો કે મથુરાના લોકોના આશીર્વાદ તેમની સાથે છે. મુકેશ ધનગર મથુરાથી BJPનાં સાંસદ હેમા માલિની સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ પણ છે. ચૂંટણીપંચે UPના અલીગઢથી અપક્ષ ઉમેદવાર પંડિત કેશવ દેવને ચૂંટણીચિહ્ન તરીકે ‘ચપ્પલ’ની ફાળવણી કરી છે. તેને મળેલાં ચિહ્નને કારણે લોકો તેની મજાક ઉડાવે તેવી શક્યતા હતી પણ કેશવ આ રમતના અઠંગ ખેલાડી નીકળ્યા! તેમણે લોકોને આવી કોઈ તક ન આપી. તેણે પોતે જાતે જ ચપ્પલની માળા બનાવી અને બાદશાહીથી ગળામાં પહેરીને નીકળી પડ્યા પ્રચાર કરવા! હવે તેઓ સામાન્ય લોકોની સાથે મીડિયાનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. અને અપક્ષ ઉમેદવાર પરિરાજને તો બાપા, ભારે કરી છે! તેઓ તમિલનાડુની રામનાથપુરમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પરિરાજને પ્રચારની અનોખી રીત શોધી કાઢી છે. પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે તેઓ એક સલૂન પહોંચ્યા હતા અને ત્યાં હાજર લોકોને વૅલ પણ કાપી આપ્યા હતા અને લોકોની દાઢી પણ બનાવી આપી હતી! બોલો, હવે તમારે કાંઈ કહેવું છે!?
સૌથી મોટા ‘ડ્રામેબાજ’!!
By
Posted on