અયોધ્યા: આજે રામ નવમીનો (Ram Navami) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામ નવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના નિર્માણ બાદ રામ લલાની આ પહેલી રામ નવમી છે. જેના કારણે આજે રામ લલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. તેમજ રામ લલાનો સૂર્ય અભિષેક (Surya Abhishek) કરવામાં આવ્યો હતો. તેમજ આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
મંત્રોચ્ચાર વચ્ચે રામલલાનું દિવ્ય સૂર્ય તિલક થયું
આ સમયે રામ મંદિરમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આસ્થા અને વિજ્ઞાનના સંગમ સાથે રામલલાનો સૂર્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, રામલલાનું મસ્તક સૂર્યના કિરણોથી ચમક્યું હતી. 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામનો સૂર્ય અભિષેક થયો હતો.
લગભગ સાડા ત્રણ મિનિટ સુધી રામલલાના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું. સીબીઆરઆઈ, રૂરકીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અનુસાર, સૂર્યતિલકનું કદ 58 મીમી છે. તેમણે કહ્યું કે રામ લલ્લાના કપાળની મધ્યમાં તિલક લગાવવાનો યોગ્ય સમયગાળો લગભગ ત્રણથી સાડા ત્રણ મિનિટનો છે. જેમાંથી બે મિનિટ માટે સંપૂર્ણ પ્રકાશ હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે સૂર્ય તિલક વખતે ભક્તોને રામ મંદિરની અંદર જવા દેવામાં આવ્યા હતા. આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 100 જેટલા LED અને સરકાર દ્વારા 50 LED લગાવવામાં આવ્યા હતા. તેમાં રામ નવમીની ઉજવણી દર્શાવવામાં આવી હતી. મંદિર પરિસરની આસપાસ હાજર લોકો આ ઉજવણી જોઈને ભાવુક થઈ ગયા હતા. જો આકાશ સ્વચ્છ હોય તો આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ હતી.
રામ લલાનો અભિષેક
રામ નવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ તેમનો ચરણામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો. જેની તરવીરો શેર કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે “આજે, શ્રી રામ નવમીના શુભ દિવસે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામ લલાનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો”.
રામ લલાનો દિવ્ય પોષાક
આજના ખાસ પ્રસંગ માટે રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો હતો, જે પીળા પીળા રંગનો હતો. જેમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યા છે.
રામલલાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલાના કપડા તૈયાર કરવામાં 20 થી 22 દિવસનો સમય લાગે છે. રામલલાના કપડામાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી વસ્ત્રો અંદરથી નરમ રહે.