1લી એપ્રિલ આવે એટલે સૌના મનમાં આ ગીત ચોક્કસ જ યાદ આવે ‘એપ્રિલ ફૂલ બનાયા, તુમકો ગુસ્સા આયા’ આપણા એક નિર્દોષ આનંદ લૂંટવાનો દિવસ છે કોઇને ખોટુ લાગતુ નથી. સૌ હળવાશથી મજાકને માણે છે. હા, કયારેક કોઇ ઉતરી પડે તો થોડીક શાબ્દિક બોલાચાલી થાય ખરી. પરંતુ પછી સૌમજાકના મુડમાં આવી જાય છે. આ તો 50 વર્ષ પહેલાનો કિસ્સો મને યાદ આવે છે. અમારી સોસાયટીમાં અમે 31 માર્ચે આજુબાજુ રહેતા બેનોને કહ્યું કે આવતી કાલે અમારે ત્યાં પાપડ વણવાના છે તમે સવારે જેમ બને તેમ વહેલા પાપડ વણવા આવી જજો.
તે સમયમાં તૈયાર પારડ વાપરવાનો રિવાજ ઓછો હતો. માનો કે નહીવત હતો. તો એ લોકો તો સવારમાં વહેલા મારા ઘરે પાપડ વણવા માટે આવી પહોંચ્યા અને પૂછયુન કે કેમ પાપડની કોઇ તૈયારી દેખાતી નથી? આમ પૂછતાની સાથે જ અમે ઘરના સૌ જોરથી હસી પડયા એટલે એ લોકોને પણ ખ્યાલ આવ્યો કે ઓહોહો આજે તો 1લી એપ્રિલ છે અને અમે તો એપ્રિલ ફૂલ બની ગયા છીએ. પછી બધા સાથે મળીને ખૂબ હસ્યા. ચા પાણી કરીને છૂટા પડયા. સૌ સૌના ઘરે ગયા. આ વાતને તો ઘણા વર્ષો થયા પરંતુ આજે પણ 1લી એપ્રિલ આવે છે ત્યારે આ કિસ્સો અચૂક યાદ આવે જ છે. આમ એપ્રિલ ફૂલની મજા માણવાની પણ એક મજા હતી.
સુરત – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ હજુ પણ ઘણા વધારે જ છે
તાજેતરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા એકસોનો ઘટાડો કર્યો છે. જેથી સબસીડી વગરના 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 903થી રૂપિયા 803 થયો છે. પરંતુ હજુ પણ આ સિલિન્ડરના ભાવ ઉંચા જ ગણાય. આપણા દેશમાં ધનિક વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે. સરકારનું કાયમી એ દાયિત્વ રહેવું જોઇએ કે દેશના ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવાર વ્યકિતનું ઉત્થાન થાય. આ લક્ષમાં લેતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો કરવો જોઇએ. પેટ્રોલ-ડિઝલના ભાવ ઉંચા હોવાથી જીવનજરૂરિયાતની દરેક ચીજવસ્તુની હેરફેર મોંઘી બની રહેતા આવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બનતા આ મોંઘવારીનો સામનો તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને કરવો પડી રહ્યો છે. આ બાબતને લક્ષમાં લઇ સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો કરશે??
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.