નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર બે મહિના અગાઉ પેસેન્જર વાનની રાહ જોતા યુવાનને લીફ્ટ આપી તેની પાસે રહેલો મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી (Loot) નાસી જનાર આરોપીઓ પૈકી એકને નવસારી પોલીસે ઝડપી પાડ્યો છે.
- હાઈવે પર મુસાફરોને લીફ્ટ આપી લૂંટ ચલાવનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
- નવસારી ગ્રામ્ય પોલીસ મથક અને સુરતનાં ઉધના પોલીસ મથકનો ગુનો ઉકેલાયો
મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી હાઈવે પર કારમાં મુસાફરોને બેસાડી લીફ્ટ આપવાના બહાને રોકડા રૂપિયા તેમજ મોબાઈલની લુંટ કરનાર મુખ્ય આરોપી તબરેજ શાહ મહારાષ્ટ્રના પુણે ખાતે હાજર છે. જેથી પોલીસે એક ટીમ બનાવી મહારાષ્ટ્રના પુણે જઈ કાશીવાડી ભવાનીપેઠ વિસ્તારમાંથી આરોપી તબરેઝ સલીમ મુસા શાહને ઝડપી પાડયો હતો. પોલીસે તબરેઝની પૂછપરછ કરતા ગત 23મી જાન્યુઆરી 2023 ના રોજ નેશનલ હાઈવે નં. 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતા રોડની બાજુમાં આવેલી રામદેવ હોટલ પાસે યુવાનને લીફ્ટ આપી લૂંટી લીધો હતો.
તબરેઝ તેના સહ આરોપીઓએ યુવાને ડરાવી માર મારી તેની પાસેથી રોકડા 37 હજાર રૂપિયા અને 5 હજારનો મોબાઈલ મળી કુલ 42 હજારની લૂંટ ચલાવી હતી. તેમજ નવ મહિના અગાઉ સુરત ઉધના વિસ્તારમાં પોતાના સહ આરોપીઓ સાથે મળી રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું કબુલતા નવસારી ગ્રામ્ય પોલીસ અને સુરતના ઉધના પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.