Entertainment

ટીના મુનિમની કહાણી પરથી કોઇ ફિલ્મ બનાવો

ના મુનીમ આ 11મી ફેબ્રુઆરીએ જ 67 વર્ષની થઇ. 1991માં તે અનિલ અંબાણી સાથે પરણી પછીની જિંદગી જૂદી છે અને ઉદ્યોગૃહોમાં ઉપર-નીચે ચાલ્યા કરે એટલે ટીનાની ચર્ચા હવે ખાસ થતી નથી. અંબાણી કુટુંબનું જાહેર જીવનમાં પ્રતિનિધિત્વ મુકેશ અને નીતા અંબાણી જ કરે છે.
પણ ટીનાની આ લગ્ન પહેલાની પણ જિંદગી રહી છે ને તેમાં ય ઘણી કહાણી છે. મૂળ તેનું નામ નિવૃત્તિ હતું અને માતાપિતાનું સાતમું સંતાન હતી. તેના માતા પિતા સાતમા પછી કોઇ બાળક નહોતા ઇચ્છતા એટલે દિકરીનું નામ નિવૃત્તિ રાખેલું જો કે બધાને બોલવાનું ફાવે નહીં એટલે નિવૃતિના બદલે ટીના નામે સંબોધાવું શરૂ થયું અને નિવૃત્તિ નામ નિવૃત થઇ ગયું.
દેવ આનંદે તેને પહેલીવાર ‘દેશપરદેશ’માં તક આપી અને પછી સુભાષ ઘઇની ‘કર્ઝ’ જેવી ફિલ્મ મળી. દેવઆનંદે તેને ‘મનપસંદ’ ‘લૂટમાર’ વગેરેમાં ફરી સ્થાન આપ્યું ત્યાં સુધીમાં તેને વધુ ફિલ્મો મળવા લાગેલી અને સુનીલ દત્તે પોતાના દિકરા સંજય દત્ત માટે ‘રોકી’બનાવવી હતી ત્યારે હીરોઇન તરીકે ટીના મુનીમને પસંદ કરી.એવું અનેકવાર બન્યું છે કે ઘણા હીરો તેમની પહેલી હીરોઇનના પ્રેમમાં પડયા હોય તેમ સંજયદત્ત – ટીના મુનીમનું પણ થયું. પણ રાજેશ ખન્નાના સ્ટાર તરીકે ઢળતા દિવસોની એક એકદમ આગ લગાડતી પ્રેમ કહાની ટીના સાથેની જ છે. બંનેની ‘સૌતન’ ફિલ્મ ખૂબ સફળ રહેલી અને ‘અધિકાર’, ‘બેવફાઈ’, ‘રાજપૂત’માં કામ કરેલું. રાજેશ ખન્નાની ઉંમર ટીના મુનીમથી 15 વર્ષ વધારે હતી. પણ આમ તો ડિમ્પલ કાપડિયા પણ રાજેશ ખન્નાથી 15 વર્ષ નાની જ હતી. રાજેશ ખન્ના-ટીના મુનીમ પ્રેમમાં હતા ત્યારે ડીમ્પલ કાપડિયા ઘણીવાર રાજેશ ખન્ના ટીના મુનીમની ફિલ્મના સેટ પર જતી પરંતુ તેને ખબર નહીં કે આબંને પ્રેમમાં છે. જો કે બનેના સંબંધ પૂરા થયા પછી ટીનાએ એકવાર ટિપ્પણ કરેલી કે ‘કાકામાં કોઇને પ્રેમ કરવાની ક્ષમતા ન હતી. તે ફકત પોતાના જ પ્રેમમાં હતા. વાત તો સાચી દિલીપકુમાર જેવું જ.
બાકી ટીનામાં તેને ચાહનારા પુરુષ પ્રત્યેનો સમર્પણ ભાવ હતો એટલે સંજય દત્તને પણ તેના ખરાબ દિવસોમાં ખૂબ સાચવ્યો. જયારે થયું કે આ સંબંધનું પણ કાંઇ થાય તેમ નથી ત્યારે શાણપણ દાખવી તે પરણી ગઇ. ટીના ગુજરાતી હતી તો અનિલ અંબાણી પણ ગુજરાતી હતા. 1991માં તેઓ પરણ્યા ને હવે એ લગ્નને 34 વર્ષ થયા છે. રાજેશ ખન્નાએ જો ડિમ્પલથી છૂટાછેડા લીધા હોત તો તેને પરણી હોત પણ તેણે તેમ ન કર્યું. તો ટીના રઝળવા માંગતી નહોતી. ટીના અને અનિલ એકબીજાને પસંદ કરવા માંડયા પછી અનિલે વિધીવત રીતે ધીરુભાઈ અને કોકિલાબેન સામે ટીનાનો પરિચય કરાવ્યો હતો. બીજી ફેબ્રુઆરી 1991માં તેઓ બંને પરણ્યા ત્યારે દેશ આખામાં ચર્ચા હતી. આજે તેઓ જય અનમોલ અને જય અંશુલ માતા-પિતા છે. ટીના વધારે ફિલ્મોમાં કામ કરી શકી હોત પણ તેનું ફોકસ રહ્યું ન હતું. હા, લગ્ન પછી તેણે હાર્મની આર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી ચિત્રકળા માટે કામ કરવાના પ્રયત્નો કરેલા.
તેણે આ સિવાય પણ સામાજિક પ્રવૃત્તિઓ કરી છે પણ લોકો માટે તો તે અભિનેત્રી અને અનિલ અંબાણીની પત્ની છે એટલું જ પૂરતું છે. તેના લગ્નના વર્ષે ‘જિગરવાલા’ ફિલ્મ આવી હતી તે તેની છેલ્લી ફિલ્મ પૂરવાર થઇ. ટીના અંબાણી જો આત્મકથા લખે તો સાચે જ ખૂબ રસપ્રદ હોય શકે. ટીના અંબાણીમાં પોતાની જિંદગી અને પોતાના જીવનમાં આવેલા પુરુષોને સમજવાની ઘણી ક્ષમતા છે. તે હાર્યા વિના સપના જોનારી અને પાર પાડવા માટે લડનારી સ્ત્રી રહી છે. અત્યારે તેની ચર્ચા બહુ ન થતી હોય તો ન થાય પણ તેથી ટીના અંબાણી કોઈ ટીના અંબાણી મટી જતી નથી. •

Most Popular

To Top