બારડોલી: (Bardoli) રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આગામી તા.10મીના રોજ બારડોલી ખાતે આવી રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા બારડોલી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્માના ધારાસભ્ય અને માજી કેન્દ્રીય પ્રધાન ડો.તુષાર ચૌધરી અને માજી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં સુરત-તાપી જિલ્લામાંથી પસાર થનાર યાત્રાના રૂટ અને કાર્યક્રમ વિષે વિસ્તારથી માહિતી આપી હતી.
- રામ પ્રત્યે લાગણી હોય તો અયોધ્યા જાવ, ભાજપમાં ક્યાં જરૂર હતી: ડો.તુષાર ચૌધરી
- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા અંતર્ગત બારડોલીમાં કોંગ્રેસની બેઠક
સામાજિક, આર્થિક અને રાજકીય આમ ત્રણ પ્રકારના ન્યાયદેશની જનતાને મળે એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, બારડોલીમાં રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી પદયાત્રા કરી તેઓ સરદાર ચોક પહોંચશે. જ્યાં તેઓ પંદર હજારથી વધુની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ યાત્રા વ્યારા જવા રવાના થશે. વ્યારાથી સોનગઢ અને ત્યાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. આદિવાસીઓના વિકાસ અંગે વાતો કરતાં ડો.તુષાર ચૌધરીએ કહ્યું હતું કે, જંગલ જમીન એ આદિવાસીઓ માટે મહત્ત્વનો પ્રશ્ન રહ્યો છે. જંગલ જમીનનો કાયદો યુપીએ સરકારે પસાર કર્યો હતો. આજે પણ માત્ર 52 ટકા આદિવાસીને જંગલ જમીન મળી છે. હજી પણ 48 ટકા લોકો જંગલ જમીનથી વંચિત છે. ભાજપ આદિવાસીના વિકાસની વાત કરે છે. પરંતુ વિકાસ આદિવાસી સુધી પહોંચ્યો નથી. તેના કારણે આજે પણ આદિવાસીઓ સરકારથી નારાજ છે.
ચૌધરીએ કહ્યું કે, ભાજપ આ વખતે ગભરાયેલી છે. એક તરફ કહે છે કે ગુજરાતની તમામ 26 બેઠક પાંચ લાખની લીડથી જીતીશું અને બીજી તરફ ભરતી મેળો ચાલુ રાખ્યો છે. જો પાંચ લાખની લીડથી જીતવાના હોય તો ભરતી મેળાની જરૂર શા માટે પડી? કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ રહેલા નેતાઓ વિશે ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું કે, તેઓ લોકહિત માટે નહીં પરંતુ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમને સરકારમાં હોદ્દા જોઈએ છે, જેમણે બે નંબરનાં કામો કરાવવા છે કે જેમણે સરકારમાંથી મોટા કોન્ટ્રાક્ટ મેળવવા છે તેવા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એ લોકોના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી. તમને રામ પ્રત્યે એટલી લાગણી હોય તો અયોધ્યા જાવને ભાજપમાં જવાની ક્યાં જરૂર છે. કોંગ્રેસે કોઈ કાર્યકરને એમ નથી કહ્યું કે, તમારે રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં નથી જવાનું. આ પક્ષનો નિર્ણય હતો. કેમ કે આ રાજકીય રંગરૂપ આપી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ફાયદો લેવા માટે સરકારના ખર્ચે કાર્યક્રમ થતો હોય તો એમાં અમે સહભાગી નહીં થઈએ. અને એ કારણે જ કોંગ્રેસે જવાની ના પાડી હતી.
કોઈના ચરિત્રનું હનન ન કરવું જોઈએ: પરેશ ધાનાણી
માજી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના ભાજપમાં જોડાવાની ચાલી રહેલી વાતોને હાસ્યાસ્પદ ગણાવી હતી અને કહ્યું હતું કે, આધાર પુરાવા વગરની વાતોથી કોઈના ચરિત્ર હનન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પીઠ દેખાડવાનો કોઈ મતલબ હોતો નથી. જવું હોય તો છડેચોક જાહેરાત કરીને જઇ શકાય. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કઈ ભાજપમાં જવાનું. જેણે સરદારના નામે ગુજરાતમાં શાસન સંભાળ્યું, લોખંડના ભૂકાથી લોખંડી પુરુષને કચકડામાં કેદ કર્યા અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા મળી ત્યારે સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ કાઢી મોદીનું પાટિયું લગાવી દીધું. ભાજપ મોદીનું નામ ભૂંસીને સરદાર પટેલ કરે તો મને આનંદ થશે.