માંગરોળ(Mangrol): સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં દીપડાના (Leopard) હુમલાના કિસ્સા સામાન્ય બન્યા છે. અવારનવાર દીપડા ગામમાં ઘુસી પશુધનને શિકાર બનાવે છે. અનેકોવાર ઘરમાં, ખેતરમાં ઘુસી લોકો પર પણ દીપડા હુમલા કરતા હોવાના બનાવ બનતા રહે છે. દીપડા અને લોકો વચ્ચે આમનાસામનાના અનેક કિસ્સા બનતા રહે છે ત્યારે આવો જ એક બનાવ બુધવારની રાત્રે માંગરોળમાં બન્યો હતો.
માંગરોળના લવેટ ગામમાં અઢી વર્ષની દીપડી શિકારની શોધમાં રસ્તા પર પહોંચી ગઈ હતી, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી બાઈક સાથે ટક્કર થતાં દીપડીનું મોત નિપજ્યું હતું. અચાનક દીપડી સાથે ટક્કર થતાં બાઈક ચાલક હેબક ખાઈ ગયો હતો. દીપડીનો મૃતદેહ રસ્તાની કિનારે પડ્યો હતો.
આ અંગે જાણ થતાં પોલીસ અને વાંકલ વન વિભાગના ઘટના સ્થળે દોડી ગયા હતા. દીપડીનું મોત થયું હોવાની ખરાઈ કર્યા બાદ મૃતદેહનો કબ્જો લઈ વન વિભાગ દ્વારા તેને માંગરોળ પશુ ચિકિત્સાલય ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
ઝઘડિયા-રાણીપુરા રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા દીપડાના બચ્ચાંનું મોત
આ અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ અકસ્માતમાં દીપડાના બચ્ચાનું મોત થયું હતું. ઝઘડિયા- રાણીપુરા રોડ વચ્ચે કોઈક અજાણ્યા વાહને ટક્કર મારતા બાળ દીપડાનું મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા દીપડાનું મોત બાદ વન વિભાગે મૃતદેહ કબજો મેળવીને વન્યધારા ધોરણ હેઠળ કાર્યવાહી કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
4 જાન્યુઆરીની રાત્રે રાણીપુરા- ઝઘડિયા વિસ્તારમાં બાળ દીપડો રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને અડફેટે લેતા તેના શરીરના આંતરડા નીકળી જતા મોતને ભેટવું પડ્યું હતું. આખી ઘટના અંગે વન વિભાગને માહિતી મળતા તાત્કાલિક અકસ્માત સ્થળે પહોચીને મોતને ભેટેલા બાળ દીપડાનો મૃતદેહ કબજે લઈને શીડ્યુલ વનમાં આવતું પ્રાણીને વન્યધારા ધોરણ પ્રોસેસ કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.