રીનાનાં લગ્ન થયાં.સાસરામાં બધા સારા માણસો હતાં.પણ રીનાને ગમતું ન હતું. તે થોડા થોડા દિવસે પિયર જતી રહેતી અને બે ત્રણ દિવસ રોકાઈને જ આવતી અને રોજ તેની મમ્મી સાથે સવાર સાંજ ફોન પર વાતો કરતી રહેતી.ઘરના કામકાજમાં પણ બહુ ધ્યાન આપતી નહિ.સાસુ તેને બહુ કંઈ કહેતાં નહિ છતાં રીનાને કોઈ ને કોઈ રીતે વાંકું પડતું અને તે તેના પતિ ને મમ્મી પાસે રડતી.
એક દિવસ રીના પિયરે પહોંચી ગઈ.મમ્મીએ તરત પૂછ્યું, ‘શું થયું?’રીનાએ ઘરના બધાના કોઈ ને કોઈ વાંક ગણાવ્યા. મમ્મીએ રીનાના પપ્પા સામે જોયું અને આંખોથી કંઇક મસલત કરી.પછી મમ્મી બોલ્યાં, ‘જો દીકરા, તને ન ફાવતું હોય તો તું ઘર છોડીને આવી જા.આ રોજ રોજની મગજમારી શું કામની?’ રીના ચૂપ થઇ ગઈ.પપ્પાએ કહ્યું, ‘શું તું નાની વાતમાં મોટું સ્વરૂપ આપે છે?’મમ્મીએ કહ્યું, ‘તમને ખબર ન પડે તમે ચૂપ રહો.’
રીના બોલી, ‘મમ્મી, તું પપ્પા જોડે આ રીતે વાત કઈ રીતે કરી શકે? અને મારે મારું ઘર તોડવું નથી.’ મમ્મી બોલી, ‘બેટા, તારાં કોઈ લક્ષણ દેખાતાં નથી કે તારે ઘર અને સંસાર જાળવવાં હોય …નથી તું કોઈ જવાબદારી લેતી …નથી તું કોઈને માન સન્માન આપતી …ઘરમાં કામ કરવું હોય તો કરે નહિ તો નથી કરતી… બધાના વાંક કાઢે છે અને પોતાના વાંક જોતી જ નથી…આ તો તારા સાસરિયાં સારાં છે કે અમને ફરિયાદ કરતાં નથી, ઊલટું તું આવી આવીને તેમની ફરિયાદ અમને કરે છે.’
રીના બોલવા ગઈ, ‘પણ મમ્મી આજે તો ….’મમ્મીએ કડક શબ્દોમાં વાત કાપી નાંખંતાં કહ્યું, ‘આજે નહિ દર વખતે વાંક તારો જ હોય છે.તું તારા સાસરાને તારું પોતાનું ઘર સમજતી જ નથી …તારા સાસરિયાને પોતાનાં ગણતી નથી…કામ કરતી નથી ..જવાબદારી સંભાળતી નથી…અને પછી કહે ત્યાં મને ગમતું નથી કોઈ મને પોતાનું ગણતું નથી.તું શું કરે છે? કિટી પાર્ટી …ફોનમાં વાતો …શોપિંગ અને ફરિયાદો ….આમ ન ચાલે …દીકરા તારે જે મેળવવું હશે તે તારે આપવું પડશે.પ્રેમ જોઈએ છે તો પહેલાં પ્રેમ આપતાં શીખ.ઘરમાં તારું માન અને મોભો જળવાય તેવું ઈચ્છે છે તો પહેલાં બધાને માન આપતાં શીખ…ખુશી જોઈએ છે તો પહેલાં ખુશી આપ …શાંતિ જોઈએ છે તો શાંતિ રાખતાં શીખ …કામમાં સાથ જોઈએ છે તો સાથ આપતાં શીખ.’મમ્મીએ રીનાને બરાબર સાચી સમજ આપી.રીનાને ભૂલ સમજાઈ ગઈ. તેને બધું જોઈતું હતું પણ આપવું ન હતું તે તેની ભૂલ હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.