સુરત: રવિવારે મધ્યરાત્રિએ શહેરના ઉધના વિસ્તારમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં અચાનક આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ભીષણ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મધ્યરાત્રિએ લગભગ 3.30 કલાકે આગજનીની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) કચેરીના ગોડાઉનમાં મધ્ય રાત્રિના 3.30 વાગ્યે આગ લાગી હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. ગોડાઉનમાં મીટર પેટી, વાયર કેબલ સહિતના સમાન બળીને ખાક થઈ ગયો હતો. વિકરાળ આગની જ્વાળાઓ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઇ નથી. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લિંબાયત ડીજીવીસીએલના ડીઈ એમ.ડી. પટેલે કહ્યું કે, ઉધના રોડ નં. 6 પર ઉધના અને લિંબાયતની વીજકંપનીની કચેરી આવેલી છે. કચેરીના પાછળના ભાગે શેડવાળું ગોડાઉન બનાવ્યું છે, જ્યાં જૂના મીટર, વાયરો પડ્યા હતા. ત્યાં રાત્રિના સમયે સ્પાર્ક સાથે આગ લાગી હતી. વોચમેને આગ ઓલવવા પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળતા મળી હતી. ફાયર બ્રિગેડ 15 મિનિટમાં પહોંચી ગઈ હતી. આગ ઓલવી દેવાઈ છે. ગોડાઉનમાં પડેલો સામાન બળી ગયો છે.
સુરત એરપોર્ટથી સ્ટેશન જતી સિટી બસમાં આગ લાગતા મુસાફરોના જીવ અદ્ધર થયા
સુરત: ડુમસ એરપોર્ટથી સ્ટેશન તરફ જતી એક સિટી બસમાં રવિવારે બપોરે ધુમાડા નીકળતા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ડ્રાઇવરે બસને તુરંત એક બાજુએ કરી લેતા બસમાં સવાર મુસાફરો ઝડપથી નીચે ઉતરી ગયા હતા. બાદમાં ફાયર કંટ્રોલને ઘટના અંગે જાણ કરાતા મજુરા અને વેસુ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
રવિવારે બપોરે સુરતના ડુમસ એરપોર્ટથી રેલવે સ્ટેશન તરફ જતી એક સિટીબસ નંબર (GJ-05-BZ-0742) મુસાફરોને લઇને જઈ રહી હતી. દરમિયાન વેસુ રાહુલ રાજ મોલના બીઆરટીએસ કોરીડોરમાં બસમાં ડ્રાઇવર સીટ પાસેથી ધુમાડા નીકળવાની શરૂઆત થઇ હતી. બસના ચાલક વિક્રમ બારીયાએ ગંભીરતા પારખી લઇને બસને તુરંત એક બાજુએ બ્રેક મારીને ઉભી રાખી દરવાજા ખોલી નાંખ્યા હતા, તેથી બસમાં સવાર મુસાફરો ફટાફટ ઉતરી ગયા હતા.
ચાલકે ફાયર કંટ્રોલ અને મેન્ટેનેન્સ વિભાગને જાણ કરી હતી. દરમિયાન મજુરા અને વેસુ ફાયર સ્ટેશનોનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર સીટ પાસે એન્જીનના ભાગમાં સ્પાર્ક થયા બાદ ધુમાડા નીકળવા લાગ્યા હતા. રવિવારની રજા હોવાને કારણે બસમાં માત્ર આઠથી દસ પેસન્જરો જ હતા. જોકે બસને મેઈન્ટેન કરતી ટીમ પણ પહોંચી જતા અંતે મામલો થાળે પડતા ફાયર વિભાગની ટીમ પરત ફરી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ નોંધાઈ ન હતી.