સુરત (Surat) : શહેરમાં છેલ્લાં કેટલાંય વખતથી પાણી (Water), ડ્રેનેજ (Drainage) પાઈપ લાઈન નાંખવા તથા મેટ્રોના (Metro) કામકાજના લીધે અનેક રસ્તાઓ બંધ કરાયા છે. ઠેરઠેર ખાડા ખોદવામાં આવી રહ્યાં છે. તેના લીધે વાહનચાલકો અને રહીશો હેરાન થઈ રહ્યાં છે. હવે વધુ બે રસ્તા એક મહિના માટે બંધ કરવાની જાહેરાત તંત્ર દ્વારા કરાઈ છે.
- 24 માર્ચ સુધી એસવીએનઆઇટી સર્કલથી પાલ-ઉમરા બ્રિજ સુધીનો રસ્તો બંધ રહેશે
- પાલ ઉમરા બ્રીજથી વેલેન્ટાઈન સિનેમા સુધી અને રઘુરામજી સર્કલથી અંબિકા નિકેતન ગેઈટ સુધી પાણીની લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે
સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં પાણીની લાઈન અપગ્રેડેશન કરવાની હોવાથી કેટલાક વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરીને પગલે આગામી 24 માર્ચ સુધી એસ.વી.એન.આઈ.ટી સર્કલથી પાલ-ઉમરા બ્રિજ વચ્ચેનો એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેના કારણે આ દિવસો દરમિયાન ટ્રાફિક સમસ્યા રહેશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા પાલ-ઉમરા બ્રિજથી વેલેન્ટાઈન સિનેમા સુધી 1829 મી.મી. વ્યાસની અને રઘુરામજી સર્કલથી અંબિકાનીકેતન ગેઈટ સુધી 914મી 914મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રાન્સમિશન લાઈન (પેકેજ-૩) નાંખવાની કામગીરી કરવામાં આવશે. એટલું જ નહીં ઈચ્છાનાથ સર્કલથી પાલ-ઉમરા બ્રિજ તરફ જતા એસ.કે. પાર્ક જંક્શનથી પાલ-ઉમરા બ્રિજ સુધી એક તરફ (એસ.કે. પાર્ક તરફે) 1829મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રાન્સમિશન નળીકા નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ કામગીરી આગામી 24 માર્ચ સુધી ચાલશે. આ કામગીરીના કારણે એસવીએનઆઇટીથી પાલ-ઉમરા બ્રિજ સુધી એક તરફ (એસ.કે. પાર્ક તરફ)નો રોડ બંધ રહેશે જ્યારે બીજી લાઇન ચાલુ રહેશે તેનો ઉપયોગ અવરજવર માટે કરી શકાશે. આ રોડ ઉપર તબક્કાવાર કામગીરી થવાની હોવાથી આ રસ્તાના જે ભાગ પર કામગીરી પૂરી થશે તેટલા ભાગનો રસ્તો નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે તબક્કાવાર રીતે ખુલ્લો કરવામાં આવશે. આ કામગીરીના કારણે આ વિસ્તારમાં આગામી 24 માર્ચ સુધી ટ્રાફિક સમસ્યા રહેશે.
ડ્રેનેજની કામગીરી લીધે નાનપુરામાં ધર્મેન્દ્ર બુટ હાઉસથી એકતા સર્કલનો રસ્તો એક મહિનો બંધ રહેશે
સુરત : કોટ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કના નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસથી એકતા સર્કલ સુધીનો રસ્તો એક મહિના સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાનું જાહેરનામુ મનપા કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
વિસ્તૃત વિગતો મુજબ તારીખ ૪/૩/૨૦૨૪ થી તા.૫/૪/૨૦૨૪ દરમિયાન નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસથી એકતા સર્કલ સુધીના રસ્તા પર ડ્રેનેજની લાઇન નાંખવાનું કામ થવાનું છે. તેથી તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ આ રસ્તાના વિકલ્પરૂપે વાહન ચાલકો ધર્મેન્દ્ર બુટ હાઉસ જંકશનથી ચોકી શેરી થઈ નાનપુરા પોલીસ ચોકી થઈ વિવેકાનંદ સર્કલ થઈ એકતા સર્કલ તરફ જઈ શકશે. ઉપરાંત ધર્મેન્દ્ર બુટ હાઉસ જંકશનથી નાનપુરા ગોધા સ્ટ્રીટ થઈ એલ.આઈ.સી. ક્વાટર્સ થઈ કાદરશાની નાળ થઈ એકતા સર્કલ તરફ જઈ શકશે. નાનપુરા એકતા સર્કલથી ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જતા વાહનો અને રાહદારીઓએ એકતા સર્કલ થઈ વિવેકાનંદ સર્કલ થઈ નાનપુરા પોલીસ ચોકી થઈ ચોકી શેરી થઈ ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જઈ શકાશે. ઉપરાંત નાનપુરા એકતા સર્કલ થઈ કાદરશાની નાળ થઈ એલ.આઈ.સી. ક્વાટર્સ થઈ નાનપુરા ગોધા સ્ટ્રીટ થઈ ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જઈ શકાશે.