Comments

પ્રવૃત્તિ એ વૃધ્ધાવસ્થાની બીજી વાઈફ છે

વૃદ્ધાવસ્થાની એક ખાસિયત છે, એ ડોકાં કાઢે ત્યારે કોઈ પણ રસવૃત્તિ, જોરમાં જાગૃત થાય. જેની પાસે રસવૃત્તિની ‘બેલેન્સ’ નથી, એ તો બરાડા પાડવા માંડે કે,““શિઈઈઈટ..! આખી જિંદગી નોકરી જ ફૂટી, પણ નિવૃત્તિ પછીનું ભાથું બાંધવાનું રહી જ ગયું..! નોકરીના સમયમાં કોઈ વાતનો juice (રસ) રાખ્યો નહિ ને નિવૃત્તિ પછી જિંદગી ભૂતાવળ જેવી લાગે. સાલા મંજીરા પણ ઠોકતાં નહિ ફાવે..!”

સમય પણ બોચી ઝાલીને કહેતો હોય કે, ‘બરમૂડા..! નોકરી કરતો ત્યારે તું મને પસાર કરતો હતો, હવે જો હું તને કેવો પસાર કરું છું..?’ થયું પણ એવું જ, જ્યારથી ચમનિયો નિવૃત્ત થયો છે, ત્યારથી, ઓટલે સૂતો કૂતરો જ એનો અલ્લાબેલી..! અત્યારે લોકોના ઓટલા ઘસીને ચાવીના ઝૂમખાં સાચવે છે બોલ્લો..! ‘જિસકા કોઈ નહિ, ઉસકા તો ખુદા હૈ પ્યારો”એમ શ્રીરામ જાણે કોણ એના ગળામાં માદળિયું બાંધી ગયું તે, આજ કાલ એ કવિ થવાના રવાડે ચઢી ગયો છે. જેને બારાખડીના બાર અક્ષર નહિ આવડતા હોય, એ કવિ થાય તો નીવડેલા કવિને તો હૃદયના હુમલા જ આવે ને..?

 કવિ થવું એટલે ખેતરમાંથી ભીંડાં કાઢવા જેટલું સહેલું નથી મામૂ..! બહુ અઘરું છે વ્હાલા..! નોકરીમાં જે માંડ ચાલ્યો હોય, એ કવિ થવા નીકળે એટલે, સિદ્ધહસ્ત કવિઓનાં જીવ ડહોળાવા માંડે ને ઉબકા આવવા માંડે તે બોનસ..! ઉકલી ગયેલા કવિઓના આત્માઓને તો સ્વર્ગમાં પણ ઉકળાટ થવા માંડે કે, ‘હે દયાનંદ, હે પ્રેમાનંદ, હે જગન્નાથન આ શું થવા બેઠું છે..?’ જોવાની વાત એ છે કે, આ ચમનિયાએ એક પણ કવિતા પેદા તો કરી જ નહિ, તે પહેલાં, પોતાના તખલ્લુસની પણ પ્રાણપ્રતિષ્ઠા કરી નાંખી.

રાતોરાત ‘તખલ્લુસ ધારણ કરી દીધું કે, કવિ “ઉધરસ..!”કૌંસમાં લખ્યું વિશ્વનો એક માત્ર ‘ગૂફી’કવિ..!’તારા કપાળમાં કાંદા ફોડું, લગન પહેલાં જ બચ્ચરવાળ..! ધણીએ જાતે જ સુખડનો હાર પહેરી લીધો હોય એમ, એની વાઈફ ‘ચમની’ને ભારે આઘાત પણ લાગ્યો. તખલ્લુસ વાંચીને ‘છાજીયું’પણ લીધું કે, ફા.મૂ. (ફાટી-મુઆ) ને મળ્યું-મળ્યું ને ‘ઉધરસ’નું જ તખલ્લુસ મળ્યું..? એકાદે તો પૂછ્યું પણ ખરું કે, સૂફી કવિ તો સાંભળેલું, પણ આ ‘ગુફી’કવિ એટલે શું? તો કહે, ‘મારી રચના જ એવી ગૂઢ કે, એ ‘ગુફા-વાસી’ને જ સમજાય. સંસારીએ એમાં ચોંચ નહિ મારવાની..! તારી ભલી થાય તારી..!

 હરામ્મ બરાબર જો એ કવિતાનો ક પણ જાણતો હોય તો..! પણ ચલતી કા નામ ગાડી..! શરીરનો બાંધો જ ભગવાને એવો આપેલો કે, પ્રથમ નજરે જોનારને પાછો એ કવિ જ લાગે..! શરીરમાં વધારાનું કોઈ સમારકામ આવે જ નહિ. માત્ર લટિયાને જ ‘લુક’આપવાનો..! એટલા માટે કે, લાંબા લટિયા હોય તો, મહેફિલમાં થોડોક ઝામો પડે. થયું એવું કે, પહેલી જ કવિતા લખવામાં એણે પાંચ લીટર પરસેવાનું પાણી કરી નાંખ્યું. આજે પણ એનો રેકોર્ડ ચમનિયાના નામે છે..! એવી કવિતા મઠારી કે, ભલા ભૂપને પણ એની કવિતા નહિ સમજાય. કવિતા સમજવા ‘ગાઈડ’ભાડે કર્યો તો, કવિતા વાંચીને, પેલો ગાઈડ પંખે લટકી ગયો..! આ તો તમારી ચિંતા થાય ને અમે રહ્યા જીવદયાની પ્રકૃતિવાળા, એટલે એ કવિતા અત્રે પ્રસ્તુત કરી નથી..! ખ્યાલ તો રાખવો જ પડે ને બોસ..?

 એક રીતે નિવૃત્તિ સારી પણ ખરી, ને ખતરનાક પણ ખરી..! નોકરીમાંથી નિવૃત્ત થાવ એટલે, કુંડાનું છોડવું, વનવગડાનું બની જાય એ સાચું, પણ રસવૃત્તિ કેળવી ના હોય તો, નિવૃત્તિ પછી બંદો ઘરડો પણ જલ્દી થવા માંડે. નિવૃત્ત થાવ એટલે, માત્ર પેન્શન-ગ્રેજયુટી જ નથી મળતી, નવરા ધૂપ રહેવાની ભેટ પણ મળે. જે લોકો છેલ્લા શ્વાસ સુધી સત્તાના ઘેનમાં રહેતા હોય, એમને ખબર નથી કે, વયમર્યાદા પાકે એટલે કેરીની માફક આ લોકો બેડી જ લેતા હોય..! એક દિવસ પણ ઉપર ચઢવા નહિ દે..! નિવૃત્તિમાં જો પ્રવૃત્તિ નહિ હોય તો, લોકોના ઓટલા જ ઘસવાના આવે..!

ને જલ્દી LBW થઇ જવાય તે બોનસ..! ચમનિયામાં કવિ થવાની આવડત હોય કે ના હોય, પણ કવિતા કાઢવા આજે પણ એ ફૂંફાડા મારે છે..! કંઈક બન્યા વગર દુનિયા છોડવી જ નથી, એવો જીદ્દી બની ગયો બોસ..! જે આંટીઘૂંટી આવવાની હોય તે આવે, પણ એક વાર ઝઝૂમી તો લેવું જ છે. માણસ એટલે માત્ર સામાજિક પ્રાણી એ ભ્રમ છે, એ ઈચ્છાધારી પ્રાણી પણ ખરો..! તાકાતમાં ભલે સરવાળે મીંડુ હોય, પણ ઈચ્છાઓ ફણીધર જેવી રાખે..! ઉનાળામાં પણ વસંતને મહેસૂસ કરે. એમાં કવિ થવાના જંગે ચઢે, એ કંઈ ઓછો જુલમ કહેવાય? તંઈઈઈઈ..?

 ચમનિયાના કવિ થવાના દિવાસ્વપ્નાં જોઇને, મને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબની યાદ આવી ગઈ. ભણતા ત્યારે એમની એક કવિતા આવતી, “કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં ચાર કાબરાં ને ચાર ભુરિયાં જી રે..!“ભણતા ત્યારે આ કવિતાનો સાર નહિ સમજાયેલો, પણ હવે સમજાય છે કે, મેઘાણીસાહેબ કેવા દીર્ઘદ્રષ્ટા હતા? સાલું, રાજકારણના ચલણમાં આજકાલ આવું જ છે ને..! ચાર કાબરાં ને ચાર ભુરિયાંથી જ ગાડીઓ ચાલે છે ને..! હું તો કહું છું કે, જેવી આવડે તેવી કવિતા લખવાની. ઢીલ્લા-પોચા રહીએ તો હાઈકુ પણ નહિ લખાય. સૂંઠના ગાંગડે ગાંધી નહિ થવાય તો તેલ પીવા જાય, પણ કોઈ પણ પ્રકારના ગાંધી થવાના છે, એવો અંધ વિશ્વાસ પણ રાખવાનો.

મેઘાણી સાહેબે કૂતરા ઉપર કવિતા લખી તો આપણે દીપડા ઉપર કવિતા કેમ નહિ લખી શકીએ, એવી ખુમારી રાખવાની. હોંશલો તો ઊંચો હોય એ જ કારગત નીવડે..! માટે ચોઘડિયાં જોયા વગર કલમને ઉપાડી જ લેવાની..! મારે કંઈક બનવું છે, એવી ધૂનથી ભેજું ભરેલું રાખીએ તો, મગજમાંથી મંદાક્રાન્તા છંદ પણ આપોઆપ ઉભરશે. કવિતા એકાંતનું મારણ છે. નિવૃત્તિના પળની હાથ લાકડી છે. માટે હિંમત રાખવાની કે, લખતાં જ લહિયો થવાય..! એક વાર સફળ કવિ થયા એટલે, દેવાનંદ ની માફક પાડોશીનો કોલર પણ ઊંચો થવા માંડશે કે, ‘હું કવિ ‘ઉધરસ’નો પાડોશી છું..!’તો..?

 અસ્સલ કેવું ફક્કડ હતું? અક્ષરજ્ઞાનનો દર નીચો હતો, પણ કવિ અને કવિતાનો દર ઊંચો રહેતો. આજે તો બજાર ભરાય એટલા કવિ-લેખકોનો સ્ટોક છે. એમાં શેર શાયરીવાળા તો ‘એક ઉપર એક ફ્રી’જેવા..! લેખક કવિના ટેન્ડર બહાર પડે તો, પોતાની ગલીમાંથી જ બેચાર ડઝન ટેન્ડર ભરાઈ જાય..! જીવનમાં પૈસો જ સર્વસ્વ નથી, નિવૃત્તિ પછી પ્રવૃત્તિ પણ જોઈએ. પ્રવૃત્તિ એ વૃધ્ધાવસ્થાની બીજી વાઈફ છે. ભલે પાકા ઘડે કાંઠા ચઢે કે નહિ ચઢે, પણ થડ હોય તો, સૂકા બાવળમાં પણ સિંચન કરતાં રહેવાનું..! રસવૃત્તિને ઉછેરવાની. આળસુ મુરતિયો મોટી ઉંમરે પૈણવા નીકળે, ત્યારે આખું સમયપત્રક પાછળ ઠેલાય જ છે ને..? કેવું ચલાવી લઈએ છીએ, એમ બાંધછોડ રાખવાની..! નિવૃત્તિ પછી કવિતાના રવાડે ચઢવું, એ સાહસ કરતાં હસાહસ વધારે કહેવાય, પણ સમય બહુત બુરી ચીજ હૈ, બાબુ મોસાય..!

બાકી, કવિતા કાઢવા માટે, પહેલી જરૂરિયાત ભેજાની પડે. ને ભેજું તો તનતોડ નોકરી કરવામાં જ ખલ્લાસ થઇ ગયું હોય..! એમાં તો ચાઈનાવાળા પણ મદદ નહિ કરી શકે..! એ લોકો, બીજાને બનાવી શકે, બાકી ભેજું બનાવવાની ફેકલ્ટીમાં ફાવતા નથી. આ તો સૌ સૌના ‘ટેસ્ટ’ની વાત છે. સંપત્તિ માટે લોકો પહેલાં શરીર વાપરે, પછી શરીર માટે સંપત્તિ વાપરે. છેલ્લે શરીર પણ ગાયબ ને સંપત્તિ પણ ગાયબ. સરવાળે મીંડા પામે એના જેવું છે. તંઈઈઈઈ..! સાર એટલો જ કે, નિવૃત્ત થાવ તો પ્રવૃત્તિશીલ પણ રહેવાનું. કંઈ કામ નહિ હોય તો, ઘરમાં લખોટી વેરીને એકઠી કર્યા કરવાનું. સમય પણ પસાર થશે, પ્રવૃત્તિ પણ મળશે ને કસરત થશે તે બોનસ..! .

 લાસ્ટ ધ બોલ
શિક્ષકે ચંપુને પૂછ્યું :
બોલ ચંપુ..! કવિતા અને નિબંધ વચ્ચે શું તફાવત છે?
ચંપુ કહે :
લગન પહેલાં પ્રેમિકા એક શબ્દ બોલે, એ કવિતા છે અને લગ્ન પછી બડબડ કરે એ નિબંધ કહેવાય..!
શિક્ષકે ચંપુને તરત જ શાળાનો મોનીટર બનાવી દીધો..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top