અમદાવાદ(Ahmedabad): અમદાવાદમાં ભેખડ ધસી (CliffRush) પડવાની ઘટના બની છે. અહીંના મણીનગર વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ કોલોની નજીક આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક પાસે આજે સવારે અચાનક ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 4થી 5 લોકો દટાયા હોવાની માહિતી મળી છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં બે મહિલા સહિત ત્રણનું રેસ્ક્યુ કરી લેવાયું હોવાની જાણવા મળ્યું છે. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાની વિગતો સાંપડી છે.
- અમદાવાદના મણીનગરમાં બની ગોઝારી દુર્ઘટના
- બેઝમેન્ટમાં માટીપુરાણ કરતી વખતે ભેખડ ધસી
- ચાર મજૂરો માટી નીચે દટાયા, એકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર આઈસીઆઈસીઆઈ બેન્ક પાસે બેઝમેન્ટ પુરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. મજદૂરો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યાં હતાં ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં ચાર મજદૂરો માટી નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના અંગે મણિનગર ફાયર સ્ટેશનના સબ ઓફિસર પ્રવિણસિંહ સોલંકીએ જણાવ્યુ કે, અમને 11.45 કલાકે આ અંગેનો કોલ મળ્યો હતો કે, શ્રીજી ઇન્ફ્રામાં કામ ચાલુ છે અને ત્યાં ભેખડ ધસી પડી છે. અમે સ્થળ પર આવતા પહેલા ઓછી માટીમાં દટાયેલા એક બહેનને બહાર કાઢીને એલ. જી. હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં એક પુરુષ અને એક સ્ત્રી પણ દટાયેલા હતા. તે બંનેને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.