સુરત શહેરમાં દિવસે દિવસે રખડતાં કૂતરાંઓનો આતંક વધી રહ્યો છે. મહાપાલિકા રસીકરણ અને ખસીકરણની વાતો કરે છે તેમ છતાં કૂતરાંઓની સંખ્યા કેમ ઘટતી નથી, તેમ તેમનો ત્રાસ પણ ઘટતો નથી, જેનો ભોગ પ્રજા બની રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 750 ઉપરાંત ડોગ બાઈટના કેસો રસી મૂકાવવા માટે આવે છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં પણ રસી મૂકાવવા માટે 100 ઉપરાંત કેસો (દર્દી)આવે છે.
હદ તો ત્યારે થાય છે કે, હવે કૂતરાઓ ફલાય ઓવર કે પુલો પર કૂતરુ આવી જતાં બાઈકચાલકે સંતુલન ગુમાવતાં કોઇને ફેકચર તો કોઈના આંખે વાગવાથી ઓપરેશન કરાવવા સુધીના પણ બનાવ બન્યા છે. હવે તે બાગમાં પણ કૂતરાં ઘૂસી જતાં હોવાથી નાનાં-નાનાં બાળકો બાગમાં જતાં ડરે છે. બાગના માળી કે ચોકીદારને આ કૂતરા બહાર કાઢવાની ફરજમાં કદાચ આવતું ન હોય? હડકવાનાં લક્ષણો ધરાવતા એક કૂતરાએ નવસારીના એક યુવકની આંખ પાસે બચકું ભરતાં ખાનગી હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું, પણ થોડા દિવસ પછી તે યુવક પાણી જોઈને ડરવા લાગ્યો તેમજ હડકવાનાં લક્ષણો દેખાતાં તેને નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો, જયાં સારવાર દરમિયાન તે યુવકનું મોત નિપજયું હતું.
રોજ કોઇ ને કોઇ નાગરિક રખડતા કૂતરાના હુમલાનો ભોગ બને છે, તેમાં કેટલાંકનાં હાડકાં ભાંગ્યાં તો કેટલાકના આંખના ઓપરેશન કરવા પડયા છે અને હવે તો ઘરની બહાર રમતાં બાળકો પર હુમલો કરી કોઈના પગને ફાડી ખાધો છે. તાજેતરમાં જ ભેસ્તાનમાં બનેલી એક ઘટનામાં કૂતરાઓના એક ઝૂંડે શ્રમજીવી પરિવારની એક 4 વર્ષની બાળકીને બચકાં ભરી ભરીને મારી નાંખી છે. લોકપ્રિય અખબાર ‘ગુજરાતમિત્ર’ના એક જાગૃત પ્રહરી તરીકે શહેરમાં બનતા આવા બનાવોને વારંવાર વાચા આપે છે. તેમ છતાં આવી સંવેદનશીલ બાબતમાં શાસકો સંવેદનહીન થઇ ગયા છે. મહાપાલિકાના જાત-જાતના વેરા ભરતાં નાગરિકો તો રખડતાં કૂતરાઓનો આતંક દૂર કરાવો. તેની સુખાકારીની જ અપેક્ષા રાખે, એમાં ખોટું શું છે.
સુરત – એન. ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.