લડાખમાં હાલમાં તાપમાન માઈનસની આસપાસ છે પરંતુ રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ દૂર કરવામાં આવી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાં લડાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. હવે લડાખનાં હજારો લોકો આ પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે રસ્તા પર ઊતરી આવ્યાં છે.
લોકોની માંગણી છે કે લડાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને બંધારણની છઠ્ઠી સૂચિ લાગુ કરવામાં આવે. બંધારણીય સુરક્ષા પગલાં માટે અભિયાન ચલાવી રહેલા સોનમ વાંગચુકે સોમવારે કહ્યું હતું કે તેઓ તેમની માંગણીઓ માટે ૧૯ ફેબ્રુઆરીથી મરણાંત ઉપવાસ શરૂ કરશે. આમિર ખાનની વિખ્યાત ફિલ્મ થ્રી ઈડિયટ્સ મેગ્સેસે પુરસ્કાર વિજેતા સોનમ વાંગચુક પર બની હતી. વાસ્તવમાં ૫૯,૧૪૬ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો લડાખ એકદમ સુંદર પ્રદેશ તરીકે ઓળખાય છે. આ ક્ષેત્ર ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.
અગાઉ આ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો એક ભાગ હતો, પરંતુ કેન્દ્ર સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લડાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું. આમ લડાખે સ્વતંત્ર અસ્તિત્વ મેળવ્યું, પરંતુ અગાઉ જમ્મુ અને કાશ્મીરના ભાગ તરીકે તેનો વિશેષ દરજ્જો ગુમાવ્યો હતો. તે પછી સરકારે લડાખી લોકોની સ્વતંત્ર ઓળખ જાળવવા માટે કેટલાંક વચનો આપ્યાં હતાં, પરંતુ સાડા ચાર વર્ષમાં તે પૂર્ણ ન થયાની ફરિયાદ સાથે હજારો લોકો રસ્તા પર એકઠાં થયાં હતાં. લડાખનાં લોકોની મુખ્ય ચિંતા એ છે કે બહારનાં લોકોને લડાખમાં જમીનો ખરીદવાની છૂટ મળી ગઈ હોવાથી હવે અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ લડાખમાં હજારો એકર જમીનો ખરીદીને ઉદ્યોગોની સ્થાપના કરશે, જેને કારણે લડાખની કુદરતી સંપત્તિ લૂંટાઈ જશે અને તેના પર્યાવરણને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થશે.
લડાખનાં લોકોની ફરિયાદ છે કે લડાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, પરંતુ ત્યાં કોઈ વિધાનસભા નથી. કલમ ૩૭૦ નાબૂદ કરતાં પહેલાં લડાખ વિધાનસભા માટે ચાર અને જમ્મુ અને કાશ્મીરની વિધાન પરિષદમાં બે પ્રતિનિધિઓ ચૂંટાતા હતા. ૨૦૧૯ માં જ્યારે લડાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ત્યારે રાષ્ટ્રપતિએ બ્રિગેડિયર ડૉ. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી બી.ડી. મિશ્રાની નિમણૂક મુખ્ય પ્રશાસક તરીકે કરી હતી. લડાખની બાબતો હવે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત અન્ય વહીવટી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
લડાખનાં રહેવાસીઓ તેનાથી નાખુશ છે. લડાખનાં લોકો લડાખમાં પ્રાદેશિક ચૂંટણીઓ કરાવવા માંગે છે અને પોતાની સરકાર પસંદ કરવા માંગે છે અને તેના માટે તેઓ માંગ કરી રહ્યા છે કે લડાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાન્યુઆરી ૨૦૨૩માં લડાખમાં જમીન અધિકારો અને રોજગારના રક્ષણના મુદ્દાઓ પર કામ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ નિમણૂક કરી હતી, પરંતુ તે પ્રયાસો સંતોષકારક ન હોવાથી લડાખનાં નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યાં હતાં.
લડાખના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આગેવાની લઈને લેહમાં રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે “આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાથી લડાખને બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષિત કરવામાં આવશે. ભાજપે પાછળથી તેના ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં લડાખને સ્વતંત્ર દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. ગયા વર્ષે સ્થાનિક પરિષદની ચૂંટણીમાં પણ આવું જ વચન આપવામાં આવ્યું હતું. અમે આ ખાતરીઓ માટે આભારી છીએ, પરંતુ વચનો પૂરાં કરવામાં મોડું થઈ ગયું છે. લેહમાં છઠ્ઠી સૂચિ શબ્દ ઉચ્ચારનારાઓને દબાવવામાં આવી રહ્યા છે.’’
આ માર્ચનું આયોજન લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) નામનાં બે સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગઠનો લડાખના બે જિલ્લાઓ લેહ અને કારગિલનું પ્રતિનિધિત્વ કરે છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમને ત્યાંનાં આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે છઠ્ઠી સૂચિ હેઠળના રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.
લડાખ માટે પણ આવી જ જોગવાઈની માંગણી કરવામાં આવી રહી છે, કારણ કે લડાખમાં પણ આદિવાસીઓની બહુમતી છે. સોનમ વાંગચુકે કહ્યું હતું કે “એ ધ્યાનમાં આવ્યું છે કે હિમાલયમાં કેટલાક ઉદ્યોગપતિઓ છે, જેઓ અન્ય રાજ્યોમાં અંધાધૂંધ વિકાસના નામે પર્યાવરણને બગાડી રહ્યા છે. ત્યાંના લોકોને તેમના કર્મની કિંમત ચૂકવવી પડે છે. એ જ લોકો હવે લડાખના ઉંબરે આવી ગયા છે. કલમ ૩૭૦ નાબૂદ થતાં જ તેઓએ અહીંની જમીનોનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. સ્થાનિક રાજકારણીઓ પણ તેમને ટેકો આપી રહ્યા છે.’’
લેહ ચલો આંદોલનની સફળતા પછી લેહ એપેક્સ બોડી (LAB) એ કહ્યું કે જો ૧૯ ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલય સાથેની બેઠક અનિર્ણીત રહેશે તો તેઓ ભૂખ હડતાળ શરૂ કરશે. LAB એ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આની જાહેરાત કરી છે. લેહની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું કે જો તેમના ૪ પોઈન્ટ એજન્ડા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ તેમની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ઉપવાસ શરૂ કરશે. અગાઉ ઇજનેરી શિક્ષણ મેળવનાર પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે જો બેઠકનું સાર્થક પરિણામ ન આવે તો મરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી.
એલબીએના પ્રમુખ થુપસ્તાન ચેવાંગે જણાવ્યું હતું કે જો ૧૯ ફેબ્રુઆરીની બેઠકમાં સાનુકૂળ પરિણામ નહીં આવે તો સંઘર્ષ અવિરત ચાલુ રહેશે. લેહમાં સર્વોચ્ચ સંસ્થાએ ત્સેરિંગ ડોર્જ લાક્રુકની આગેવાની હેઠળ એક સામાજિક, ધાર્મિક સમિતિની સ્થાપના કરી છે, જેમાં યુવા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જે ભવિષ્યના કાર્યક્રમોની દેખરેખ રાખશે. તેમણે કાર્યક્રમોના આયોજિત ક્રમની રૂપરેખા આપી, જે દર્શાવે છે કે ઉપવાસ પ્રક્રિયા પહેલાં વિરોધ કરવામાં આવશે. તેમણે સામાન્ય જનતાને એકતા દર્શાવવા ઉપવાસમાં ભાગ લેવા વિનંતી કરી અને કહ્યું હતું કે ઉપવાસ દરમિયાન મૃત્યુની સ્થિતિમાં પણ વિરોધ કોઈ પણ અવરોધ વિના ચાલુ રહેશે. છેવાંગે કહ્યું હતું કે ઉપવાસ પ્રક્રિયા માટે સ્વયંસેવકોની નોંધણી શરૂ થઈ ગઈ છે.સોનમ વાંગચુક એક શિક્ષક છે અને તેઓ લડાખમાં સામાજિક સુધારણા માટે કામ કરે છે.
તેમનાથી પ્રેરિત થઈને આમિર ખાને થ્રી ઈડિયટ્સ ફિલ્મના રાંચોનું પાત્ર બનાવ્યું હતું. સોનમ વાંગચૂકની પોતાની યુટ્યુબ ચેનલ છે. હાલમાં જ તેમણે એક વિડિયો અપલોડ કર્યો છે, જેનું શીર્ષક છે: લદાખમાં બધું સારું નથી. વિડિયોમાં સોનમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લડાખની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. અપીલની સાથે જ એવા અભ્યાસોને ટાંકવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે લડાખમાં લગભગ બે તૃતીયાંશ હિમનદીઓ ગાયબ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં જ્યાં સુધી ૩૭૦મી કલમનો અમલ ચાલુ હતો ત્યાં સુધી ભારતના કોઈ પણ ભાગનાં નાગરિકો જમ્મુ-કાશ્મીર રાજ્યમાં જમીન ખરીદી શકતાં નહોતાં, જેને કારણે જમ્મુ-કાશ્મીરનું પર્યાવરણ બચી ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવી લેવામાં આવી તે પછી દેશના ટોચના ઉદ્યોગપતિઓ દ્વારા ત્યાં હજારો હેક્ટર જમીનો ખરીદવામાં આવી છે અને તેઓ વિરાટ કારખાનાંઓ નાંખવાની તૈયારી કરી રહ્યા છે. લડાખના રાજકારણીઓ આ ઉદ્યોગપતિઓના હાથા બનીને ચૂપ થઈ ગયા હોવાથી સોનમ વાંગચૂક જેવા સામાજિક કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા છે, જેમને પ્રજાના તમામ વર્ગોનું સમર્થન પ્રાપ્ત થઈ
રહ્યું છે.