SURAT

સુરત મનપાનો મોટો નિર્ણય, 1 માર્ચથી BRTS અને સિટી બસ માત્ર આટલી જ સ્પીડમાં દોડશે

સુરત(Surat): શહેરમાં સિટી બસ (CityBus) અને બીઆરટીએસ (BRTS) બસ દ્વારા થતાં અકસ્માતના (Accident) બનાવોમાં વધારો થતાં હવે સુરત મનપાએ (SMC) મોટો નિર્ણય લીધો છે. સુરત મનપાએ પબ્લીક ટ્રાન્સપોર્ટની બસોની સ્પીડ લિમિટ નક્કી કરી છે. આ સાથે જ નિર્ધારિત સ્પીડ કરતા વધુ ઝડપે બસ દોડાવનારા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવાના નિયમો પણ બનાવાયા છે.

  • બસની સ્પીડ લિમિટ ઘટાડીને 40 કરાઈ, ડ્રાઈવર ધારે તો પણ વધુ ઝડપે બસ હંકારી શકશે નહીં
  • બીઆરટીએસ અને સિટી બસમાં ડેસ્ક કેમ, ઓઆરવીએમ લગાવાશે

શહેરના રસ્તાઓ પર અકસ્માતોને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ કેટલાક કડક નિયમો બનાવ્યા છે. ખાસ કરીને બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઇવર બસ પૂરઝડપે હંકારવાની ફરિયાદો મળી રહી હોવાથી પબ્લીક ટ્રાન્સપોર્ટેશન વિભાગના મનપાના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવાયા છે.

સુરત મનપાના દ્વારા શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની સ્પીડ લિમિટ ઘટાડી દેવાઈ છે. જેથી અકસ્માતો પર બ્રેક લાગી શકે. આગામી તા. 1 માર્ચથી ડ્રાઇવર ઇચ્છે તો પણ 40 કરતા વધુની સ્પીડે બસ દોડાવી શકશે નહીં. દરેક બસમાં સ્પીડ મર્યાદા બાંધી દેવામાં આવશે.

આ ઉપરાંત બસમાં ORVM મિરર લગાડવામાં આવશે. ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા પછી મિરરમાં ઘણી વખત એવા બ્લેન્ક સ્પોટ હોય છે કે તેના લીધે બસની આસપાસના વાહનો દેખાતા નથી. આવા બ્લેન્ક સ્પોટ ને દૂર કરવા માટે ORVM મિરર લગાડવામાં આવશે. તે સિવાય સીટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા જ્યારે અકસ્માત થતો હોય છે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે. અકસ્માત કોની ભૂલના લીધે થયો તે જાણી શકાતું નથી. સચ્ચાઈ જાણી શકાય તે માટે બસ પર હવે ડેસ્ક કેમેરા મુકવામાં આવશે. કેમેરાની મદદથી તમામ બાબત રેકોર્ડિંગ થઈ જશે અને અકસ્માત થતી વખતે કયા પ્રકારની સ્થિતિ હતી અને કોઈની ભૂલ હતી તે પણ સ્પષ્ટ થઈ જશે.

પાલિકાના ડેપ્યુટી કમિશનર ડૉ. રાજેન્દ્ર કુમારે કહ્યું કે અકસ્માતો રોકવા માટે રસ્તા પર નિરિક્ષણ કર્યા બાદ કેટલાંક નિર્ણયો લેવાયો છે. ડ્રાઇવર સીટ ઉપર પણ બેસીને જે બ્લેક સ્પોટ જેવી ખામીઓ છે તેની જાત તપાસ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોને બસમાં વધારેના મીરર, ડેસ કેમ વગેરે ફરજિયાત લગાડવા માટેની સૂચના આપી દેવાઈ છે. આગામી દિવસોમાં ડ્રાઇવરોને તાલીમ માટેની પણ વ્યવસ્થા કરવાના છે. શહેરમાં એક પણ અકસ્માત ન થાય તેના માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

8 વર્ષમાં બસ અકસ્માતમાં 90 લોકોના મોત
સુરત શહેરમાં બીઆરટીએસ અને સિટી બસના અકસ્માતમાં પાછલા 8 વર્ષમાં 90 લોકોના મોત થયા છે, જ્યારે બસ વધુ સ્પીડમાં દોડતી હોવાની 45થી વધુ ફરિયાદ પાલિકાના ચોપડે નોંધાઈ છે. અકસ્માતોને ટાળવા માટે પાલિકાએ આખરે કેટલાંક નિયમોનું પાલન ફરજિયાત કર્યું છે.

Most Popular

To Top