આણંદ, નડિયાદ, તા.22
અયોધ્યામાં નિર્માણ થયેલ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સમગ્ર આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાભરમાં છવાયો હતો. રામ ભક્તોની રામમંદિર નિર્માણની વર્ષોથી સંકલ્પ બધ્ધ ઈચ્છા પૂર્ણ થયેલ છે. જેની ખુશીમાં દેશ વિદેશ સર્વત્ર રામભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. આમ સૌ કોઈ રામમય બન્યા હોવાનો માહોલ જોવા મળ્યો હતો.
શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જીલ્લાભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનું સીધું પ્રસારણ નિહાળવાની વ્યવસ્થાનો લ્હાવો લીધો હતો. દરેક શહેરમાં ગામમાં ઉજવણી દરમિયાન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું, મહાઆરતી બાદ પ્રસાદ તેમજ ભોજન આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં રામધૂન, સમુહ આરતી, દિપોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.
સમગ્ર જીલ્લામાં અનેક વિસ્તારોમાં મોટી LED સ્ક્રીન પર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . આણંદ શહેરમાં તેમજ ઉપરાંત બોરસદ ખંભાત ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા સહિતના જિલ્લાના વિવિધ ગામોમાં મોટી LED સ્ક્રીન મુકી, તેમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી, પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી ધન્યતા અનુભવી હતી. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અયોધ્યામાં રામ મંદિરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જેને પગલે દેશભરમાં ઉલ્લાસનો માહોલ છે. આણંદ અને નડિયાદ સોમવારે અયોધ્યાના પગલે જ ભગવાન શ્રી રામની ભક્તિના રંગે રંગાઈ ગયુ હતુ. નડિયાદમાં સંતરામ મંદિર પાસેના રામજી મંદિરમાં મહાવિરદાસજી મહારાજ સહિત રાજકીય અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ પાવન પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. સાથે જ નડિયાદ સહિત જિલ્લાભરમાં શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. ખેડા જિલ્લાના નગરજનોએ પણ આ પર્વને ખૂબ જ ભક્તિ અને અંતરમનથી ઉજવી યાદગાર બનાવ્યો છે. નડિયાદ સહિત જિલ્લાભરના ગામોથી લઈ શહેરો અને મુખ્ય બજારોથી લઈ શેરીઓ, સોસાયટીઓમાં આ પ્રસંગને વધાવી લેવા માટે લોકોએ અનેક પ્રકારે ધાર્મિક કાર્યક્રમો કર્યા છે. નડિયાદમાં સંતરામ સર્કલ સ્થિત રામજી મંદિરમાં આજે મહારાજ સહિત મહાનુભાવોએ પ્રભુ શ્રી રામની પૂજા-અર્ચના કરી હતી.નડિયાદમાં રામજી મંદિરમાં બરોબર 12ના ટકોરે ભવ્ય શંખનાદ સાથે મહાઆરતી કરાઈ હતી. આ પહેલા સવારે 7 કલાકથી અખંડ શ્રીરામ ધૂન, બપોરે 12 કલાકે કાર સેવકોનુ ખાસ બહુમાન કરાયુ હતુ. જે કારસેવકો હયાત ન હતા, તેમના પરીવારજનોનું સન્માન કરાયુ હતુ. સાંજે સંધ્યા કાળે રામજી મંદિર દીપમાળાથી સજાવતા અલૌકીક નજારો જોવા મળ્યો હતો.
ચરાેતરમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી
By
Posted on