આણંદ તા.19
આણંદના ગામડી ગામમાં રહેતા 81 વર્ષિય વૃદ્ધે દુકાન વેચતા મળેલા રૂ.20 લાખ ઘરમાં રાખ્યાં હતાં. આ રકમ પર તેના મોટા દિકરાના પુત્રની નજર પડતાં તે હથોડો લઇ આવ્યો હતો અને પિતરાઇ બહેન ઘરે એકલી હતી તે સમયે તેને ધમકી આપી તિજોરી તોડી રોકડા રૂ.20 લાખ લૂંટી ભાગી ગયો હતો. આ અંગે વૃદ્ધે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના ગામડી ગામના ત્રિકમનગરમાં રેલવે ફાટક પાસે રહેતા અર્જુનભાઈ મેમાભાઈ વાઘેલા (ઉ.વ.81)ને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. જેમાં સૌથી મોટો દિકરો જયંતિ, મહેશ, નરેશ અને નારણ સાથે રહે છે. અર્જુનભાઈ બે માળના મકાનમાં સંજય અને જયંતિ ભેગા રહે છે. અર્જુનભાઈને ટુંકી ગલી સામે વાઘેલા ફુટવેર નામની દુકાન હતી. જેમાં ભાગીદારીનો કરાર બે દિવસ પહેલા કર્યો હતો. આ ભાગીદારી કરારમાં અવેજમાં રૂ.20 લાખ મળ્યાં હતાં. જે રૂપિયા નરેશને 17મી જાન્યુઆરી,24ના રોજ સાંજના અંદાજે સાતેક વાગે સાચવવા માટે આપ્યાં હતાં. તે વખતે જયંતિનો પુત્ર રાજીવ ઘરે હાજર હતો. આ રાજીવ પણ બેંકમાં માહિતી મેળવવા ગયા હતા ત્યારે અર્જુનભાઈ સાથે હતો.
દરમિયાનમાં 18મીની બપોરના અર્જુનભાઈ દુકાને હાજર હતા તે સમયે તેમના દિકરા નરેશનો ફોન આવ્યો હતો કે, તાત્કાલિક ઘરે આવો કામ છે. આથી, અર્જુનભાઈ બપોરના બે વાગ્યે ઘરે પહોંચ્યાં હતાં. આ સમયે નરેશની દિકરી શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, બપોરના દોઢ વાગ્યાના અરસામાં હું ઘરે એકલી હતી તે વખતે રાજીવ ઉર્ફે રોક ઉર્ફે મેહુલ જયંતી વાઘેલા તેના હાથમાં હથોડો લઇ ઘરમાં પ્રવેશ્યો હતો. બાદમાં મને અંદર ખેંચી ગયો હતો અને ઘરના પાછળનો દરવાજો બંધ કરી મને ધમકી આપી હતી કે, જો રાડો પાડી છે, તો આ હથોડાથી તને મારીશ. તેવી ધમકી આપી તે બાજુના રૂમના કબાટને તાળુ માર્યું હતું તે તાળુ રાજીવે હથોડાથી તોડી કબાટની અંદરથી રોકડા રૂ.20 લાખ લૂંટી શ્રદ્ધાને લાત મારી ભાગી ગયો હતો. આથી, અર્જુનભાઈએ તુરંત રાજીવના મોબાઇલ પર ફોન કર્યો હતો. પરંતુ તે સ્વીચ ઓફ આવતો હતો. આમ, ઘરમાં જ દાદાના રોકડા રૂ.20 લાખ લઇ પૌત્ર ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે શહેર પોલીસે અર્જુનભાઇ વાઘેલાની ફરિયાદ આધારે રાજીવ ઉર્ફે રોક ઉર્ફે મેહુલ જયંતી વાઘેલા (રહે.ત્રિકમનગર, ગામડી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરની પ્રાથમિક તપાસમાં ઘરથી થોડે દુર જ રોકડા ભરેલો થેલો મળી આવ્યો હતો. જોકે, તેમાં તપાસ કરતાં સાડા સત્તર લાખ મળી આવ્યાં હતાં. જોકે, અઢી લાખનો પત્તો લાગ્યો નહતો. જ્યારે રાજીવ ઉર્ફે રોકના મોબાઇલનું છેલ્લુ લોકેશન પણ ગામડી જ જાણવા મળ્યું હતું.
પૌત્રે જ દાદાના 20 લાખ રોકડા લૂંટ્યા
By
Posted on