ખાનપુર તા.19
ખાનપુર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ જે ખાનપુર તાલુકાના વડાગામ પાસેથી પસાર થાય છે. આ કેનાલમાં શાળાએથી ઘરે જતા બે બાળકો ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક બાળકને જીવીત બહાર કાઢીને બચાવ્યો હતો ત્યારે બીજા બાળકની શોધખોળ ચાલુ કરાઈ હતી.
ખાનપુર તાલુકામાં આવેલા વડાગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા પાણીનું સ્તર ઉંચુ હતું. ખાનપુર તાલુકાના મકનના મુવાડા ગામે રહેતા ધોરણ એકમાં અભ્યાસ કરતો દશરથ રમેશભાઈ પગી અને ધોરણ 4 માં અભ્યાસ કરતો અજયભાઈ પગી શાળામાં છૂટ્યા બાદ બંને એકજ કુટુંબના ભાઈઓ હોવાથી સાથે ચાલતા ઘરે જતા હતા. સુજલામ સુફલામ કેનાલમાં બંને હાથ ધોવા ઉતર્યા હતા. જ્યાં અચાનક પગ લપસતાં બંને બાળકો કેનાલમાં ડૂબ્યા હતા.
જેની જાણ આસપાસ સ્થાનિક લોકોને થતાં કેનાલ પાસે લોકો દોડી આવ્યા હતા. કેનાલમાં બાળકો ડૂબતાં પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં ડુબકી મારીને બંને બાળકોની શોધખોળ કરતા દશરથ પગીને બહાર કાઢીને બચાવ્યો હતો. જ્યારે અજય પગીનો પત્તો ન મળતાં લુણાવાડા ફાયર ફાઈટર અને બાકોર પોલીસે શોધખોળ આદરી હતી.
ખાનપુર ગામની નહેરમાં બે બાળક ડૂબ્યાં, એકનો બચાવ
By
Posted on