વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર વન વિભાગના (Forest Department) અધિકારીઓ અને ડબલ્યુસીસી મુંબઈની સંયુક્ત ટીમે કપરાડા- નાશિક માર્ગ ઉપર દિક્ષલ ગામ નજીકથી દીપડાનું (Leopard) ચામડું વેચવા આવેલા 7 ઇસમને ઝડપી પાડ્યા હતા.
- અધિકારીઓએ ડમી ગ્રાહક બની દીપડાનું ચામડું વેચવા આવેલા ઈસમોને ઝડપી પાડ્યા
- કપરાડાના દિક્ષલ નજીક દીપડાનું ચામડું અને નખ વેચવા આવેલા 7 ઈસમને જ્યુડિ.કસ્ટડીમાં મોકલી દેવાયા
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મળેલી બાતમીના આધારે ગત 5 જાન્યુ.ના રોજ વન વિભાગ અને ડબલ્યુસીસી મુંબઈને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો દીપડાનું ચામડું વેચવા આવવાના હોઈ વન વિભાગે દીક્ષલ ખાતે વોચ ગોઠવી હતી. જ્યારે ડબલ્યુસીસીના અધિકારીઓએ ડમી ગ્રાહક બની દીપડાનું ચામડું વેચવા આવેલા ઈસમો સાથે વાતચીત શરૂ કરતાં જ કપરાડા-ધરમપુર વન વિભાગના અધિકારીઓએ કોર્ડન કરી તેમને ઝડપી લીધા હતા. અધિકારીઓએ પકડાયેલા ઈસમો પાસેથી દીપડાનું ચામડું તેમજ 4 પંજા ઝડપ્યા હતા. સાથે તેઓ જે વાહનમાં આવ્યા હતા તે 2 વાહન કબજે કર્યા હતા. વન વિભાગે પકડાયેલા તમામ 7 ઈસમને કપરાડા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામના જામીન નામંજૂર કરતા તમામને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. વધુ તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલા ઈસમોમાં
બાબજી લાહનુ પટારા (રહે. કુંડા,તા.કપરાડા), એશમાન કિશન ગાંગોડા (રહે. દિક્ષલ, કપરાડા), યોગેશ જશવંત રાથડ (રહે. ફળી, તા.કપરાડા), સોમનાથ કિશન ગડદે (રહે. ફળી.તા.કપરાડા), નામદેવ શિવરામ કુંવર (રહે. નારવડ, તા.કપરાડા), હરેશ ઇન્દ્રિયા કુંવર (રહે. નારવડ,તા.કપરાડા)
તપાસ દરમિયાન સંપૂર્ણ સત્યતા બહાર આવશે
કપરાડા રેન્જના આરએફઓ અંકિત પટેલે જણાવ્યું કે મળેલી બાતમીના આધારે દિક્ષલ ખાતે પકડાયેલા ઈસમોની પ્રાથમિક પૂછપરછમાં એક ઈસમે જણાવ્યું કે નારવડ નજીક કોતરમાં એક મૃત હાલતમાં દીપડો જોતા અન્ય સાથી મિત્રોને જાણ કરી અને તેનું ચામડું કાઢી, નખ કાઢી વેચવા નીકળ્યા હતા. જોકે ઘટના અંગે સંપૂર્ણ સત્યતા તપાસ દરમિયાન બહાર આવશે. તમામને જ્યુડિ.કસ્ટડીમાં મોકલી દીધા હતા.